Homeગુર્જર નગરીઅમદાવાદઃ 6 હજારની છેતરપિંડીની તપાસમાં સાયબર ક્રાઈમને 50 કરોડનું કૌભાંડ હાથ લાગ્યું

અમદાવાદઃ 6 હજારની છેતરપિંડીની તપાસમાં સાયબર ક્રાઈમને 50 કરોડનું કૌભાંડ હાથ લાગ્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સાયબર ક્રાઈમને બગાસુ ખાતા પતાસુ મળી ગયું હોય તેવી ઘટના સામે આવી છે. માત્ર 6 હજારની છેતરપિંડીની અરજી અંગે થઈ રહેલી તપાસમાં સાયબર ક્રાઈમે ઓનલાઈન એપ્લિકેશન મારફતે થતા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 6 હજારની છેતરપિંડીની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને 50 કરોડનું કૌભાંડ હાથ લાગ્યું છે. ચાઈનીઝ એપ્લિકેશન થકી અલગ અલગ મોડસ ઓપરેન્ડીના આધારે લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગે અત્યાર સુધીમાં આ એપ્લિકેશન મારફતે 28 હજાર લોકોને ખંખેરી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે પકડેલી આ ગેંગ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચાઈનીઝ એપ્લિકેશનમાં રોકાણ કરાવીને રૂપિયા પડાવતી હોવાનો આરોપ છે. આવા જ એક છેતરાયેલા રોકાણકારે 6 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની અરજી કરી હતી. પરંતુ જ્યારે પોલીસે આ અરજી બાદ તપાસ કરતાં પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. કેમ કે આ 6 હજાર રૂપિયાનું નહીં પરંતુ 50 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ હતું. આ ગેંગે અત્યાર સુધી જે લોકોને છેતર્યા છે તેનો આંકડો 50 કરોડે પહોંચે છે.

આ રીતે કરતાં છેતરપિંડી

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણા આ ગેંગના શખ્સો સૌથી પહેલાં યુટ્યૂબ, ટેલિગ્રામ ચેનલ અને લોકોના મોબાઈલમાં એસએમએસ કરીને લિંક મોકલતા હતા. આ લિંક જે લોકો ઓપન કરે એટલે એક એપ્લિકેશન ખુલતી હતી. આ એપ્લિકેશનમાં અલગ અલગ સ્કિમ હેઠળ રોકાણ કરવાની અને તગડું બોનસ આપવાની લાલચ લોકોને આપવામાં આવતી. કોઈ ગ્રાહક રોકાણ કરે તો એપ્લિકેશન વેબસાઈટના વોલેટમાં બેલેન્સ બતાવતા. પરંતુ આ રૂપિયા પાડવાના કોઈ પ્રયત્ન કરે તો તેને ટેક્નિકલ એરર આવી જતી હતી. જો કોઈ ગ્રાહક વારંવાર રૂપિયા ઉપાડવાના પ્રયત્નો કરે તો તેની એપ્લિકેશન બંધ કરી દેવામાં આવતી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમને આ રીતે 6 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મળી હતી. જેની તપાસ કરતાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સાયબર ક્રાઈમે આ ગુનામાં સાત આરોપી યાસિન કુરેશી, દિલીપ ગોજીયા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, રાહુલ વાઢેર, જયેશ ગાગિયા, તુષાર ઘેટિયાની અગાઉ ધરપકડ કરી હતી જ્યારે તપાસ દરમિયાન મહારા,ટ્રના જીતેન શાહનું નામ સામે આવ્યું હતું. જીતેન શાહની કંપનીના બેંક ખાતામાં ત્રણ મહિનામાં ત્રીસ કરોડ રૂપિયા જમા થયા હતા. જેના બદલામાં અમુક ટકા કમિશન આપવામાં આવતું હતું. અન્ય આરોપીના બેંક ખાતામાં 20 કરોડ રૂપિયા જમા થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સમગ્ર નેટવર્ક મૂળ ભારતીય વ્યક્તિ ચીનમાં બેઠો બેઠો ચલાવતો હતો અને સોશિયલ મીડિયા મારફતે લોકોના સંપર્કમાં રહેતો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મોટા ભાગના રૂપિયા બિટકોઈનમાં રોકાણ કરાવવામાં આવતા હતા. જો કે આ અગાઉ પણ એપ્લિકેશન થકી થતી છેતરપિંડીમાં લોકોએ 500 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેથી આવી એપ્લિકેશનથી લોકોએ દૂર રહેવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments