Team Chabuk-Political Desk: અમદાવાદમાં હાલ આઈપીએલનો ફિવર છવાયેલો છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે અને રવિવારના રોજ આઈપીએલની ફાઈનલ મેચ રમાશે જેમાં આજે જીતનાર ટીમ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલ મેચને લઈને રાજકારણ ગરમાયું છે. અમદાવાદમાં કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા પાઠવતા બેનરો લગાવ્યા હતા જેમાં સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખવાની જગ્યાએ સરદાર પટેલ સ્ટેડિયમ લખાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વાતની જાણ અમદાવાદ મહાનગરપાલિકાને થતાં જ કોંગ્રેસે લગાવેલા બેનરો ઉતારી લેવાયા હતા.

કોંગ્રેસે અમદાવાદમાં લગાવેલા બેનરમાં સૌથી ઉપર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો ફોટો રાખવામાં આવ્યો છે. અને લખવામાં આવ્યું છે કે, પોતાની પહેલી જ આઈપીએલ સિઝનમાં ગુજરાતનું પાણી બતાવી ફાઈનલમાં આવવા બદલ અભિનંદન. આ લખાણની નીચે ગુજરાત ટાઈટન્સનો લોગો મૂકવામાં આવ્યો છે અને લોગોની નીચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખવાની જગ્યાએ મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ લખવામાં આવ્યું છે. અને શુભકામના પાઠવતા લખાયું છે કે, જીત તમારા કદમ ચૂમે તેવી શુભકામના. બેનરમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો ફોટો મૂકવામાં આવ્યો છે. સાથે જ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાનો ફોટો મૂકવામાં આવ્યો છે.
કોંગ્રેસે પોસ્ટરમાં સરદાર પટેલ સ્ટેડિયમ નામનો ઉલ્લેખ કરતાં ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે. કેન્દ્ર સરકારના સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણે કોંગ્રેસના પોસ્ટરને લઈને પોતાના ફેસબુક પેજ પર પોસ્ટરના ફોટો શેર કરીને લખ્યું છે કે, ‘વર્ષો સુધી સરદાર પટેલની અવગણના કરવા વાળાને અચાનક એક દિવસમાં સરદાર પટેલ કેમ યાદ આવી ગયા? પહેલી સિઝન હોય કે વીસ વર્ષનો ઇતિહાસ હોય જીત હંમેશા સાહસિક જુસ્સાની થઈ છે, પરિવારવાદની નહી.

ગુજરાત કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર ગુજરાત ટાઈટન્સને શુભકામના પાઠવતાં બેનર લગાવતાં વિવાદ ઉભો થતાં જ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સમગ્ર રોડ પર લગાવેલા બેનર ઉતારી લેવા માટેનો આદેશ એસ્ટેટ વિભાગને આપવામાં આવ્યો હતો. જેના પગલે સ્ટેડિયમની સામે જ લગાવવામાં આવેલું બેનર ઉતારી લેવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં લગાવેલા ગુજરાત કોંગ્રેસના આ બેનરોને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
