Team Chabuk-Gujarat Desk: બાળકને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે અને આ બાળક ક્યારેક વધારે તોફાન કરે તો માતા-પિતાએ ખિજાઈ જવું પણ પડતું હોય છે. પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી તમારું હૃદય ઉકળી ઊઠશે. આ ઘટના બની છે રાજકોટ શહેરમાં.
ઘટનાની જો વિગતે વાત કરીએ તો, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલી નંદનવન સોસાયટીમાં સિદ્ધરાજ ભૂલનો નેપાળી પરિવાર વસવાટ કરી રહ્યો છે. આ સોસાયટીમાં જ નેપાળી પરિવાર ચોકીદારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે આ સિદ્ધરાજ ભૂલનો આઠ વર્ષનો બાળક રાત્રિના સમયે પરિવાર સાથે જમવા ન બેસતા અને પિતાનું કહ્યું ન કરતાં પિતાએ બાળકને માર માર્યો હતો. ત્યારબાદ આ બાળક ઉઠીને ફરીથી તોફાન કરતો હોવાથી પિતાએ ફરી માર માર્યો હતો.
પિતા માર મારતા હોવાથી બાળક દોડવા લાગ્યો હતો અને તેવામાં તે જમીન પર પટકાયો હતો. જેમાં બાળકને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ રાત્રે બાળક ઉંઘી ગયો હતો પરંતુ રાત્રિના સમયે અચાનક બાળકની તબિયત બગડી હતી જેથી માતા-પિતા તેને હોસ્પિટલે લઈ ગયા હતા. હોસ્પિટલના તબીબોએ આ બાળકને મૃત જાહેર કરતાં સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
સૌરભનામનો આઠ વર્ષનો આ બાળક સાંજે રમતાં રમતાં પડી જતાં માથા અને શરીરે ઇજાઓ થઈ હોવાથી બેભાન થઇ ગયાનું તબીબોના ધ્યાનમાં આવ્યું છે. તબીબોએ મૃતદેહનું નિરિક્ષણ કરતાં તેના શરીર પર અસંખ્ય ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. તેના પડખામાં, જમણા સાથળ પાસે, ગોઠણથી નીચેના ભાગે, ડાબા પગના સાથળ પાસે, ડાબા સાથળ પાસે તેમજ બીજા ભાગોમાં માર મારવામાં આવ્યો હોય તેવા ઇજાના નિશાન જોવા મળ્યા છે.
પુત્રનું મોત થઈ જતાં માતાના હૈયાફાટ રૂદને સમગ્ર સિવિલ હોસ્પિટલના વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. માતાને એટલો આઘાત લાગ્યો હતો કે તે બોલી પણ શકતા ન હતાં.
જો કે આ બાળકનું મૃત્યુ પિતાએ મારેલા મારથી થયું છે કે પછી જમીન પર પટકાતાં થયું છે તે અંગેનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી.એન.મોરવાડિયા તથા હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા અને તેમનો સ્ટાફ તાત્કાલિક ધોરણે ત્યાં આવી પહોંચ્યા હતો અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત