Homeગુર્જર નગરીદિનેશભાઈ ભૂંગળાવાળાના સરનામાએ સોશિયલ મિડિયાને લીધું બાનમાં, ગૂગલ મેપ પણ બે ઘડી...

દિનેશભાઈ ભૂંગળાવાળાના સરનામાએ સોશિયલ મિડિયાને લીધું બાનમાં, ગૂગલ મેપ પણ બે ઘડી ગોથું ખાઈ જાય

Team Chabuk-Gujarat-Social Media Desk: સોશિયલ મિડિયા પર લોકપ્રિય થવા માટે લોકો ધમપછાડા મારતા હોય છે. પાઉટ કરતાં ફોટો અપલોડ કરે છે. નીતનવા મીમ્સ શેર કરે છે. પોતાના વિચારો શેર કરે છે. આમને આમ સોશિયલ મિડિયાનું એડિક્શન થઈ જાય છે. લાઈક ઘટી જાય તોપણ નથી ગમતું. કૉમેન્ટ ઘટી જાય તોપણ નથી ગમતું. આવું થાય તો યુઝર્સનું ચિત્તવન ક્યાંય નથી ચોંટતું, પણ ગઈકાલથી એક વ્યક્તિ ખૂબ લોકપ્રિય થઈ ગયા છે. સોશિયલ મિડિયા પર જ્યાં જાવ ત્યાં તેમનો જ ફોટો શેર થઈ રહ્યો છે. લોકો વોટ્સએપમાં ડીપી રાખી રહ્યા છે. ફેસબુકમાં અપલોડ કરી જોક્સ બનાવી રહ્યા છે.

આ ભાઈનું નામ દિનેશભાઈ ભૂંગળાવાળા છે. ભૂંગળા સહિત વટાણા અને ડાળીયાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાઈરલ એટલા માટે થયા છે કે તેમણે ગૂગલ મેપને પણ બે ઘડી બેભાન કરી દે એ રીતના વિગતવાર પોતાનું સરનામું લખ્યું છે. સરનામું લખવા પાછળનો એમનો સ્પષ્ટ ઉદ્દેશ્ય દેખાય છે કે કોઈ સરનામું શોધવા માટે હેરાન ન થવું જોઈએ. અને મારો ધંધો ચાલવો જોઈએ. આપણે વીસ લોકોને સરનામું પૂછીએ અને તોપણ ઠેકાણું ન મળે એવું થતું હોય છે. તેની જગ્યાએ દિનેશભાઈનું સરનામું વાંચો.

‘‘જૂનાને જાણીતા 15 વર્ષથી ભુંગળા લેવા આવવા માટેનું એક માત્ર સ્થળ દિનેશભાઈ ભુંગળાવાળા (શામપરા) તેના ઘરે આવવા માટે કણકોટ રોડ ઉપર ઘર છે. દુકાન નથી માટે સાવધાન રહેવું. ઘરેથી જ ભૂંગળા લેવાનો આગ્રહ રાખો. ઘરે કાળો ડેલો છે. ઉપર ભાલા છે. ચાર આસોપાલવના ઝાડ છે. એક નાળિયેરીનું ઝાડ છે. બે માળનું મકાન છે. ગામમાં બેથી ત્રણ જગ્યાએ ભુંગળા મળે છે. માટે ઉપર આપેલું એડ્રેસ જોઈને જ ભુંગળા લેવાનો આગ્રહ રાખો. અમારી બીજી કોઈ શાખા નથી સાવધાન….’’

Dinesh

સરનામું લખવામાં એમનો વેપાર કરવાનો ચોખ્ખો દૃષ્ટિકોણ તો દેખાય જ છે પણ આ માણસનાં એક એક શબ્દમાં નિર્દોષતા અને સત્યતા છે. ખુલ્લા દિલનો માણસ છે. જે છે એ બધું તેણે અહીં કહી દીધું છે. ઘરે કાળો ડેલો છે… અહીંથી તો કોઈ નવલકથા કે નવલિકા વાંચતા હોઈએ એવું લાગે છે.

દિનેશભાઈ તમે બધી વાત કરી દીધી અને આખા ગુજરાતમાં લોકપ્રિય પણ થઈ ગયા. બાકી આજ સુધી સરનામાનાં કારણે કોઈ લોકપ્રિય થયા હોય તેવો કિસ્સો અમારા જાણમાં નથી. ભારતમાં તો શું વિદેશમાં પણ આવો દાખલો બન્યો નહીં હોય. તમારા ઘર બાજુ આવવાનું થશે ત્યારે ભુંગળા લઈને જ જશું. તમારા વેપાર ધંધા માટે ટીમ ચાબુક તરફથી બેસ્ટ ઓફ લક….

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments