Homeગુર્જર નગરી6000 શાળાને ખંભાતી તાળા

6000 શાળાને ખંભાતી તાળા

ગોવાબાપા : ગઈકાલની જેમ આજે ચાબુક પાછી વાત માસ્ક અને કોર્ટની છે. જોકે આજે વાત સર્વોચ્ચ ન્યાયાલયની સામે ગુજરાતની વડી અદાલતની. ગઈકાલે ગુજરાતની વડી અદાલતે સરકારને હુકમ કર્યો કે જાહેરનામું બહાર પાડવામાં આવે અને જે લોકો માસ્ક પહેર્યા વિના દેખાય તેમની પાસેથી 5-8 દિવસો સુધી કોવિડ સેન્ટરમાં સેવા લેવામાં આવે. આ પછી ગુજરાત સરકાર પહોંચી ગઈ સીધી સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી અને આ ઘટના પૂર્ણ થઈ.

મુખ્યમંત્રી ઉવાચ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કીધું છે ચાબુક કે, સદીમાં એક વખત મહામારી આવતી હોય છે. રાજ્યના લોકોનો પણ સહકાર સારો છે. કોરોનાનો પરાજય થશે અને ગુજરાત જીતશે. ઉપરથી તેમણે પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કરતા પણ કહ્યું છે કે, PM મોદીનો મંત્ર છે જાન ભી હૈ, જહાન ભી હૈ…

હવે સીધા તમિલનાડુ

આજે ભાજપ અને અન્ય પક્ષો ચિંતાગ્રસ્ત થઈ ગયા હશે ચાબુક.

‘કેમ શું થયું ?’

તમિલનાડુમાં રજનીકાંતે ટ્વીટ કરી રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી દીધી છે. તમિલનાડુની ચૂંટણી પણ હમણાં જ છે. ત્યાં જાન્યુઆરી મહિનામાં તેઓ પાર્ટીની વિધિવત જાહેરાત કરશે.

અત્યાર સુધીનું ગણિત એમ કહેતું હતું કે અમિતભાઈ શાહ તમિલનાડુની મુલાકાતે ગયા ત્યારે તેમને ઈચ્છા હતી કે રજનીકાંત સાથે મુલાકાત થાય અને તેઓ ભાજપ સાથે ગઠબંધન કરે, પણ તમિલનાડુમાં તો હવે અત્યારથી જ ઘણાને જીત દેખાવા લાગી હશે. રજનીકાંત પાર્ટી બનાવે તો તને ખબર જ છે કે ચાબુક કે ત્યાંની જનતા તેની પાછળ કેટલી પાગલ છે. જોકે હવે રાજકારણમાં આવનારા રજનીકાંતનું ચાલે છે કે પછી જૂની પાર્ટીઓનું એ તો સમય આવ્યે જ ખ્યાલ આવશે. ચાલો રાજકારણમાં પ્રવેશવા બદલ અભિનંદન રજનીકાંતને.

વાહ રે નીતિશ

નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા પછી એમણે પ્રથમ એક્શન લીધું છે ચાબુક.

‘કોની વિરુદ્ધ? તેજસ્વી યાદવ કહેતા હતા એમ ઓલા ઉંદર પુલ તોડી ગયા એમની વિરુદ્ધ?’

ના હવે. બિહારમાં નવી સરકાર બનાવ્યા પછી. માનીતાઓને નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા પછી. એમણે એક સાથે 644 પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરી છે. એમાંથી 85 પોલીસકર્મીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એ લોકો પર કરવામાં આવી છે જેમણે દારૂબંધીનું ઉલ્લંઘન કર્યું હોય, ગેરકાયદે ખનન અને ભ્રષ્ટાચારમાં લૂપ્ત કર્મચારીઓ હોય, આંખ આડા કાન કર્યા હોય. એમના વિરુદ્ધ કડક પગલાં લીધા છે.

કોરોના કોઈ વિધિથી નથી ભાગતો

એક ગજબ ખબર સંભળાવું ચાબુક. તને ખબર છે કે કોરોનામાં છાપામાં એક જાહેરાત આવી હતી. એ જાહેર ખબરમાં લખેલું હતું કે, વિધિ કરાવો અને કોરોના મટાડો. એક ભાઈએ એ જાહેરખબર છાપામાં આપી દીધી એટલે તંત્ર સક્રીય થયું. આજે એ ભાઈના દીકરા નંદુ બારોટે એવું નિવેદન આપ્યું છે કે, લેભાગુ સાધુ દ્વારા મારા પિતા પર વશીકરણ કરવામાં આવ્યું હતું. એણે નંદુના પિતા ઉપર જાદુ ટોનો કર્યો અને પછી જાહેરખબર આપવાનું કહ્યું. હું તો કઉં આવા સાધુ-તાંત્રિકોથી દૂર જ રહો.

6000 શાળા બંધ થશે

6000 શાળા બંધ થાય છે ચાબુક. એમાંય અરવલ્લીમાં 76 અને કચ્છમાં 179 શાળાઓ તો બંધ પણ કરાવી દીધી. સરકારે એવું કારણ આપ્યું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે શાળાઓ બંધ કરી દેવાય છે. સરકારના આ નિર્ણયને વખોડતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્ર લખ્યો હતો અને એમણે ઘણી બધી વાતો કહી જેમાં મૂળ એક વાત એ હતી કે, ભણવા માટે દૂર સુધી જવું પડશે.

કોંગ્રેસ એક જીતશે કાં સાવ જાશે

ગુજરાતમાં તો ગમે એમ કરીને ચૂંટણી આવી જાય હો. હવે તને તો ખબર છે ચાબુક કે અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના કોરોનાના કારણે નિધન થઈ જતા બેઠકો ખાલી પડી છે. હવે અત્યારે તો બેઉં બેઠકો પર 2019 જેવી સ્થિતિ સર્જાય એવું દેખાય રહ્યું છે. જો અલગ અલગ જાહેરનામું બહાર પડશે ચાબુક તો કોંગ્રેસને બંને બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે. જો એક જ જાહેરનામાંથી ચૂંટણી થાય તો ભાજપ અને કોંગ્રેસ બંનેને એક-એક બેઠક મળશે. હવે ભાજપમાંથી 4 દાવેદારો છે. એમાં બળવંતસિંહ રાજપૂત અને શંભુ પ્રસાદ ટૂંડિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

શક્તિસિંહ બાપુ જલદી સાજા થઈ જાવ

આજે એમણે ચાબુક પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. હવે એમને કોરોના બાદ ફેફસામાં ચેપ લાગ્યો છે. ફેફસામાં ચેપ લાગ્યો હોવાથી તેઓ મેડિકલ સુપરવિઝન હેઠળ છે. એમણે ખૂદ કહ્યું કે, સંપૂર્ણ સ્વસ્થ થતાં હજુ વાર લાગશે. સ્વસ્થ થઈ જાઓ અને પુન: કામ પર પરત ફરો તેવી પ્રાર્થના.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments