Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મહિલાઓની ડીલીવરીમાં અવ્વલ છે. મહિલાઓની સફળ ડીલીવરીને કારણે સિવિલમાં સરેરાશ દર એક કલાકે એક મહિલાની ડીલીવરી કરવામાં આવે છે અને દર મહિને અંદાજે ૫૦૦ જેટલી મહિલાઓની ડીલીવરી કરાઈ રહી છે. જેમાં ૬૦ ટકા જેટલી નોર્મલ ડીલીવરી કરાવવામાં આવે છે. છેલ્લા ૪ મહિનામાં ૧૯૦૫ મહિલાઓની સફળ ડીલીવરી કરવામાં આવી હોવાનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડો.પ્રિયંકા જોગીયાએ જણાવ્યું હતું.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના હેડ ડો.પ્રિયંકા જોગીયાની દેખરેખ હેઠળ મહિલાઓની સફળ ડીલીવરી કરવામાં આવી રહી છે. ગાયનેકના વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ક્રિષ્ના મહેતા કહે છે કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મહિલાઓની પ્રસુતિ કરાવવાની કામગીરીમાં આગળ છે. અહીંયા જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લાના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.
સિવિલમાં આવતી સગર્ભા મહિલાઓની નોર્મલ ડીલીવરી થાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે. અહિંયા દર મહિને સરેરાશ ૫૦૦ જેટલી મહિલાઓની પ્રસુતિ કરાવાય છે. જેમાં છેલ્લા ૪ મહિનામાં ૧૯૦૫ મહિલાઓની સફળ ડીલીવરી કરાવવામાં આવી છે. જેમાં ૧૧૬૦ મહિલાઓની નોર્મલ ડીલીવરી કરાઈ છે. જ્યારે ૭૪૫ મહિલાઓની સિઝેરીયન દ્વારા ડીલીવરી કરાવવામાં આવી છે. સાથો સાથ સિવિલમાં સરકારની જનની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત તમામ સારવાર સેવા સાથે ખીલખીલાટ વાન ઘરે સુધી મૂકવા જાય તે સહિતની સારવાર અને સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે.
કોપર ટી મૂકવામાં રાજ્યમાં 10મો નંબર
ફેમિલી પ્લાનીંગ માટે મહિલાઓને કોપર ટી મૂકવામાં આવે છે. જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓની ડીલીવરી બાદ તેમની મંજુરી લઈ પાંચ વર્ષ માટે કોપર ટી મૂકી દેવામાં આવે છે. જેમાં સિવિલમાં છેલ્લા ૪ મહિનામાં ૫૫૦ મહિલાઓને ફેમિલી પ્લાનીંગ અંતર્ગત કોપર ટી મૂકાવી છે. કોપર ટીની કામગીરીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રાજ્યમાં ટોપ-૧૦માં સ્થાન ધરાવે છે.
નોર્મલ ડીલીવરી માટે અપાય છે ફીઝીયોથેરાપીની સારવાર
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.સુશીલ કુમારે જણાવ્યું હતું કે, મહિલાઓની નોર્મલ ડીલીવરી માટે ફીઝીયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. કારણ કે, સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન કમરના દુઃખાવા, પગ સોજી જવા સહિતની તકલીફ રહે છે. તેમજ ઘણી મહિલાઓને દુઃખાવાના ડરથી સીઝેરીયન માટેનો આગ્રહ રાખે છે. ત્યારે નોર્મલ ડીલીવરીની સંખ્યામાં વધારો થાય તે માટે સગર્ભા મહિલાઓને ફીઝીયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. જે મહિલાઓને ડીલીવરી પહેલાં અને ડીલીવરી બાદના દુઃખાવામાં રાહત આપે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
