Homeસાહિત્યરામાપીરના મંદિરની વાતો-નિબંધ-મયૂર ખાવડુ

રામાપીરના મંદિરની વાતો-નિબંધ-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: મારી શેરીમાં રામાપીરનું મંદિર ભલે હોય અને મારા બાપુજી રવિવારના રજાના દિવસે તેની સાફ સફાઈ ભલે રાખતા પણ કોઈ દિવસ તેમાં ઝાલર વાગી નહોતી. નહોતા એમાં ઢોલ કે નહોતા મંજીરા. વડલા પાસે આવેલ શંકરબાપાના મંદિરમાં જે રીતે રાતના ઢબૂક ઢબૂક ઢોલ વગાડનારા છોકરાંઓની ભીડ જામતી હતી અને ઢોલ પર દાંડી પીટવા માટે છોકરાઓ ધક્કામુક્કી કરતાં હતાં એવું અમારા આ મંદિરમાં નહોતું. તોય એની પ્રસિદ્ધિ ‘માર્લોન બ્રાન્ડો’ની અભિનય પ્રતિભા જેવી હતી.

તુલનાની તો ક્યાં વાત છે. રામાપીર કરતાં શંકર ભગવાને ‘માસ્ટર્સ’ની ઉપાધિ મેળવેલી છે. એ ઊંચી ડિગ્રી ધરાવે છે. પહેલાથી એમના ભક્તોની સંખ્યા વધારે છે. પાછા શંકરબાપાના શોખેય જુવાનિયાં જેવા. જુવાનિયાઓને શંકરબાપા ગમે એનું કારણ એના શોખેય હોય! આના ઉપર સંશોધન કરવાની જરૂર છે. આવા સંશોધનના પરિણામેય રૂડા અને ખડખડાટ હસાવતાં મળી રહે.

એ શંકરબાપાના મંદિર કરતા અમારું રામાપીરનું મંદિર એકંદરે એક સામાન્ય મંદિર હતું. મેં એ મંદિરને નાનામાંથી મોટા થતાં જોયું છે. જેમ હું મોટો થતો ગયો તેમ મંદિરેય મોટું થતું ગયું. અલબત્ત મંદિર મારા કરતાં પહેલા મોટું થયું. નાનો હતો અને ગયેલો ત્યારે એ દેરી હતી. એની ઉપર કાંઈ કરતાં કાંઈ લખેલું નહોતું. અજાણ્યા હોઉંને અંદર મૂર્તિ જોવ તો પરિચિય થાય કે રામાપીરનું મંદિર છે.

એ અમારા માટે સરનામું શોધવાનું સ્થળ રહ્યું. જ્યારે કોઈને નરસિંહ ટેકરીમાં આવવું હોય તો, ‘ભલા માણહ રામાપીરનું મંદિર કિ કોઈર?’ એમ સરનામું પૂછે. તેમાં એક મૂર્તિ હતી અને રાતના દીવો કરવામાં આવતો. શંકરબાપાના મંદિરે ઝાલર વાગે ત્યારે અહીં સુખડની અગરબત્તી કરી અમે ધન્યતા અનુભવતા. આનંદની વાત કે રામાપીરનાય કોઈ ઝાઝા શોખ નહીં. એનો ઓટલો મોટો હતો. એની માથે છોકરાઓ હડિયાપાટી કર્યા કરતાં હતાં. એમને ઘડીએ ઘડીએ રામાપીરાના મંદિરમાંથી તગડવા પડતાં હતાં. ધજા તો સાવેય નાનકડી. જયંતિ કે કોઈ સારા નરસા પ્રસંગે પશ્ચિમમાંથી એક ટોળું રામાપીરના જયઘોષ અને શંખનાદ સાથે હિરણ નદીના પૂરની જેમ ધસમસતુ આવે અને ધજા બદલી ચાલ્યું જાય.

કેટલીક વખત તો સાગમટે એટલી ધજા થઈ જાય કે પછી એકબીજામાં પતંગના દોરાની જેમ ગૂંચવાઈ ગઈ હોય. પવનેય એને હલબલાવી ન શકે. એની લાકડી તેમાંથી છૂટવાનો પ્રયત્ન કરતી હોય. એ બિચારી દબાય ગઈ હોય. વર્ષો સુધી એ સૂકલકડીનો દેહ કેવો હતો એ કોઈએ જોયો નહીં. એ પણ અમારા નરસિંહ ટેકરીની કેટલીક છોકરીઓની જેમ સ્વતંત્રતા ઝંખતી હતી. એ લાકડી પછી કઈ સૃષ્ટીમાં અલોપ થઈ ગઈ ખ્યાલ નથી.

મંદિર નાનું હતું ત્યારે તો એને ધોવાની પણ તકલીફ નહોતી પડતી. એણે એની કાયા સાપની કાંચડીની જેમ બદલી નાખી. એનો વિસ્તાર થયો. એ છોકરામાંથી યુવાન થયું. આજે વૃદ્ધ હશે! પહેલા એ અંદરથી નર્યા પથ્થર જેવું દેખાતું હતું. કોઈ એમાં સમાય ન શકે, પણ મોટું થયું એટલે એણે તો આખી નરસિંહ ટેકરીને બાથમાં ભરી લીધી. એમાં ચહેરો જોઈ વાળ ઓળી શકાય એવી ચમકતી લાદીઓ ફીટ થઈ. મંદિર મોટું પણ અંદર મૂર્તિ તો એવડી ને એવડી રહી. એમાં મુખ્ય રામાપીર અને ડાબી બાજુ હનુમાન તો જમણી બાજુ શંકરબાપા બિરાજમાન થયા. ઊંચુ પણ એટલું જ હતું. મારા ઘરને અડીને આવેલું અને મારા ઘરથી જ બે ફૂટ ઊંચું. અમારા ઘરનો જીર્ણોદ્ધાર થયો. નળિયામાંથી પાકુ મકાન થયું અને રામાપીરે પણ નાની દેરીમાંથી મોટું મંદિર કરી લીધું. અમે કોઈ’દિ એની પાસે કાંઈ માગ્યું નહીં, પણે અમે સુખી થઈએ પછી જ એ સુખી થાય.

રવિવારના બાપુજીને શાળામાં રજા હોય એટલે લુંગી ગોઠણ સુધી ચડાવી એ મંદિરમાં ડોલ ભરી જાય. એ વખતે પાણીનો કકળાટ ખરો. આઠ આઠ દિવસે પાણી આવે. નરસિંહ ટેકરીમાં ડંકી એક પણ ત્યાં પાણી ભરવા માટે લાંબી લાઈન લાગી હોય. રેકડીમાં ડોલને ડબલા- હાંડો ને બેડા, તગારા ને તપેલીયું લઈ બાયું અને એનાં ટેણિયાં કિડીયારુંની જેમ ઉમટી પડે. મને યાદ છે એ હરોળમાંથી છૂટવા બા અને બાપુજી સવારમાં ચાર વાગ્યે ઉઠી પાણીનો બંદોબસ્ત કરવા જતાં હતાં.

પાણીની આટલી અછત વચ્ચે પણ બાપા તો ગમે તેમ કરીને પાણીની ડોલ ભરી આવે અને છાલક મારી મંદિરને ધોઈ નાખે. એક એક વસ્તુને ઉજળી કરી નાખ્યાં પછી થોડી વાર શાંતિથી બેસે. અમે ડોલ ઉપાડવા જેટલા મોટા થયા પછી અમનેય કસરત કરાવે. જે દિવસે પાણી આવે એ દિવસે તો બાપુજી નદીના માછલાની જેમ રામાપીરના મંદિરમાં આળોટતા હોય. એમના પગના તળિયાને એ જરાય સુકાવા ન દે. કોઈ વખત તો પ્રતિકેય મંદિર ધોવામાં શૂરો બન્યો હોય. અત્યારે તો પ્રતીક શરીરથી છ ફૂટ લાંબો અને શક્તિશાળી દેખાય છે, પણ ત્યારે એ એવો નહોતો. એનું શરીર કિડી કરતાંય ઓછું વજન ઉપાડે એવું હતું. એ ડોલ લઈ આવે ત્યાં અડધે તો ઢોળાય જાય.

મંદિર ધોયા પછી એમને બેસેલા જોઈ આજુબાજુનાં છોકરાઓ પણ ‘શું માસ્તર? જય રામાપીર કરતા અંદર આવે.’ ખાસ તો દિનિયો અને સંદલો હોય કાં મારો પાક્કો ભાઈબંધ પ્રતિક હોય. એની માલિકોર ઘરીને જે આશરો લે તેને બહાર કાઢવા પછી તો લાકડી લેવી પડે. મંદિરમાં એટલી શાંતિ અને ઠંડક હોય કે એરકન્ડિશનરની ગરજ સારે. એ વખતે આઈવા ટીવી નવા વેચાવા આવ્યા હતા. એના સિવાય સુખ મેળવવાની સગવડો કઈ કઈ તેની અમને કાંઈ ભાળ નહોતી. અમને આવી વસ્તુઓની ભાળ નહોતી એટલે જ ભેગા હતાં અને સુખી હતાં.

પ્રતીકને કોઈએ હાથેથી રમવાની ગેમ લઈ દીધી હતી, તો એ ઘરની બહાર જ નહોતો નીકળતો. માંડ માંડ એને અમે નરસિંહ ટેકરીના ચોરામાં તાણીને રમવા માટે લઈ જતાં હતાં. આજે તો એ નાની ગેમ કરતાંય મોટી મોટી વસ્તુઓ હાથમાં આવી ગઈ છે અને આપણે વિખૂટા થઈ ગયા છીએ. ખ્યાલ છે કે બરકીશું તોપણ કોઈ નહીં આવે. આપણો અવાજ એના માટે નર્યો દેકારો બની જશે.

બાજુમાં રંજન બહેનની ત્રણ છોકરીઓ એટલે અવાજનો વંટોળિયો. મંદિર નાનું હતું ત્યારે તેમાં ઘરઘોકલે રમતી હતી. પહેલી દસ મિનિટ ઠીકથી રમતી અને પછી અંદરો અંદર એવી ઝઘડતી કે ભેંકડો તાણીને રોઈ પડતી. પાછી એમને ઘરમાં પૂરી દેવી પડતી. મેં ગુસ્સામાં મારા ભાઈને ગળામાં પહેરવાની એક ચેન મારેલી અને તેના બાવળામાં ઉજરડો થઈ ગયો હતો. એ પણ આ રામાપીરના મંદિરની સાક્ષીએ. એ વખતે રંજનબહેનની એક છોકરી રડવા લાગેલી. કદાચ એ વચલી હતી. એ જ્યારે જુઓ ત્યારે રામાપીરના મંદિરની આસપાસ હોય અને રડતી કકડતી હોય. નાકમાંથી સેડા શ્રાવણ મહિનાની જેમ વહ્યા જતાં હોય.

પહેલા જે વિસ્તાર ખુલ્લો હતો એ વિસ્તાર હવે મંદિરના કબ્જામાં આવી ગયો. મંદિર નજીક એટલે એક ખૂણો અમારા ઘરની દિવાલને અડકી ગયેલો. વચ્ચેના ભાગમાં દસેક ફૂટ ઊંચુ છાપરા જેવું થઈ ગયું હતું. અને તેની બાજુમાં કોરીકટ જગ્યા. મંદિરની જમણી બાજુ છોકરાઓ થપ્પો-દા રમતાં. રમવાનું ટાણું બપોર પછીનું રાખવામાં આવતું અને કોઈ કોઈ વખત રાતના નવ વાગ્યા સુધી ખેંચી લેતા. જેના પર દાવ ચગે એની સથવારે રામાપીર આવે. એ આંખો બંધ કરી જમણી બાજુની દિવાલમાં આંકડા ગણતો હોય અને એને ત્યાં જ કહી દે કે બધા સનેપાતિયાંઓ એકહારે અહીં સંતાણા છે.   

તાલાળાનું ચોમાસુ શ્રીકાર પણ ખરું અને ભૂતડાં જેવું પણ ભાસે. હિરણમાં પૂર આવવાનું હોય એટલે ગાય, બળદ, કૂતરા અને ભૂરણાં બધા આશરો લેવા માટે હડી કાઢતા મંદિરના વચ્ચેના ભાગે પહોંચી જાય. આ પશુઓ માટે તો એ દેવસ્થાન હતું. માણહ અંદર પૂજા કરતાં અને જાનવરો બહાર કરતાં. એક કૂતરો તો રાહ જોતો હોય. જે કોઈ મંદિરનો દરવાજો ખોલે એટલે એની આંખમાં ધૂળ નાખી અંદર ઘુસી જાય. પછી ચોમાસામાં ન્યાં શાંતિથી ઉંઘી જાય. મંદિરમાં કૂતરો ઘર્યો છે એવું કોઈ જોઈ જાય એટલે રામ.. રામ… પહેલા કાંઈ ન કરે. એક મોટું લાકડું લઈ પાછા આવે અને કૂતરાની ધોલધપાટ થઈ જાય. કોઈ વખત સાગમટે ધોલાઈ કર્યાના પણ દાખલા બનેલા. એ કૂતરું પણ રામાપીરનું મંદિર ઉપરથી કેવું દેખાય છે એ જોવાના નિર્ધાર સાથે અમારા ઘરમાં ઘુસી ગયેલું.

ઘરમાંથી સીધું છત પર ગયું. હું અને પ્રતીક અમારી લાકડીઓ લઈ બાળ સહજ સાહસિક ભૂમિકા ભજવવા માટે અને કૂતરાનાં છક્કા છોડાવવા માટે ધાબા પર જઈ પહોંચ્યા. હથિયારબંધ સૈનિકોને જોઈ કૂતરાની પૂંછડી તેનાં બે ટાંટીયાંની વચ્ચે ઘુસી ગઈ. એ છટકબારીની શોધમાં હતું. એણે પહેલા ઠેકડો મારી રામાપીરની છતને ‘અભડાવી’ દીધી. અમે કૂતરાને ભગાડવાની પણોજણમાં પડ્યાં હતાં ત્યારે બાયુંના ટોળામાંથી એક એવો પરિચિત કે અપરિચિતિ અવાજ મારા કાને પડેલો.

એ કૂતરાએ રામાપીરના મંદિરની માથેથી ભયના ઓથારને હ્રદયમાં સાચવી રાખી દર્શન કર્યા. એ મંદિરની ઊંચાઈ જોઈ ડરી ગયું. નીચે કૂદે તો ટાંટીયો ભાંગી જાય અને અમારી સામે આવે તો હાડકા ખોખરા થઈ જાય. એણે બે વખત ભસવાનો અને ડરાવવાનો નિષ્ફળ અભિનય પણ કરી જોયો. એનાં આ કોઈ ગતકડાં અમારી સામે ચાલ્યા નહીં. આખરે પોતાની મર્દાનગી દર્શાવતો એ અમારી સામે કૂદ્યો. અમે હટી ગયા અને એ હડી કાઢતો ભાગ્યો.

ઘરની ડેલી બંધ હતી અને તોપણ એ નાના એવા બાકોરામાંથી ઘસડાઈને સડેડાટ નીકળી ગયો. અમે હસી પડ્યા. શિયાળો, ઉનાળો અને ચોમાસુ રામાપીરના આશરે રહેતા એ કૂતરાને અમે વખત જતા હિરણ નદીમાં મરેલો ભાળેલો. એનું મોઢું ફાટી ગયું હતું અને તેમાં જીવાત ખદબદતી હતી. એ ગમે એવું હતું પણ અમારા બાળપણનું રમકડું હતું.

અમારા નાના એવા ખોરડામાં નિવેધ થાય એટલે શ્રીફળના પાંચ કટકા કાપીને રામાપીરના મંદિર માટે અલગથી રાખી દેવાના. એ હું રાખી આવું. ગમ્મત તો બીજા દિવસે શરૂ થાય. કેટલાક સંબંધો જૂનાપૂરાણા થાય ત્યારે તેની ઘટમાળાઓનું સંસ્મરણ કરવાની મજા આવે. ઘડપણમાં જુવાની અને શૈશવનું સ્મરણ કરી હ્રદય ભીનું કરવાની મજા આવે એમ જ મને ટોપરું સુકાઈ જાય ત્યારે વધારે ભાવે. હું રામાપીરના મંદિરની આજુબાજુ આટા મારતો મારી ખેપાની પ્રવૃત્તિ કરતો હોઉં ત્યારે અંદર જઈ નિવેધ માટે રાખેલા એ એક એક ટોપરાની કટકીઓને મારા ગળા નીચે ઉતારી જાઉં. એમાં કિડીઓ ચડી ગઈ હોય તોપણ હું અકરાંતિયાની જેમ એને સાફ કરી ખાઈ જાઉં.

એ વખતે કોઈ કહેનારા નહોતા કે એમાં બેક્ટેરિયા હોય, ફુગ હોય, માંદા પડીએ. ખાટલે પડ્યાનાં અભાગિયાં અને દુ:ખદ દિવસો તો મારા સંભારણામાં આવતાય નથી. સાચા ખોટાની કાંઈ ખબર ન હોય એવી જિંદગી ખૂબ ઓછા લોકો જીવી શકે છે. આખા ગામમાં પડ્યા આખડ્યા કરતો ગાંડો સામાન્ય માણસની રોજબરોજની ટેન્શન ભરેલી જિંદગી કરતાં વધારે જીવતો હશે? એ જે મળે એ ખાઈ લે. એ જે મળે ત્યાં રહી લે. એનું ગાંડપણ એને પાછું આદિમાનવ થવા પજવતું હશે અને એકલો ગાંડો તો શું કરી શકે? આપણે બધા આપણું આવું ગાંડપણ નાનપણમાં છોડીને ક્યાંય આગળ નીકળી ગયા છીએ. હવે પૂર્વાર્ધમાં જવાનું મન છે પણ જઈ નથી શકાતું. વર્તમાનમાં ક્યાંક ફસાઈ ગયો છું.

કોઈએ એવું બહાનું કેમ નથી બનાવ્યું કે, ‘હેડકી આવે ત્યારે કોઈ જૂની પુરાણી વસ્તુ યાદ કરતી રડતી હશે?’ આપણને માણસ જ થોડો યાદ કરે, વસ્તુ પણ યાદ કરતી હશે ને? એ રામાપીરના મંદિરનો સ્પર્શ. મંદિરમાં છુપાઈ જવું. ઉપરથી ઠેકડા મારવા. મંદિરની બાજુમાં છુપાઈ ગયેલી ગાયને હડસેલી ફરી એ ખૂણાને એકાંતવાસની અનુભૂતિ કરાવવી. મને હેડકી આવે ત્યારે મારી આજુબાજુ એવું કોઈ પરિચિત નથી કે જે કહે, ‘રામાપીરનું મંદિર યાદ કરતું હશે.’

હું ખાલી આંખ મીંચીને કલ્પના કરું છું. સવારના છ વાગ્યે એક કાબર બોલી રહી છે અને કોયલ ટહુકો કરી રહી છે. સ્મશાન બાજુએથી મોરનો ટેહુ ટેહુ અવાજ આવે છે. હિરણ નદીનું પાણી ઓસર્યું નથી. એનો મધુર ખડખડ અવાજ સંભળાય છે. મારા ઘરમાં જ્ઞાનીદાસનું ભજન ચાલે છે, ‘‘અલખ ધણી તમે પાટે પધારો….’’ અને હું એ મંદિરની સામે નિર્લેપ ઊભો છું.

(લેખકના અપ્રકાશિત નિબંધ સંગ્રહ – નરસિંહ ટેકરીમાંથી.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments