Homeગુર્જર નગરીસાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું, આખા ગુજરાતમાં દારૂ વેચાય છે, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ...

સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું, આખા ગુજરાતમાં દારૂ વેચાય છે, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ એક્શન મોડમાં

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ સૌ જાણે છે. હવે આ વાતનો સ્વીકાર સત્તાધારી પક્ષ ભાજપના સાંસદ પણ કરી રહ્યા છે. પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીની (Bharatsinh dabhi) એક કથિત ઓડિયો ક્લિપ (Audio Clip) વાઇરલ થઈ છે. જેમાં ભરતસિંહ ડાભી મોતીભા નામના કોઈ અરજદાર સાથે વાતચીત કરી રહ્યા છે. અરજદાર મોતીભા ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીને પાટણમાં ખુલ્લેઆમ દારૂ (Selling Alcohol) વેચાતો હોવાની રાવ કરી રહ્યા છે. જેના જવાબમાં ભરતસિંહ ડાભી કહી રહ્યા છે કે, આખા ગુજરાતમાં દારૂ વેચાય છે.

અરજદાર મોતીભાને ભરતસિંહ ડાભી કહી રહ્યા છે કે, બે વર્ષ પછી ગુજરાતમાં છાંટોય નહીં મળે. હાલ આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઓડિયો ક્લિપ વાઇરલ થતાં જ એક્શન મોડમાં આવી ગયા છે. આ મામલે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે અને પ્રદિપસિંહે દારૂબંદીને લઈને પાટણ પોલીસને કડક સૂચના આપીને સખ્તાઈથી કાર્યવાહી કરવા કહ્યું છે.

સાંસદ ભરતસિંહ ડાભી અને અરજદાર મોતીભા વચ્ચે થયેલી વાતચીતની કથિત ઓડિયો ક્લિપ

અરજદાર- નમસ્કાર સાહેબ.

ભરતસિંહ ડાભી- હા, મોતીભા બોલો.

અરજદાર- શાંતિ સાહેબ.

ભરતસિંહ ડાભી- હા શાંતિ, બોલો… બોલો.

અરજદાર- પાટણ જિલ્લાની ફરિયાદ આપવી છે.

ભરતસિંહ ડાભી- કેવી?

અરજદાર- પાટણની અંદર ખુલ્લેઆમ દારૂ એટલું…

ભરતસિંહ ડાભી – આખા ગુજરાતમાં વેચાય છે મોતીભા બોલો.

અરજદાર- પણ સાહેબ આપણા.

ભરતસિંહ ડાભી- બોલો…બોલો…પછી.

અરજદાર- પાટણ જિલ્લામાં ખુલ્લેઆમ એટલે કોઈ હદપાર વિના.

ભરતસિંહ ડાભી- શું?

અરજદાર- દૂધની થેલી વેચાય એમ વેચાય છે. ખુલ્લા રોડ પર વેચે છે બુટલેગરો.

ભરતસિંહ ડાભી- બરાબર.

અરજદાર- એટલે થોડો ઉપાય…કંઈક કરાવોને થોડું.

ભરતસિંહ ડાભી- બરાબર.

અરજદાર- હવે હપ્તો એટલો લે છેને…અમે રજૂઆત કરવા જઈએ તો શું કે છે ખબર છે સાહેબ?

ભરતસિંહ ડાભી- હા.

અરજદાર- કે અમારા સંસદ સભ્ય હપ્તો લેતા હોય છે. તમારે ડે.સીએમ જોડે જાઉ હોય તોય જાઓ..જ્યાં જાઉ હોય ત્યાં જાઓ…

ભરતસિંહ ડાભી- મોતીભા સાંભળી લો.

અરજદાર- હા.

ભરતસિંહ ડાભી- સંસદ સભ્ય તો જીવનમાં આંઠાના નથી લેતો.

અરજદાર- ખોટા બદનામ કરે છે.

ભરતસિંહ ડાભી- સાંભળો તમે.

અરજદાર- હા.

ભરતસિંહ ડાભી- પૈસા લેતો નથી સંસદ સભ્ય કદી.

અરજદાર- આ બદનામ કરે છે તમને લોકોને.

ભરતસિંહ ડાભી- તમારે બોલતા હોય ત્યારે ફોન કરી કેવાનું હોય.

અરજદાર- આ બદનામ કરે છે સાહેબ.

ભરતસિંહ ડાભી- રાજકારણીને તો જાહેર જીવનમાં બધા બદનામ કરે.

અરજદાર- આવી રીતે તમારું નામ આપે એટલે ખોટું પડે ને.

ભરતસિંહ ડાભી- પહેલા સમજી લો.

અરજદાર- હા સાહેબ.

ભરતસિંહ ડાભી- ભરતસિંહ ક્યારેય કોઈનો પૈસા લેતા નથી.

અરજદાર- એ તો સાહેબ મને પણ ખબર છે.

ભરતસિંહ ડાભી- હા…તો પછી.

અરજદાર- મને પૂરો વિશ્વાસ છે સાહેબ તમારા પર.

ભરતસિંહ ડાભી- એ તો બધે બધુ ચાલે છે બાપુ.

અરજદાર- આ તો સાહેબ આટલું કામ કરો તો મારી નમ્ર વિનંતી.

ભરતસિંહ ડાભી- હવે મારે તમને ક્યાં બધુ કહેવુ મોતીભા.

અરજદાર- શું?

ભરતસિંહ ડાભી- બધુ ક્યાં તમને કહેવું, બે વર્ષ રાહ જોઈ લો…પછી છાંટોએ મળશે નહીં.

અરજદાર- એવું થશે એમ.

ભરતસિંહ ડાભી- છાંટોએ નહીં મળે. તમે દવા લેવા શોધશોને તોય નહીં મળે અને પાટણમાં નહીં આખા રાજ્યમાં નહીં મળે.

અરજદાર- હા…આ તો વિચાર્યું કે રજૂઆત કરવા દો સાહેબને.

ભરતસિંહ ડાભી- ક્યાં શું ચાલે છે ને એ બધી અમને ખબર છે.

અરજદાર- હા…તો સાહેબ આ પોલીસ પર કોઈ એક્શન ન લઈ શકાય સાહેબ.

ભરતસિંહ ડાભી- એક્શન લેવા વાળા જ ફૂટી જાય તો કોણ એક્શન લે?

અરજદાર- આવું છે સાહેબ એમ.

ભરતસિંહ ડાભી- હા. હજુ ઘણું બધું છે આવો એક દિવસ રૂબરૂ…શાંતિથી મળો.

ગુજરાતમાં દારૂબંધી હોવાની સરકાર ઢોલ વગાડી વગાડીને જાહેરાતો કરી રહી છે પરંતુ સરકારની દારૂબંધીની પોલ ખુદ તેમના જ સાંસદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સાંસદ ભરતસિંહ ડાભીની આ કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થતાં રાજ્યમાં દારૂબંધીની પોલ ખુલી ગઈ છે. ખુદ સાંસદ જ સ્વીકારી રહ્યા છે કે આખા રાજ્યમાં દારૂ વેચાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments