Team Chabuk-Gujarat Desk: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી, આ કહેવત ફરી એક વખત ગુર્જર પ્રદેશમાં સાચી ઠરી છે. એક જ વ્યક્તિ 260થી વધારે ગાડીઓનું કૌભાંડ કરે તો કેવું લાગે ? પોલીસ પણ આ વાત જાણીને ચોંકી ગઈ છે. આ ઘટના બની છે સુરત શહેરમાં. જ્યાં રાજ્યવ્યાપી કાર ભાડે લઈ અલગ અલગ લોકોને ગાડીઓ વેચી અથવા તો તેમને ગીરવે આપવાનું એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં સુરત ઈકો સેલમાં ફરિયાદ નોંધવવામાં આવી છે અને પોલીસ વિભાગના હાથમાં એટલી ગાડીઓ આવી ગઈ છે કે કોઈને શો રૂમ લાગે.
ઈસ હાથ દે ઈસ હાથ લે
એક નહીં, બે નહીં, પણ બસ્સો ઉપર કારને ભાડે લઈ કેટલાયનું ફૂલેકુ ગુજરાતના ‘મિસ્ટર નટવરલાલ’ દ્વારા ફેરવી નાખવામાં આવ્યું હતું. ફરિયાદીઓમાં પણ આ કારણે દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાનો મુખ્ય સુત્રધાર કેતુલ પરમાર છે. કેતુલ મૂળ બનાસકાંઠા અને સુરતના કામરેજ ખાતે આવેલા લાસકાણા ખાતે રહેતો. તેણે 112 ગાડીઓ ભાડે રાખી હતી. ઉપરથી જેમની પાસેથી પણ કાર લીધી હતી તેમને સમયસર ભાડું પણ ચૂકવતો હતો. જેથી ઈસ હાથ દે ઈસ હાથ લે જેવો ઘાટ ઘડાયો હતો.
ગાડીઓ ક્યાં ફરે છે?
ફરિયાદીને પણ મૂર્ખ જ સમજવા, કારણ કે તેમની ગાડીઓ કોને ભાડે આપવામાં આવી છે? ક્યાં ફરે છે? કોના હાથમાં છે ? તેની કોઈ પણ પ્રકારની ચિંતા કરતાં નહોતાં. કૌભાંડી જુઠ્ઠી વાતનું પોપટની જેમ રટણ કરતો હતો અને તેની મધ જેવી વાતો સામેના લોકોના ગળામાં ઉતારાવી દેતો હતો.
કેવી રીતે ઉતાર્યા બાટલીમાં ?
સુરતના ભાઠેના ખાતે આવેલ અંબીકા ચોક પાસે રહેતા અમરકુમાર વિરાભાઈ પટેલ મહાકાલ ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે ભાગીદારીમાં ધંધો કરે છે. તેમનો સંપર્ક કેતુલ પરમારની સાથે થયો હતો. વેપારી કામ માટે અવાર નવાર મળતા હોય બંનેનાં સંબંધો થોડા મજબૂત બન્યાં હતાં. 12 ઓક્ટોબરનાં રોજ કેતુલ પરમારે પરવટ પાટીયા પાસે તેમને મળવા બોલાવ્યાં હતાં. જ્યાં કેતુલે તેને ટી.જી.સોલાર પ્રા.લી ઝઘડીયા ગુજરાતીની કંપનીનો કોન્ટ્રેક્ટ મળ્યો હોય કંપનીની ગાડી ભાડે મૂકવાની છે સારા પૈસા મળશે કહ્યું હતું. કેતુલ પરમારે શરૂઆતમાં તો સમયસર ભાડું આપ્યું હતું વિશ્વાસમાં લઈ લીધાં હતાં. એ પછી ઓળખીતા અને આસપાસના સગાઓની ગાડીઓ મેળવી હતી. અલગ અલગ કંપનીઓની 142 અને મિત્રોની 112 ગાડીઓ આપી હતી. જોકે બાદમાં આ તમામ કાર સગેવગે કરી નાખી હતી. અમરકુમારના સાઢુ અને સાળીની ગાડીના દસ્તાવેજ બીજાના નામે ટ્રાન્સફર કરી દીધાં હતાં. હાલ કેતુલની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
કેટલું ભાડું આપતો?
કેતુલ દર મહિને એક ગાડીનું ભાડું ત્રીસ હજાર રૂપિયા આપતો હતો જ્યારે મોટી ગાડીનું ભાડું 40-45 હજારમાં આપતો હતો. આટલી રકમ કોઈને પણ વિશ્વાસમાં લાવવા પૂરતી હોય છે. આ રકમ જ્યારે મળતી બંધ થઈ અને લોકોના ધક્કા વધતા ગયા ત્યારે ખબર પડી આ બંટી ખેલ પાડી ગયો છે. આ મિસ્ટર નટવરલાલને હાલ પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી 60 જેટલી કાર કબ્જે પણ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત