Homeવિશેષકોરોનાકાળમાં જય મહાકાળ : જ્યારે એક શૂરવીરનું માથું નદીમાં પડ્યું અને ઘેલો...

કોરોનાકાળમાં જય મહાકાળ : જ્યારે એક શૂરવીરનું માથું નદીમાં પડ્યું અને ઘેલો નામ પડી ગયું

જસદણથી જસ્મીન સુવાગીયા : કોરોનાનો ફફડાટ ઓછો થઈ ચુક્યો હતો. લોકડાઉન આંશિક ખુલી ચૂક્યું હતું. છતાં મનમાં ડર તો હતો જ. અનલૉક થયાના બે મહિના થઈ ગયા હતા. મીડિયામાં સતત કામ કરી થાક્યા પણ હતા. એવામાં મિત્ર જીતેન્દ્રનો ફોન આવ્યો. કહ્યું, ‘બાપુ આવો રાજકોટ એકાદ દિવસ રખડપટ્ટી કરીએ.’

હું તો આવકારની જ રાહ જોઈ બેઠો હતો કહ્યું, ‘હા મળીએ ફરી, યુનિવર્સિટી જઈએ, કોઈ જૂના મિત્ર મળી જાય તો ચા પર ચર્ચા કરીશું.’

આખરે શનિવારે સાંજે રાજકોટ જવાનું નક્કી કર્યું. એક કરતાં તો બે ભલા, એવું વિચારી મેં મિત્ર મયૂરને ફોન કર્યો. તે પણ નવરો જ હતો, તેણે પણ રાજકોટ જવાના આયોજનમાં હામી ભરી દીધી. એટલે બન્ને શનિવારે સાંજે અમદાવાદથી રાજકોટ જવા નીકળી પડ્યા.

કોરોનાને પગલે એસટી બસ ખાલી જ હતી. હું અને મયૂર અલગ-અલગ સીટ પર બિરાજમાન થયા. સાંજે 9 વાગ્યે રાજકોટ પહોંચ્યા તો સ્વાગત માટે અમારા જૂના સાથી જીતેન્દ્રભાઈ તૈયાર જ બેઠા હતા. જીતેન્દ્રભાઈ પણ કોરોનામાં ઘરે એકલા જ હોવાથી તેમના ઘરે જ રોકાવાનું નક્કી કર્યું. રાત્રે જીતેન્દ્રને ત્યાં અમારી ત્રિપુટીનો ડાયરો જામ્યો.

જીતેન્દ્રએ નવરાશથી બનાવેલી ખીચડી દહીં સાથે આરોગી. જમ્યા બાદ ફોન કરી અમારા જૂના સાથી જગદીશને પણ બોલાવી લીધો. સવારે યુનિવર્સિટી કેમ્પસમાં જવાનો પ્લાન હતો, પણ જગદીશે કહ્યું, કે ત્યાં તમે કોલેજકાળમાં જે કેન્ટીનમાં ચા-પાણી કરતા ત્યાં હવે કોરોનાના દર્દી ચાની ચુસ્કી લઈ રહ્યાં છે, તે વિસ્તારમાં કોવિડ સેન્ટરો બન્યા છે. ત્યાં જઈ જૂની યાદો તાજી નહીં થાય, પણ કોરોનાનું ગ્રહણ લાગી જશે.

હું અને મયૂર મૂંઝાઈ ગયા. આ તો ડેલીએ જઈ હાથ અડાવી આવવા જેવું થયું. પણ મેં કહ્યું, ‘કંઈ વાંધો નહીં આપણે સાથે ફરીએ એ જ મહત્વનું છે. સ્થળ નહીં તો ક્યાંક બીજે જવાનું આયોજન કરીએ.

જીતેન્દ્રએ કહ્યું ‘મને તો જસદણ બહુ ગમે, ત્યાં ક્યાંક ફરવાનું થાય એમ હોય તો કહો, સવારે જ ઉપડીએ.

મેં કહ્યું, ‘પ્લાન સારો છે. સવારે ઉપડીએ. ઘેલા સોમનાથ મજા આવશે. સરસ અને યાદગાર પ્રવાસ થઈ જશે. જગદીશને પણ કંઈ કામ ન હતું. અમારા ચારેયની ટીમે નક્કી કર્યુ કે જઈએ સવારે ઘેલા સોમનાથ. કોરોનાનાં કપરાકાળમાં મહાકાળના દર્શન કરીએ. પ્રકૃતિને માણીએ. જસદણ મારા માટે તો હોમ ગ્રાઉન્ડ જ હતું.

જીતેન્દ્રએ મારી હાજરીના વખાણ કરતાં કહ્યું ‘બાપુ સાથે હોય એટલે જસદણમાં મજા આવશે. આપણે કોઈ બીજી ચિંતા નથી.’ જગદીશનાં મતને માન આપી અમે બસમાં જવાના બદલે બાઇક પર ઘેલા સોમનાથ જવાનાં ઠરાવ પર મહોર મારી દીધી. રાજકોટથી 70 કીમી થાય એટલે આરામથી પહોંચી શકાય. બાઇક પર જવામાં કંઈ વાંધો નહોતો.

સવારે 3 વાગ્યે એલાર્મની ઘંટડીએ બધાને જગાડી દીધા. ચાર વાગ્યા સુધીમાં ઘેલા સોમનાથ જવા માટે તૈયાર થઈ ગયા. જગદીશની એક્ટિવા પર જીતેન્દ્ર… તો  હું અને મયૂર બાઇક પર. ચારેય મિત્રો ચાલી નીકળ્યાં પ્રકૃતિની સફરે… વચ્ચે એકાદ વાર વિશ્રામ કર્યા બાદ અમારી બાઇક સવારી ઘેલા સોમનાથ આવી પહોંચી.

મનમાં થયું કે હાશ આખરે સંઘ કાશીએ પહોંચ્યો ખરો. 70 કિમી જેટલું અંતર એ પણ બાઈક પર કાપીને અમે ચારેય ઘેલા સોમનાથ આવી પહોંચ્યા. સવારના 7 વાગ્યાનો સમય થયો હતો. મેં બાઇક રોકી અને જગદીશ કંઈ પણ પૂછ્યા વગર મને અનુસર્યો. બન્ને ઢાળ વચ્ચે ખળખળ વહેતી ઘેલો નદી. મેઘરાજાએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સામેના ઢોળાવ પર સ્થિત સોમનાથ દાદાનું મંદિર અને ટેકરી પર મીનળ દેવીનું મંદિર આંખો સામે ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું. જ્યાં પહોંચવા માટે મન વ્યાકુળ બન્યું હતું. અપાર પ્રાકૃતિક સૌંદર્ય, ચારેય બાજુ લહેરાતા ખેતરો વચ્ચે શોભાયમાન મંદિર, માનસિક તાણ દૂર કરવા માટેની એક ઉત્તમ જગ્યા હતી.

મયૂરે કહ્યું ‘હવે તો આવી ગયું ને…? તો કેમ અહીં રસ્તા પર જ ઉભા છીએ ?’

મે કહ્યું ‘હા હવે સામે જ તો છે મંદિર.’ મેં તેને હાશકારો આપ્યો.

સવારનું આહલાદક વાતાવરણ મન પ્રસન્ન કરવા માટે પૂરતું હતું. મંદિર પટાંગણમાં પ્રવેશતા જ એક આધ્યાત્મક અનુભૂતિ થાય. સવારની આરતી પૂર્ણ થઈ ગઈ હતી, જો કે અમે આરતીના સમયે પહોંચ્યા હોત, તો પણ કોરોનાના પ્રોટોકોલના કારણે આરતીમાં સામેલ ન થઈ શક્યા હોત. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે અને એકદમ મંદિરની સામેની ટેકરી પર મીનળદેવીનું મંદિર.

અમે ચારે મિત્રો મંદિરમાં પ્રવેશ્યા, શિવલીંગ ફૂલોના શૃંગારથી શોભાયમાન હતું. ગર્ભગૃહમાં ઉઠતી પવિત્ર ધુમ્રસેર હવામાં અવનવી ભાત અંકિત કરતી હતી. એક પવિત્ર અનુભૂતિ, ભગવાન મહાકાળ સમક્ષ માથું ઝૂંકાવીને થઈ.

એક યુગમાં ધાર્મિક ઉન્માદમાં થયેલા યુદ્ધના પુરાવા આજે પણ અહીં અંકિત હતા. શીવલીંગ પર તલવારના ઘા આજે પણ છે. કહેવાય છે કે મુસ્લિમ આક્રમણ સમયે શીવલીંગને બચાવીને અહીં લવાયું હતું. તે નિશાન એ સમયના છે.

ઘેલા સોમનાથ અંગેની પ્રચલિત માન્યતા મુજબ ગુજરાતના મુસ્લિમ શાસક મુઝફ્ફર શાહનો સમગ્ર પ્રાંતમાં કેર વર્તાતો હતો. જૂનાગઢનાં મીનળદેવીને મહાદેવ પર અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ હતો. સોમનાથના પુનઃ જીર્ણોદ્ધારની કીર્તિ સાંભળી તેણે સોમનાથ પર ચડાઈ કરી, શૂરવીરો અને આક્રમણકારો વચ્ચે ભીષણ જંગ ખેલાયો. આખરે શિવલીંગના રક્ષણ માટે શિવલીંગને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ લઈ જવાનો નિર્ણય લેવાયો.

પોઠિયા પર પાલખી મૂકીને એ રીતે શિવભક્તો ચાલી નીકળ્યા અને જસદણમાં ઉન્મત ગંગા નદીના કિનારે પોઠિયો બેસી ગયો અને ત્યાં જ ઘેલા સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા થઈ. અહીં આવી પહોંચેલા દુશ્મનો સામે શિવભક્તો લડ્યા. જેમા ઘેલા નામની શિવભક્તની ગાથા પ્રચલિત છે. જેણે ભગવાનની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું.

લડતા-લડતા તેમનું માથું ઉન્મત ગંગા નદીમાં પડ્યું હતું. ત્યારથી આ નદીનું નામ ઘેલો નદી પડ્યું. અને મંદિરનું નામ ઘેલા સોમનાથ. એવી જ રીતે મીનળ દેવીએ પોતાના આરાધ્ય દેવ શિવની નજર સામે ટેકરી પર સમાધી લીધી.

(ક્રમશ:)

(જો તમારી પાસે પણ હોય પ્રવાસ વર્ણનનો આવો જ લેખ તો મોકલી આપો અમને. અમારું મેઈલ વેબસાઈટ પરથી જ મળી જશે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments