Team Chabuk-Gujarat Desk: સુરતના કતારગામ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે જૂની બિલ્ડીંગના રિનોવેશન દરમિયાન દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડતાં પાંચ લોકો દબાયા હતા જેમાંથી 2 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. ઘટનાની જાણકારી મળતાં જ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે બિલ્ડીંગની ઉપર સ્લેબ લેવાની કામગીરી ચાલુ હતી, તે વખતે સ્લેબ ધારાશયી થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. તાત્કાલિક સ્લેબને હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, કાટમાળમાં હજી કેટલા લોકો ફસાયા છે તેની હજી જાણ નથી. સ્લેબ તૂટી પડતા નીચે પાર્ક કરાયેલી ગાડીઓનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. લગભગ 40 થી વધુ બાઈક બિલ્ડીંગ નીચે પાર્ક કરાઈ હતી. જે કાટમાળ નીચે આખેઆખી દબાઈ ગઈ છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, તો કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાની કામગીરી ચાલી રહી છે.
સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દોડી આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પાલિકાનું ફાયરબ્રિગેડ યોગ્ય કામગીરી કરી રહ્યું છે. જો કે, આ પ્રકારે કોઈ જ સુરક્ષા વગર બિલ્ડીંગ ઉતારવું યોગ્ય નથી. લોકોના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે પગલાં લેવાય તેવી હું માંગ કરીશ તેમ ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું.
સ્થાનિક કોર્પોરેટે આ ઘટના વિશે માહિતી આપતા કહ્યુ કે, આ ઈમારત જર્જરિત હતી. બિલ્ડીંગ જૂની હોવાથી તેના રિનોવેશનનું કામ ચાલતુ હતું. બીજા માળની દિવાલ પાડવાનું કામ ચાલતુ હતું. આ બિલ્ડીંગની નીચે અનેક દુકાનો આવેલી છે. ચાની કીટલી હતી, તથા અન્ય દુકાનો પણ હતી. જેમના પર સ્લેબ તૂટી પડ્યો હતો. કાટમાળ નીચે પાંચથી છ જણા દટાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ સ્લેબને હટાવવા જેસીબી મશીનની મદદ લેવાઈ છે. મશીથી દિવાલનો કાટમાળ હટાવીને દબાયેલા માણસોને શોધવામાં આવી રહ્યાં છે.
સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાસકોની બેદરકારીના કારણે આ પ્રકારની એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે. અમે આ દુર્ઘટનાને વખોડીએ છીએ. તથા આવી દુર્ઘટના ન બને તે માટે પાલિકાના શાસકોને ઢંઢોળવા પ્રયાસ કરીશું. સાથે જ મૃતકોને રાજ્ય સરકાર અને મનપા તરફથી સહાય મળી રહે તે માટેની પણ માગ કરીશું. શહેરમાં આવી બે હજાર જેટલી ઈમારતો હશે તેમને માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાય છે તે યોગ્ય નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
