Team Chabuk-Political Desk: ફરી તૂટવાની છે! આ શબ્દ સંભળાય એટલે ગુજરાતીઓને ખબર પડી જાય કે કોંગ્રેસ તૂટવાની છે. આ કોઈ સૂત્રો નથી કહી રહ્યા. કોઈ રાજનેતાનું બેબાક નિવેદન સામે નથી આવ્યું. પણ રાજસ્થાન કોંગ્રેસના નેતાએ ટ્વીટ કરી ગુજરાતની ખખડી ગયેલી કોંગ્રેસને ફરી એક વખત સતર્ક કરી છે. આ ટ્વીટથી હવે ચારેબાજુ ચર્ચાઓ થવા લાગી છે કે શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા પહેલા ગુજરાત કોંગ્રેસના દસ ધારાસભ્યો રેવડીની જેમ વેચાઈ જશે?
છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ સત્તા માટે વલખા મારી રહી છે. 2012ની ચૂંટણીની માફક હવે આ વર્ષે પણ ત્રિકોણીયો જંગ થવાનો છે. મેદાનમાં વર્ચસ્વ ન જમાવાય તો કંઈ નહીં, પણ એક મોટી વિપક્ષી પાર્ટી તરીકે દમખમ બતાવવા માટે આમ આદમી પાર્ટી તૈયાર ઊભી છે. એવામાં ફરી એક વખત કોંગ્રેસને સાબદા કરતા સમાચાર સામે આવ્યા છે.
પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ એવો દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર છે. આવી વાત વહેતી થાય એટલે કોંગ્રેસમાં હડીયાપાટી શરૂ થઈ જાય, કારણ કે ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના માથા કહેવાતા નેતાઓને ભાજપના નેતાઓએ પાડી દીધા છે. ન માત્ર પાડી જ દીધા છે પરંતુ તેમને ચૂંટણીમાં ઊભા રાખી, જીતાવી અને મોભાવાળું મંત્રીપદ પણ અપાવ્યું છે.
અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાની ટ્વીટ આપણી સામે કેટલા બધા પ્રશ્નો છોડી જાય છે. જેમ કે આ ટ્વીટમાં તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. તેનો અર્થ એ થયો કે ઘટના ખૂબ મોટી ઘટવાની સંભાવના છે. હિન્દીમાં સંયમ લોઢાએ કરેલી ટ્વીટમાં લખ્યું છે કે – ‘गुजरात विधानसभा चुनाव 2022, भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।, स्वस्थ रहें, सतर्क रहें’
#गुजरात विधानसभा चुनाव 2022
— Sanyam Lodha (@SanyamLodha66) March 18, 2022
भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।
स्वस्थ रहें, सतर्क रहें।#GujaratElection2022 @RahulGandhi @priyankagandhi @INCIndia @INCGujarat
એક સમયે ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્તભાઈ પાટીલે કહ્યું હતું કે હવે કોઈ કોંગ્રેસના નેતાને લઈશું નહીં. પરંતુ ભરતીમેળો ચાલુ રહ્યો હતો. કોંગ્રેસના કદાવર નેતા જયરાજસિંહ પરમાર અને AMCના પૂર્વ નેતા દિનેશ શર્મા ભાજપમાં વિલીન થઈ ગયા. એવામાં હવે ચૂંટણી પહેલા ભરતીમેળાની પ્રક્રિયાનો જોરોશોરોથી આરંભ થાય તેવી શક્યતાઓ કોંગ્રેસના જ નેતાએ વહેતી મૂકી છે. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2020માં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. અત્યારે ગુજરાત કોંગ્રેસ પાસે કુલ 65 ધારાસભ્યો છે. આવનારા સમયમાં કંઈ નવાજૂની થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
સંયમ લોઢાની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લા કેટલાય સમયથી પક્ષ વિરોધી નિવેદનો આપવા માટે પંકાયેલા છે. રાજસ્થાન વિધાનસભામાં પણ કોંગ્રેસના જ કેટલાય ધારાસભ્યોની નબળી કડીઓ ગણાવી પોતાના જ પક્ષને કડવો લાડવો ખવડાવ્યો હતો. હવે તેમણે ગુજરાતની ચૂંટણી આવી રહી છે ત્યારે તેના અંગે ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે ભવિષ્ય જ બતાવશે?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
