Homeગુર્જર નગરીદારૂ પી ગુજરાતમાં ઘુસનારાઓ માટે પોલીસે ‘રમર-ભમર’ તૈયારીઓ કરી છે

દારૂ પી ગુજરાતમાં ઘુસનારાઓ માટે પોલીસે ‘રમર-ભમર’ તૈયારીઓ કરી છે

વલસાડ : 31મી ડિસેમ્બરને ધામધૂમથી ઉજવવાની ગુજરાતીઓની તૈયારી કોરોનાએ ફિક્કી પાડી દીધી છે. જોકે આ વર્ષે દિવાળી અને બેસતું વર્ષ પણ ગરમ કરતાં નરમ રહીને ઉજવવા પડ્યા હતા અને કોરોના મહામારીના કારણે બીજા તહેવારોની ઉજવણી તો હવામાં ઓગળી ગઈ હતી ત્યારે આવનારા સમયમાં 31મી ડિસેમ્બરની ઉજવણી તાડામાર થાય એ પહેલા જ પોલીસ તંત્ર સાબદુ થઈ ગયું છે.

નવા વર્ષની ઉજવણી પતાવી જે લોકો દમણ-સેલવાસ-મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસ્યા એ લોકોના નવા વર્ષનો નવો દિવસ જેલમાં પસાર થશે. હળવાશમાં ભૂલથી પણ લેતા નહીં કારણે તમામ 18 ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક સુરક્ષા પહેરો કરવામાં આવી રહ્યો છે. 18 ચેકપોસ્ટ પર ડિવાયએસપી અને સી.પી.આઈ કક્ષાના અધિકારીઓ હાજર રહશે અને ચાંપતી નજર રાખશે.

મોટી સંખ્યામાં પીધેલા પકડાય તો તેમના માટે અગાઉથી જ આયોજન કરી લેવામાં આવ્યું છે. જેમાં પીધેલાઓ માટે લોકઅપ સિવાય સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પોલીસે લગ્નના હોલ પણ ભાડે રાખી લીધા છે. આ હોલમાં પીધેલાઓ આરામથી સામાજીક અંતર જાળવી રહી શકશે.

આવું કરવા પાછળનું કારણ પણ ગત્ત વર્ષના આંકડાઓમાં છુપાયેલું છે. કારણ કંઈક એવું છે કે ગત વર્ષે જ 805 જેટલા પીધેલાઓ ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે એક રેકોર્ડ હતો. આ વખતે આ કિર્તીમાન ન તૂટે તેવી પણ પોલીસને જનતા પાસેથી આશા છે.

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે એટલે મહારાષ્ટ્ર બોર્ડરમાં પીવા જનારાઓની સંખ્યા વધી જતી હોય છે. દારૂ પીને ધુમ સ્ટાઈલમાં ગાડી ચલાવે છે અને સામેથી આવનારી ગાડીઓ સાથે ભીષણ અકસ્માતના બનાવો પણ બને છે. નવા વર્ષનો સૂર્યાસ્ત જોતા પહેલા જ કેટલાક લોકો બીજાની બેદરકારીના કારણે પરિવારવિહોણા થઈ જાય છે. આ તમામ ભૂતકાળને તપાસ્યા પછી જ પોલીસ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિશે ડી.એસ.પી રાજદીપ સિંહ ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાથે ચર્ચા કરીને આ વખતે તમામ ચેકપોસ્ટ પર પીધેલા લોકોની તપાસ કરવામાં આવશે. સાથે જ એન્ટિજન ટેસ્ટ કરવા માટે આરોગ્યની ટીમ પણ ખડેપગે હાજર રહેશે.

લોકઅપ અને લગ્નના હોલ ઓછા પડશે તો પીધેલાઓ માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કારણે આ વખતે ચેકપોસ્ટો પર મોં સુઘવાની દેશી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી નથી. કારણ કે તેનાથી તો પોલીસ પણ મુસીબતમાં મુકાય શકે તેમ છે. અને સંક્રમણ ફેલાય શકે છે. આ માટે ખાસ બ્રીધ એનાલાઈઝરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કુલ 100થી વધારે બ્રીધ એનાલાઈઝર પોલીસને ફાળવી દેવાયા છે.

માત્ર ચેકપોસ્ટ પર જ પોલીસ ઊભી રહી પીધેલાઓને પકડશે નહીં પણ જિલ્લાની અંદર આવેલી ખાનગી હોટલ, ફાર્મહાઉસ, સોસાયટીમાં યોજાતી પાર્ટીઓ. આ બધી જગ્યાએ પણ પોલીસની ટુકડીઓ ફાળવી દેવામાં આવી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ પોલીસનું રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે દરેક વર્ષને ખુશી ખુશી વિદાય આપવા માટે પાર્ટીઓ થતી હોય છે, પણ 2020એ ઘણી વસમી યાદો આપી છે, જે કોઈ દિવસ ભૂલાશે નહીં. આખું વર્ષ તહેવાર ન ઉજવનારાઓ પણ બોર્ડર ક્રોસ કરી પાર્ટી કરવા જવાના હોવાના ભણકારા અત્યારથી વાગી રહ્યા છે. ત્યારે રમર-ભમર થઈને આવનારા યુવાનો પર લગામ લાદવા પોલીસે અત્યારથી હોમવર્ક કરી લીધું છે. ધ્યાન રાખજો 2020ને ભૂલાવવા જાઓ અને 2021ની પહેલી તારીખ કાયમી યાદ ન રહી જાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments