Homeગુર્જર નગરીવધુ 7 સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત

વધુ 7 સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલ 5 મેના રોજ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મર્યાદા પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વધુ 7 શહેરો સહિત કૂલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક  આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.

મુખ્યમંત્રીએ ખાનગી ઓફિસોમાં પ૦ ટકાથી વધુ કર્મચારીઓની હાજરી ન હોય તે સુનિશ્ચિત કરવા તેમજ આવી ઓફિસોમાં ફરજિયાત માસ્ક અને  સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે જોવા માટે રાજ્યના જી.એસ.ટી. વિભાગને આવી ખાનગી ઓફિસોનું ચેકીંગ કરવાની સૂચના આપી છે. આ નિયમોના ભંગ કે પાલન ન કરનારા ખાનગી એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રીએ આપી છે.

આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે.

આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes  બંધ રહેશે.

સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત  ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

ગુજરાતમાં તમામ નાગરિકોને ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવા પણ મુખ્યમંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે.

રાજ્ય સરકારે પહેલાં જે 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી તે 29 ઉપરાંત 7 નવા મળીને કૂલ 36 શહેરોમાં હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ પડશે. રાજ્યના આ 36 શહેરોમાં 6 મેથી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. એટલે કે રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનું પાલન કરવું પડશે. 6 મેથી 12 મે સુધી જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે તેના નામ નીચે મુજબ છે.

અમદાવાદગોધરાવિરમગામ
વડોદરાદાહોદછોટા-ઉદેપુર
સુરતસુરેન્દ્રનગરવેરાવળ-સોમનાથ
રાજકોટગાંધીધામનડીયાદ
ગાંધીનગરભરૂચઆણંદ
જૂનાગઢપાલનપુરડીસા
ભાવનગરહિંમતનગરકડી
જામનગરવલસાડઅંકલેશ્વર
મહેસાણાનવસારીવિસનગર
મોરબીઅમરેલીવાપી
પાટણપોરબંદરરાધનપુર
ભુજબોટાદમોડાસા

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવો, ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, એમ.કે.દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ સહિતના સચિવો હાજર રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

Most Popular

Recent Comments