Homeવિશેષશું થયું જ્યારે આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રશિયાના અંતરીક્ષયાત્રીઓ યુક્રેનને સમર્થન આપતા રંગનો...

શું થયું જ્યારે આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રશિયાના અંતરીક્ષયાત્રીઓ યુક્રેનને સમર્થન આપતા રંગનો પોશાક પહેરીને આવ્યા?

Team Chabuk-Science Desk: ધરતી પર રશિયા અને યુક્રેનની વચ્ચે ભીષણ જંગ જામી છે. ભારેલો અગ્નિની સ્થિતિ છે. ક્યારે યુદ્ધની ઉપર પૂર્ણવિરામ મૂકાય તેની સૌ ચાતક નજરે પ્રતીક્ષા કરી રહ્યા છે. યુદ્ધમાં મહાકાય રશિયાની વિરુદ્ધ દરેક દેશ નિવેદનબાજી કરી રહ્યું છે અને યુક્રેન પ્રત્યે સાંત્વના પ્રગટ કરી રહ્યું છે. આ વચ્ચે અંતરીક્ષમાં એક દુર્લભ નજારો જોવા મળ્યો હતો.

રશિયાના ત્રણ અંતરીક્ષયાત્રી શુક્રવારના રોજ આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. સ્પેસ સ્ટેશન પર પહેલાથી હાજર અમેરિકન, રશિયન અને જર્મન અવકાશયાત્રીઓ તેમને જોઈ હેરત પામ્યા હતા. કેમ કે રશિયાના ત્રણે અંતરીક્ષ યાત્રીઓએ પીળા અને વાદળી રંગનો સ્પેસ પોશાક ધારણ કર્યો હતો. આ રંગ યુક્રેનના રાષ્ટ્રધ્વજનો છે. આ જોઈ અવાક થઈ જવું સ્વાભાવિક હતું કારણ કે વિસ્તારવાદી નીતિમાં માનનારા રશિયાને તેના જ દેશના ત્રણ અંતરીક્ષ યાત્રીઓએ પ્રતીકાત્મક ઢંગથી વખોડી કાઢ્યું હતું.

રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના અંતરીક્ષયાત્રી ઓલેગ આર્તેમાયેવ, ડેનિસ માત્વેયેવ અને સર્ગ કોસાકોવ શુક્રવારના રોજ કઝાકિસ્તાનના બેકોનૂર લોન્ચ સ્ટેશનથી અંતરીક્ષની સફર માટે રવાના થયા હતા. આ લોકો સ્પેસ સ્ટેશન બાજુ સોયુજ એમએમ-21 રોકટ મારફતે પ્રવાસ કરી આવ્યા હતા. રશિયન અંતરીક્ષ યાત્રીઓ કોઈ પણ પ્રકારની અડચણ વગર આરામથી કેપ્સુલમાં ત્રણ કલાકની અંદર સ્પેસ સ્ટેશનના ડોકમાં ડોકિયું કરવા પહોંચી ગયા. અહીં પહેલાથી ઉપસ્થિત રશિયાના બે, અમેરિકાના ચાર અને એક જર્મન અવકાશયાત્રીએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. રશિયન અંતરીક્ષયાત્રી ઓલેગ આર્તેમાયેવે તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ કેપ્સુલના ડોકમાંથી પ્રવેશતા પૂર્વે વાદળી રંગના અવકાશી પરિધાનમાં તરતા જોવા મળી રહ્યા છે.

એ વાતની અત્યાર સુધી સ્પષ્ટરૂપથી જાણકારી પ્રાપ્ત નથી થઈ કે આખરે એવું કયું કારણ છે, કે જેની સામે બાપે માર્યા વેર હોય એમ યુદ્ધમાં ઉતરેલું રશિયા પોતાના અવકાશયાત્રીઓને આ પ્રકારના પહેરવેશમાં મોકલી રહ્યું છે. અવકાશયાત્રીઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નાનકડો શાબ્દિક વિસ્ફોટ એવો કર્યો હતો કે આ તો અમારી પસંદથી અમે પહેર્યું છે. અમને અવકાશી પોશાકની પસંદગી કરવાની સ્વતંત્રતા છે. જેથી અમે આ પહેરવેશ પર પસંદગીનો કળશ ઢોળ્યો. એવો જવાબ પણ મળ્યો કે પીળા રંગની વસ્તુઓનો અતિરેક થઈ ગયો હતો જેથી આ વસ્ત્રોનો ઉપયોગ કર્યો.

યુક્રેનની સામે યુદ્ધે ચડેલા રશિયાનો વિરોધ કરવા માટે કેટલાય દેશ, સમૂદાય, સંસ્થાઓએ યુક્રેનના ઝંડાનો પ્રતીકાત્મક રીતે ઉપયોગ કરી જડબાતોડ વિરોધ નોંધવ્યો છે. જેથી યુક્રેન સાથે ઊભા છીએ એવી એક વાત વહેતી થાય. જોકે સ્પેસ સ્ટેશન પર પહેલી વખત અચંબો પમાડતી વસ્તુ દેખાય છે. માનો યા ન માનો ધરતી પર તો યુક્રેનની સાથે કેટલાય લોકો ઊભા છે પણ હવે આકાશમાં પણ યુક્રેન યુક્રેન થઈ રહ્યું છે અને એ પણ રશિયાના જ અંતરીક્ષચરો કરી રહ્યા છે.

હવે થોડી વાત રશિયાની ઉડાનની કરી લઈએ. રશિયા દ્વારા અવકાશમાં મોકલવામાં આવેલા સોયૂઝ કેપ્સુલ મારફતે 30 માર્ચના રોજ ધરતી પર ત્રણ અંતરીક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશનથી ધરતી પર ઉતરાણ કરશે. જેમાં બે રશિયાના કોસ્મોનોટ્સ (અંતરીક્ષયાત્રી) અને એક અમેરિકન અંતરીક્ષયાત્રી માર્ક વાંડે છે. માર્કે હાલમાં જ સતત 340 દિવસ સુધી અંતરીક્ષમાં સમય પસાર કરવાનો અમેરિકાનો જ રેકોર્ડ તોડ્યો છે.

રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોમોસના પ્રમુખ ડિમિત્રિ રોગોઝિની આ પૂર્વે બે વખત ઓરંગઝેબ શૈલીમાં દુનિયાને ધમકી આપી ચૂક્યા છે. ડિમિત્રીએ સ્પેસ સ્ટેશનને ભારત અને ચીન ઉપર પછાડવાની વાત કરી હતી. યુરોપિયન યુનિયનના રોકેટ લોન્ચિંગને બંધ કરવાની પણ વાત ઉચ્ચારી હતી. એ પછી યુરોપિયન સ્પેસ સ્ટેશને રશિયાને કુલ 8000 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચાળ મંગળ મિશનમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments