Homeગુર્જર નગરીડ્રગ્સ માફિયાઓ માટે સેફ ઝોન બન્યું ગુજરાત, દ્વારકાના ખંભાળિયા નજીકથી 350 કરોડની...

ડ્રગ્સ માફિયાઓ માટે સેફ ઝોન બન્યું ગુજરાત, દ્વારકાના ખંભાળિયા નજીકથી 350 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Team Chabuk-Gujarat Desk: ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે સેફ ઝોન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં ડ્રગ્સ (drugs) ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયાઓ હવે ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરી રહ્યા હોવાથી અવારનવાર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ મુન્દ્રામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ત્યારે હવે દ્વારકામાંથી (dwarka) કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ (drugs) ઝડપાયુ છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની આંતરાષ્ટ્રીય કિંમત એક અંદાજ પ્રમાણે 350 કરોડ રૂપિયા થાય છે.

ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડના 66 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ATS, LCB અને SOGની ટીમે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ખંભાળિયા હાઈવે પર આરાધના ધામ પાસેથી એક શખ્સને 350 કરોડની કિંમતના 66 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.

દેવભૂમિ દ્વારકાના SP સુનિલ જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ થાય છે. જો કે કુલ 66 કિલો જેટલું ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત 350 કરોડની આસપાસનું હોવાનું મનાય રહ્યું છે.

મહત્વનું છે કે, મુન્દ્રા બંદરેથી થોડા દિવસો પહેલા અંદાજે રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાઉડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ ડ્રગ્સ કેસની તપાસ NIA કરી રહી છે. ત્યારે વધુ એક વખત ગુજરાતના દ્વારકામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments