Team Chabuk-Gujarat Desk: મનુષ્ય બાદ હવે આ કોરોના પશુ-પ્રાણીઓમાં પણ પ્રસરી રહ્યો હોવાના કિસ્સા સામે આવતા ચિંતા વધી છે. અત્યાર સુધી કોરોના વાઇરસ મનુષ્યમાં જ ફેલાતો હતો જો કે હવે આ વાઇરસ પ્રાણીઓ સુધી પહોંચી ગયો છે. ભારતમાં સિંહ કોરોના સંક્રમિત થયા હોવાનો પ્રથમ કિસ્સો સામે આવતા જ ગુજરાતનું વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને એશિયાટિક સિંહોને બચાવવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે.
ડોક્ટર કરશે તપાસ
ગુજરાત અને ભારતની શાન ગણાતા એશિયાટિક સિંહોને કોરોના વાઇરસથી બચાવવા માટે ગુજરાતનું વન વિભાગે પ્રયાસો હાથ ધરી દીધા છે. જૂનાગઢમાં વધતા સંક્રમણને કારણે વન વિભાગે સિંહોને બચાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાં ભરવાના શરૂ કરી દેવાયા છે. સિંહના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ કરવા પણ આદેશ આપી દેવાયો છે અને જે સિંહને શરદી, લાળ પડતી હોય કે ઉંઘતા હોય તો તેની તપાસ કરવામાં આવી રહી છે. આવા લક્ષણો જો કોઈ સિંહમાં દેખાય તો વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. હાલ જંગલમાં અને પ્રાણી સંગ્રહાલયોમાં આ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે.
સિંહોને બચાવવા એક્શન પ્લાન
ગુજરાત વન વિભાગે એશિયાટિક સિંહોને કોરોનાથી બચાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં સિંહોને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રાણી સંગ્રહાલય અને અભ્યારણ્યમાં સિંહનું બે પ્રકારે ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. પ્રાણી સંગ્રહાલયમાં સિંહ માટે અલગ પ્રકારની કાળજી લેવામાં આવશે. કર્મચારીઓ સિંહના સીધા સંપર્કમાં ન આવે તે રીતે કામગીરી કરવામાં આવશે. જે કર્મચારીઓ સિંહના સંપર્કમાં આવતા હોય તેઓને પણ પીપીઈ કીટ અને ગ્લોવ્ઝ પહેરીને કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ગીર અભ્યારણ્યમાં રહેલા 674 સિંહની વર્તણૂકને આધારે મોનિટરિંગ કરવામાં આવશે. અભ્યારણ્યમાં કામ કરતાં એક હજારથી વધારે કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
હૈદરાબાદ ઝુમાં સિંહને કોરોના
ભારતમાં એક તરફ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. હૈદરાબાદ નહેરુ ઝુઓલોજીકલ પાર્કમાં 12 એશિયાઈ સિંહોમાંથી 4 સિંહ અને 4 સિંહણમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું છે. આ સિંહોમાં સુકી ઉધરસ, વહેતું નાક અને ખાવા પ્રત્યેની અરુચિ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તપાસ કરાતાં આ 8 સિંહો કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સિંહોના સેમ્પલની જીનોમ સીક્વસીંગ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ખબર પડશે કે સિંહોમાં આ સંક્રમણ માણસો દ્વારા ફેલાયું છે કે પછી કોઈ અન્ય પ્રકારે. હૈદરાબાદમાં 8 સિંહમાં કોરોનાની પુષ્ટિ થતાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશભરમાં નેશનલ પાર્ક અને વન્યજીવ અભ્યારણ્યોને બંધ કરી દેવા આદેશ અપાયો છે.
માણસોમાં ફેલાતો કોરોના વાઇરસ હવે પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યો છે. જેના કારણે સરકાર પણ ચિંતામાં છે. આ પહેલા અમેરિકામાં 8 વાઘ અને હોંગકોંગમાં બિલાડી અને શ્વાનમાં કોરોના સંક્રમણ ફેલાયું હોવાનું સામે આવ્યું હતું. હવે ભારતમાં સિંહમાં પ્રથમ વખત કોરોના સંક્રમણ ફેલાયું હોવાનું સામે આવતા વન વિભાગ અને સરકાર હરકતમાં આવ્યા છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં એશિયાટિક સિંહો છે ત્યારે ગુજરાતમાં પણ અગાઉથી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત