Team Chabuk-Gujarat Desk: ૨૦% જેટલું જ કામ કરતું હ્રદય અને કોવિડ માયોકાર્ડાઈટીસ જેવા ગંભીર રોગોની સામે ટક્કર લઈ કિશનને સાજો થતો જોઈને જીવન સામે ઝઝુમવાની અને જીતવાની એક નવી જ હિંમત મળી આવે છે, તેમ કહેતા જ રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. ચેતન ભલગામીયાની આંખોમાં એક ચમક જોવા મળે છે.
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન મનાતું બાળક હસતું-રમતું હોય, કિકિયારી કરતું હોય ત્યારે બધાને ખૂબ વ્હાલું લાગતું હોય છે. પણ જ્યારે બાળક કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે સમગ્ર પરિવારનો જીવ ઉચ્ચક થઈ જતો હોય છે. આવી જ પરિસ્થિતિ કિશન ડાભીના પરિવારની હતી. થોડા દિવસો પહેલા કિશનને જુનાગઢ સિવિલ હોસ્પિટલથી રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે તેના આખા શરીરે સોજા હતા અને કિશનને ઓક્સિજન સાથે શિફ્ટ કરવામાં આવ્યો હતો. જુનાગઢમાં તેને ન્યુમોનિયાની ગંભીર અસર જોવા મળી હતી.
ટેસ્ટ કરવામાં આવતા કિશનનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં તેને રાજકોટ લાવવામાં આવ્યો, એ સમયે તેને પેટમાં અને છાતીમાં પાણી ભરાયું હતું, બરોળ અને લીવર પર સોજા હતા. તેનું ડી-ડાયમર ૮૫૪૫ જેટલું હતું તથા સી.આર.પી. એટલે કે લોહીમાં ઈન્ફેક્શનનું પ્રમાણ ૧૯૭ જેટલું હતું. તેમજ સૌથી મોટી સમસ્યા એ હતી કે દર્દીને કોવિડ માયોકાર્ડાઈટીસની અસર વર્તાતી હતી જેમાં દર્દીના હદયના સ્નાયુ ઉપર ગંભીર પ્રમાણમાં સોજા ચડી ગયા હતા. જેને કારણે તેનું હદય માત્ર ૨૦ ટકા જેટલું જ કાર્ય કરતું હતું, તેમ ડો. ચેતને જણાવ્યું હતું.
સિવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદી તથા પીડિયાટ્રિક ડીપાર્ટમેન્ટના હેડ ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ કિશનની સારવાર શરૂ કરવામાં આવી. કોરોનાની ગાઈડલાઈન મુજબ તેને સારવાર આપવામાં આવી, તેમજ દર ૩ દિવસે એક વાર તેનો (ECHO) ઈકો કાર્ડીયોગ્રામ રીપોર્ટ કરી હદયની સારવાર માટે જરૂરી દવા તથા ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવી. ધીરે ધીરે તેની તબિયતમાં સુધારો થયો. કિશનને સ્વસ્થ થતા ૧૭ દિવસ લાગ્યા, તેમાં સૌથી મોટુ યોગદાન અમારી સમગ્ર ટીમનું રહ્યું છે. અમારા ડોક્ટરો, બ્રધર્સ-સિસ્ટર્સ બધાના સહયોગથી જુજ જોવા મળતા કેસોની સારવાર પણ ખુબ જ સરસ રીતે કરવામાં આવે છે જેથી દર્દીના પરિવારજનો પણ નિશ્ર્ચિંત રહી શકે છે, તેમ ડો. ચેતને ઉમેર્યું હતું.
કિશન ડાભીની સારવાર અંગે તેના પિતા મહેશભાઈ જણાવે છે કે, ખાનગી હોસ્પિટલમાં પણ સિવીલ હોસ્પિટલ જેવી સારી સારવાર નથી મળતી. બધી જ સારવાર અને સુવિધા સમયસર મળતી હતી. ડોક્ટરો, બ્રધર્સ-સિસ્ટર્સનો સ્ટાફ પણ ખુબ જ માયાળુ છે, ખુબ જ ધ્યાન રાખ્યું છે મારા છોકરાનું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના આઈ.સી.યુ.માં જાન્યુઆરી–૨૦૨૧ થી લઈને ફેબ્રુઆરી–૨૦૨૨ સુધીમાં અંદાજીત ૪૬૬૨ જેટલા બાળકો સારવાર મેળવી સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જેમાં જાન્યુઆરી માસમાં ૩૩૩, ફેબ્રુઆરી માસમાં ૨૮૪, માર્ચ માસમાં ૩૨૯, એપ્રિલ માસમાં ૨૦૦, મે માસમાં ૨૬૩, જુન માસમાં ૩૦૭, જુલાઈ માસમાં ૩૮૦, ઓગસ્ટ માસમાં ૪૫૬, સપ્ટેમ્બર માસમાં ૪૯૮, ઓક્ટોબર માસમાં ૪૯૩, નવેમ્બર માસમાં ૩૫૯, ડિસેમ્બર માસમાં ૪૦૧, જાન્યુઆરી-૨૦૨૨ માસમાં ૩૧૯ અને ફેબ્રુઆરી-૨૦૨૨ માસમાં ૨૬૬ જેટલા બાળકોને સારવાર આપવામાં આવી હતી.
હોસ્પિટલના પીડિયાટ્રિક ઈમર્જન્સી વિભાગના આઈ.સી.યુ.માં જાન્યુઆરી–૨૦૨૧ થી ફેબ્રુઆરી–૨૦૨૨ સુધીમાં અંદાજીત ૨૮૦૩ જેટલા બાળકોએ સારવાર લીધી હતી. જેમાં જાન્યુઆરી માસમાં ૧૯૮, ફેબ્રુઆરી માસમાં ૧૬૦, માર્ચ માસમાં ૧૯૪, એપ્રિલ માસમાં ૧૪૯, મે માસમાં ૧૫૪, જુન માસમાં ૧૬૫, જુલાઈ માસમાં ૧૮૦, ઓગસ્ટ માસમાં ૨૮૫, સપ્ટેમ્બર માસમાં ૩૨૪, ઓક્ટોબર માસમાં ૩૧૭, નવેમ્બર માસમાં ૨૦૮, ડિસેમ્બર માસમાં ૧૭૫, જાન્યુઆરી-૨૦૨૨ માસમાં ૧૮૩ અને ફેબ્રુઆરી-૨૦૨૨ માસમાં ૧૧૧ જેટલા બાળકોને સારવાર આપવામાં આવી હતી. આમ જોઈએ તો, એક વર્ષની અંદર રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના દેવદુતોએ તેમની સારવાર થકી અનેક પરિવારના બાળકોને નવજીવન આપીને અનેક ગણી ખુશીઓ પ્રદાન કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
