Team Chabuk-Political Desk: પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની શાખ દાવ પર હતી અને એ ‘શાખ’ તૂટી ગઈ. મુખ્યમંત્રી ચમકૌર સાહિબ અને ભદૌડ બંને બેઠક પર ઊભા હતા અને બંને બેઠક પરથી ઉંધેકાંધ પછાડાયા. ભદૌડમાં ચન્નીને જેણે પરાજય આપ્યો એ ખરાં અર્થમાં આમ આદમી છે. આમ આદમી પાર્ટીએ અહીં લાભસિંહ ઉગોકેને ઉમેદવાર બનાવ્યો હતો. લાભસિંહે પ્લમ્બરનો કોર્સ કર્યો છે. મોબાઈલ રિપેરિંગની દુકાન છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. લાભસિંહે ચન્નીને 37500 મતથી હરાવી ઈતિહાસ રચી દીધો.
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની પાસે સાત કરોડ સત્તાણું લાખ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ હતી. સીએમ ચન્નીની પત્ની કમલજીત કૌર પણ ચાર કરોડ અઢાર લાખ અને પીસ્તાલીસ હજાર રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ ધરાવે છે. ચન્ની અને તેની પત્નીની પાસે ફોર્ચ્યુનર ગાડીઓનો ઢગલો છે. ચાર કરોડ રૂપિયાથી વધારેની આવાસની જગ્યા છે. પત્નીની પાસે બે કરોડ સત્તાવીશ લાખ અને પંચ્યાશી હજાર રૂપિયાની આવાસ જગ્યા છે. સીએમને હરાવનારા ઉમેદવારની પાસે માત્ર 75 હજાર નકદ, મૉડલની જૂની બાઈક અને બે રૂમનું ખોરડું છે.
લાભસિંહ ઉગોકેએ કહ્યું હતું કે મને પાછળ હટવા માટે પાંચ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. જેનો ઓડિયો મારી પાસે છે. લાભસિંહ ઉગોકેએ કહ્યું કે એ સિસ્ટમ બદલવાની લડાઈ લડી રહ્યો છે. કોઈ પણ કિંમતમાં મારું જમીર વેચી ન શકું. લાભસિંહે ચન્નીને પરાજય આપી 1952નો ઈતિહાસ રિપીટ કર્યો છે.
ભદૌડના આ ઈતિહાસ વિશે લાભસિંહે પોતે જણાવ્યું હતું કે, 1952માં તવંગર વ્યક્તિ અર્જન સિંહની લડાઈ એક રાજાની સાથે હતી. અર્જન સિંહ બળદ ગાડામાં પ્રચાર કરતો હતો. રાજાની પાસે તમામ સંશાધન હતા અને તેણે ચૂંટણીમાં એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પણ ભદૌડના લોકોએ અર્જનસિંહને જીત અપાવી હતી અને રાજાના અભિમાનને પગ તળે કચડી નાખ્યું હતું. આ વખતે પણ ભદૌડમાં આ જ થયું છે. અને હું ભદૌડનો દિલ્હીની માફક વિકાસ કરીશ.
લાભસિંહ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. બે ઓરડાના ખોરડામાં રહેતા લાભસિંહની માતા સરકારી શાળામાં વર્ગ ચારની કર્મચારી છે. તેના પિતાએ મજૂરી કામ કરી પરિવારને આગળ વધાર્યું છે. તેની પત્ની ગૃહિણી છે. બે બાળકોની માતા છે. લાભસિંહ આજકાલથી નહીં પણ દસ વર્ષથી આમ આદમી પાર્ટી સાથે છે. ભગવંત માનના નજીકના માનવામાં આવે છે. મુખ્યમંત્રીને ઘનઘોર પરાજય આપનારા લાભસિંહને મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા