Homeવિશેષકોરોના ક્યારે જશે?

કોરોના ક્યારે જશે?

Editors Gallery: જેનો આરંભ છે તેનો અંત પણ છે. એક વખત એવો પણ આવ્યો કે ઓલમ્પિકમાં કોઈ દૂર દૂર સુધી નહોતું વિચારતું કે નવ સેકન્ડમાં સો મીટરની દોડ પૂરી થાય. અસાફા પોવેલ અને બાદમાં ઉસૈન બોલ્ટ જેવા બાદશાહ દોડવીરોએ એ સાબિત કરી આપ્યું કે આ દુનિયામાં દસ સેકન્ડથી આગળ વધી શકાય છે. આજે કેટલાક લોકો જો એ વિચારતા હોય કે ઉસૈન બોલ્ટનો કિર્તીમાન તોડી ન શકાય તો એ લોકો મોટી ગેરસમજણમાં છે. કિર્તીમાનો તૂટવા માટે જ રચાતા હોય છે, આ વાક્યનું સર્જન કંઈ એમનેમ નથી થયું. કોઈ વીરલો હશે જે અત્યારથી એ રેકોર્ડ પર પોતાની નજર રાખી બેઠો હશે. માર્ક સ્પિત્ઝનો એક જ ઓલમ્પિકમાં સાત ગોલ્ડમેડલ જીતવાનો રેકોર્ડ માઈકલ ફ્લેપ્સે એમ જ તોડ્યો હતો. અને કોઈ આજે માઈકલ ફ્લેપ્સનો રેકોર્ડ તોડવાની તૈયારી કરતું હશે. શક્ય છે એ વ્યક્તિ ભારતની પણ હોય.

આજે આપણે બધા જે સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છીએ તેનો પણ એક સમયે અંત આવી જ જશે. કોરોના સમયે લોકો પ્લેગ પ્લેગની વાતોમાં મંડ્યાં હતાં. આજે તમને કે મને પ્લેગ કેવો હોય તેની ખબર નથી, કારણ કે ધરતી પર ક્યાંય પ્લેગ દેખાતો નથી. એમ કોરોનાને પણ જવું તો પડશે જ. આપણે અહીં કાયમી નિવાસ કરવા માટે નથી આવ્યા. કોરોના પણ કાયમી નિવાસ કરવા માટે નથી આવ્યો, કારણ કે નથી આ પૃથ્વી તમારી કે મારી, કે નથી આ પૃથ્વી કોરોનાની.

કોરોના નહોતો આવ્યો એ પહેલા આપણે કયા કયા આતંક ફેલાવ્યા એ ભૂતકાળને યાદ કરવાનો સમય પાકી ગયો છે. કેવી જિંદગી થઈ ગઈ છે ? લોકોને વૃક્ષો વાવવાનું કહેતા હતા. જેથી ઓક્સિજન મળે. આજે ઓક્સિજન માટે તો દોડી જ રહ્યા છીએ, પણ બચેલા વૃક્ષોને મૃતદેહ સળગાવવા માટે કાપવા પડે છે. આ ખરી વિપદા કહેવાય. મનુષ્ય બરાબરનો ફસાયો છે.

તમને કોઈ ભાડે જગ્યા રહેવા માટે આપે તો તે કદાચ સાત, આઠ કે બાર મહિના સુધી તમારા નખરા સહન કરે, બાદમાં તો તે તમને ખાલી કરવાનું કહી જ દે છે. પૃથ્વીમાં આપણે ભાડે રહીએ છીએ. આ સૌના ઉપભોગની વસ્તુ છે જેનો આપણે ધંધો બનાવીને રાખી દીધો છે. આપણા ગુજરાતમાં અને ખાસ તો સૌરાષ્ટ્રના ડાયરામાં એક ભજન ખાસ્સુ લોકપ્રિય છે, ‘જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં.’ ભજનો ફક્ત માથું હલાવવા માટે અને પૈસાની રેલમછેલમ કરવા માટે નથી હોતા.

કેટલાક લોકો આ વિપદાના સમયમાં કોરોના સાથે જીવતા શીખીએ એમ કહેતા હતા. હમણાં જ એક મિત્રએ ટકોર પણ કરી હતી કે, ‘પહેલા તો સ્વાદ અને સુગંધ જ ચાલી જતી હતી હવે તો માણસની જિંદગી જ ચાલી જાય છે.’ હવે જે રોગના કારણે માણસ જ ચાલ્યો જતો હોય, તો પછી એ કોરોનાની સાથે કેવી રીતે જીવતા શીખી શકીએ?

ક્વોરન્ટાઈન થવું. ઘરની બહાર ન નીકળવું. શરીરમાં રહેલો કોરોના હારી જાય તે માટે ખાટું અને રોગ પ્રતિકારકતા શક્તિ વધારી આપે તેવું જ ભોજન ખાવું. પરિવારજનોનું ઓક્સિજન માટે દોડવું. એ રુદન, એ કલ્પાત, એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો. અગ્નિસંસ્કાર કરવામાં લાંબી કતારો. ફેસબુકમાં અજાણ્યો વ્યક્તિ પ્લાઝમા માગતો હોય. જવાબ આપતી અગ્નિસંસ્કારની ચીમનીઓ અને ઠપ્પ પણ થઈ જતી. આટલી બધી દુવિધાઓની વચ્ચે માનવજાત ન જીવી શકે. તેને કોઈ મોટિવેશન આપો તો પણ ન જીવી શકે, કારણ કે આ તેના માટે અશક્ય છે. સ્વજનને અને પ્રિયજનને ગુમાવી ચૂકેલા માણસનું ઊભું થવું અઘરું છે. એ તો જેના ઉપર પડે એને ખબર પડે.

કોઈની પણ એક મર્યાદા હોય છે. વૃક્ષ પણ કાં તો ઠુંઠુ થઈ જાય છે અથવા કપાય છે, માણસ અને જાનવરનું આયુષ્ય પણ મર્યાદિત હોય છે. તમે કોઈ વસ્તુ ખરીદો તો તેની ઉપર પણ એક્સપાયર ડેટ લખેલી જ હોય છે. એ વિના તો હવે કોઈ ખરીદતા પણ નથી એટલા લોકો જાગૃત થઈ ગયા છે. કોરોના પહેલા પણ ભયાનક આફતો આવતી રહી અને આપણને હચમચાવી ગઈ. એ પણ ગઈ આ પણ જશે. અત્યારે એનો સમય ચાલે છે પછી આપણો સમય ચાલશે. માની લો આ એક ચક્ર છે. પૃથ્વીએ તમારા નખરા બદલ તમને નોટિસ ફટકારી છે.

કોરોના સાથે ભીષણ ટકરાવ થયા પછી મનુષ્યજાતે હવે વસતિ નિયંત્રણ કરતાં પણ શીખવું પડશે, કારણ કે ઈઝરાયલ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો, જ્યાં વસતિ ઓછી છે ત્યાં કોરોના કાબુમાં આવી ગયો છે. ભારત, ચીન જેવા મહાકાય દેશોએ કાંઈક પગલાં ભરવા પડશે. એક મહામારી આપણને કેટલું બધું શીખવાડી જાય છે. જોકે મનુષ્યજાત ઈતિહાસમાંથી બોધપાઠ લેવાની જગ્યાએ ઈતિહાસને ફક્ત પરીક્ષામાં પાસ થવાની દૃષ્ટીએ જ જુએ છે. મનુષ્યજાત વિચારતી નથી, માત્ર આંકડાઓ યાદ રાખે છે.

એક સંત હતા. તેમને એક શિષ્ય હતો. એક વખત તેમણે શિષ્યને બોલાવી કહ્યું, ‘આજે તારે ઉત્તરના જંગલોમાં જવાનું છે. તું એ જંગલમાં બાવળના વૃક્ષો બાજુથી જજે, કારણ કે તું સીધા રસ્તા પરથી જઈશ તો તારો વાઘની સાથે ભેટો થઈ જશે. ત્યાં મધ્યે એક મોટું બાવળ આવેલું છે. એ બાવળ પર સર્પ હશે. તું ધ્યાન રાખજે નહીં તો એ તને ડંખ ભરી લેશે. ત્યાંથી થોડે દૂર પાછળ જ નદી છે. એ નદીની વચ્ચે કુટિક નામનો છોડ છે. શરીરના રોગ મટાડવાના કામે આવે છે. એ તું લઈ પાછો આવી જા.’

શિષ્ય ગુરૂદેવની આજ્ઞા માની નીકળ્યો. જ્યારે પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પર ગુસ્સો સવાર હતો. એ લાલઘુમ હતો. ગુરૂએ પૂછ્યું, ‘શું થયું ?’

‘તમે એ કેમ ન કહ્યું કે, નદીમાં મગર પણ છે?’

‘બધી વાત હું કહી દેત તો તું નિશ્ચિત થઈ જાત. પછી આ જીવનનું કામ શું?’

આપણને નથી ખબર કે કાલે શું સારું કે શું ખરાબ થવાનું છે. જીવનની એ જ તો મજા છે. જો આપણને ખબર હોય કે કાલ આપણે મરી જવાના છીએ, તો શક્ય છે સમયવિધિ પહેલા જ મરી જઈએ. કોરોના જેમ સાવચેતી રાખવા છતાં ગમે તેને વળગી પડે છે અને સ્વયંને પૂછો છો આમ કેમ થયું ? તેમ જીવનમાં કાલ સવારે શું થાય તેની ખબર નથી રહેતી. પિતા પુત્રીનો અગ્નિસંસ્કાર કરી રહ્યો છે. આ વિષે તેણે સ્વપ્ને પણ વિચાર્યું હશે? આજ તો અણધાર્યું છે. આજ તો જીવન છે. અને આ અણધાર્યા જીવનમાં જ તમને એક દિવસ સરપ્રાઈઝ મળશે કે કોરોના હવે નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments