Team Chabuk-gujarat Desk: કોરોનાએ લોકોને શારીરિક અને માનસિક રીતે ભાંગી નાખ્યા છે. લોકો સતત કોરોનાના ડરની નીચે જીવી રહ્યા છે. લોકો હોસ્પિટલમાં જતાં પણ ફફડી રહ્યા છે. ચારેય તરફ કોરોના કોરોના થઈ રહ્યું છે. ત્યારે આજે વાત કરવી છે એક હકારાત્મક ઘટનાની. જો મક્કમ મનોબળ હોય અને થોડી કાળજી રાખીએ તો કોરોનાને પણ હરાવી શકાય છે. આ વાતની સાબિતી આપી છે વલસાડના એક વયોવૃદ્ધ દાદાએ.
વલસાડમાં એક 90 વર્ષના દાદાએ કોરોનાને હરાવ્યો છે. આ ઘટના સાંભળતા ચમત્કાર સમાન લાગે પણ આ હકીકત છે. વલસાડના માલવણ ગામના આગર ફળિયામાં રહેતા 90 વર્ષના ગાંડાભાઈ બુધાભાઈ પટેલનો થોડા દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દાદાની ઉંમર વધારે હોવાથી પરિવારજનોને પણ ચિંતા થવા લાગી. ગાંડાભાઈ પટેલની તબિયત થોડી બગડતાં તેઓને 15 દિવસ પહેલા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેઓને સતત 9 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા.
પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ઉમદા સેવા અને દાદાના મક્કમ મનોબળના કારણે કોરોના હાર્યો. સતત 14 દિવસ સુધી વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં તેમની સારવાર ચાલી. કોરોનાને હરાવવાની મક્કમતા સાથે જ હોસ્પિટલ ગયેલા ગાંડાભાઈ પટેલે 14 દિવસે કોરોનાને હરાવ્યો. વલસાડ કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરની સાર સંભાળ નીચે ગાંડાભાઈની તબિયતમાં સુધારો થયો. તેમને ઓક્સિજનની પણ જરૂર ન રહી અને અંતે 14 દિવસની સારવાર બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.
ગાંડાભાઈ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનોને પણ હાશકારો થયો. અંતે ગાંડાભાઈ પટેલ 14 દિવસ બાદ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા. સારા સ્વાસ્થ્ય સાથે ગાંડાભાઈ ઘરે આવતા પરિવારજનોમાં પણ ખુશી ફેલાઈ ગઈ. 90 વર્ષના દાદા હેમખેમ ઘરે પરત ફરતાં પરિવારજનોએ પણ વલસાડ કોવિડ હોસ્પિટલ અને તમામ તબીબી સ્ટાફનો આભાર માન્યો હતો.
સમગ્ર રાજ્યની માફક વલસાડમાં પણ કોરોના કેર વર્તાવી રહ્યો છે. ગઈકાલે એટલે કે શનિવારે વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 48 કેસ નોંધાયા હતા. વલસાડમાં કોરોનાથી સંક્રમિત થનારનો આંકડો કૂલ 1969 પર પહોંચ્યો છે. ગઈકાલે વલસાડ તાલુકામાં જ ખાલી 24 કેસ નોંધાયા હતા. જ્યારે પારડી તાલુકામાં 05, વાપી તાલુકામાં 05, ઉમરગામ તાલુકામાં 02, ધરમપુર તાલુકામાં 07 અને કપરાડા તાલુકામાં 05 દર્દીઓ નોંધાયા હતા.
ગઈકાલે વલસાડ જિલ્લામાં 14 દર્દીઓને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. જ્યારે ચાર દર્દીઓના મોત નિપજ્યા હતા. વલસાડ જિલ્લામાં રસીકરણ અભિયાન પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં કૂલ 2,31,800 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 40,324 લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. વલસાડમાં કોવિડ-19 અંગેની જાણકારી કે ફરિયાદ માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત