Team Chabuk-Gujarat Desk: વિધિ-વિધાનના નામે છેતરપિંડીના બનાવો અનેક વખત બનતાં રહે છે. ત્યારે આવો વધુ એક બનાવ અમરેલીના બગસરામાં બન્યો છે. જ્યાં એક પ્રૌઢે બે શખ્સો વિરુદ્ધ 40.75 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનું કહેવું છે કે આરોપીઓએ તેમને વિધિ-વિધાનના નામે છેતરીને આ રૂપિયા પડાવ્યા છે.
મળતી માહિતી મુજબ અમરેલીના બગસરાના ગોકુળપરા સરકારી હોસ્પિટલ પાસે રહેતા 68 વર્ષીય કાનજીભાઈ હરીભાઈ દોંગાએ બગસરા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં ધારીના સારસીયા રોડ પર પાણીના ટાંકા પાસે રહેતાં હારુનશાહ કમાલશાહ પઠાણ ઉર્ફે ડોક્ટર તેમજ ખાંભાના રાયડી ગામના ઇમ્તિયાઝનું નામ આપ્યું છે.
કાનજીભાઈનો આરોપ છે કે બન્ને આરોપીએ તેમને કહ્યું હતું કે તમારા ખેતરમાં માયા દાટેલી છે અને તેને કાઢવા માટે વિધિ કરવાના બહાને રૂપિયા 40.75 લાખ રૂપિયા પડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. કાનજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પત્નીને ગોઠણની બીમારી હોવાથી હારુનશાહ પઠાણ પાસેથી દેશી દવા લેતા હતા. અવાર નવાર હારુનશાહ પાસે દવા લેવા માટે જવાનું થતું હતું. આ દરમિયાન ડોક્ટર હારુનશાહે અમને જણાવ્યું હતું કે, હું જમીનમાં પાણી જોવાનું કામ કરું છું, જો એવું કઈ હોય તો કહેજો.
ડોક્ટરની પાણી જોવાની વાતને માનીને ફરિયાદી કાનજીભાઈએ ડોક્ટ હારુનશાહને વર્ષ 2018માં ખેતરે લઈ ગયા હતા. તે વખતે ખેતરમાંથી રૂપિયાના સિક્કા મળ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું કે ખેતરમાંથી સિક્કા મળ્યા બાદ હારુનશાહે મને કહ્યું હતું કે, તમારા ખેતરમાં તો બે મણ જેટલું સોનું (માયા) દાટેલી છે. આ કાઢવી હોય તો મારો એક મિત્ર છે જે વિધિ કરીને આ સોનું કાઢી આપશે. જેથી ડોક્ટર હારુનશાહે મારી ઓળખાણ તેના મિત્ર રાયડી ગામના ઇમ્તિયાઝ સાથે કરાવી હતી. ત્યારબાદ સોનું કાઢવું હોય તો વિધિ કરવી પડશે તેવુ જણાવી હારુનશાહ અને ઇમ્તિયાઝ મારા ખેતરે આવ્યા હતા.
ખેતરે બન્નેએ એક ખાડો કરીને તેમાં ગાગર મૂકી હતી અને અંદર જૂના ધાતુના રાણી છાપ સિક્કા નાખી ઉપર પાણી નાખતા ધુમાડો થયો હતો. આવું થતાં બન્નેએ કહ્યું હતું કે, માયા આસુરી લાગે છે, જેને શુદ્ધ કરવા માટે વિધિ કરવી પડશે. આ વિધિ કરવાના બહાને મારી પાસેથી રોકડ તેમજ આંગડીયા મારફતે કૂલ 40.75 લાખ રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. મારા ખેતરમાંથી કોઈ સોનું નીકળ્યું નથી. આમ પ્રૌઢે બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે બન્ને શખ્સો વિરુદ્ધ આઈપીસી 406 અને 420 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત