Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી પ્રથમ આંતરાષ્ટ્રીય વનડે મેચમાં ઈંગ્લેન્ડ ટીમની પ્રારંભિક શુભ શરૂઆત બાદ અન્ય બેટ્સમેનોના થયેલા ધબડકાના કારણે કારમો પરાજય થયો હતો. ઘણા ઐતિહાસિક રેકોર્ડ આ મેચમાં બન્યા હતા. એવામાં એક સંયોગ પણ રચાઈ ગયો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ બંને તરફથી ભાઈઓની જોડી રમી રહી હતી. ભારતમાંથી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા. તો ઈંગ્લેન્ડની તરફથી સેમ કરન અને ટોમ કરન. એ પણ સંયોગ જ છે કે ચારે ક્રિકેટરો ઓલરાઉન્ડર છે. જેમાંથી માત્ર કૃણાલ જ સ્પીનર છે બાકીના ત્રણે ક્રિકેટરો સેમ, ટોમ અને હાર્દિક ફાસ્ટ બોલર છે. સેમ અને ટોમ આ પહેલા 2011ની સાલમાં શ્રીલંકા સામે એક સાથે વનડે રમી ચૂક્યા છે. આ પ્રથમ વખત હતું કે વિરોધી ટીમમાં પણ બે ભાઈ હતા અને ભારતીય ટીમમાં પણ બે ભાઈ રમી રહ્યા હતા.
હાર્દિક અને કૃણાલ ભારત તરફથી વનડે રમનારી ભાઈઓની ત્રીજી જોડી છે. જોકે 2019માં ન્યૂઝીલેન્ડ સામેની ટી ટ્વેન્ટી મેચમાં આ બંને ભાઈઓ એક સાથે રમી ચૂક્યા છે, પણ વનડેમાં આ સંયોગ પ્રથમ વખત જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા 2016ની સાલથી ભારતીય ટીમમાં છે જ્યારે કૃણાલે હાલમાં જ આંતરાષ્ટ્રીય ટીમમાં જગ્યા મેળવી છે. પંડ્યા બ્રધર્સ આઈપીએલમાં વરસોથી મુમ્બઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમે છે.
નવ વર્ષ બાદ ભારતમાં એવો સમય આવ્યો કે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં એક સાથે બે ભાઈઓ રમી રહ્યા હોય. આ પહેલા માર્ચ 2012માં ઈરફાન પઠાન અને યૂસુફ પઠાન એક સાથે રમ્યા હતા. બરોડામાં જ સામાન્ય પરિવારમાં જન્મેલા આ બંને ભાઈઓ ગરીબીમાંથી ઉછરીને મોટા થયા. પણ એક બીજાને ટેકો આપતા ક્રિકેટમાં ટોપ સુધી પહોંચી ગયા.
અહીં પણ પહેલા નાના ભાઈ ઈરફાને ટીમમાં જગ્યા મેળવી જ્યારે બાદમાં મોટાભાઈ યૂસુફનો વારો આવ્યો. બંને 2007માં ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારતીય ટીમનો ભાગ હતા. પઠાન બ્રધર્સે એક સાથે 8 ટી ટ્વેન્ટી અને 8 વનડે રમ્યા છે. ઈરફાન પઠાન સ્વિંગ ફાસ્ટ બોલિંગની સાથે સાથે બેટીંગ પણ કરી શકતો હતો જ્યારે યૂસુફ પઠાન પાવર હિટર અને પાર્ટ ટાઈમ સ્પિનર પણ હતો. બેઉં ભાઈઓએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોકે પંડ્યા બ્રધર્સ અને પઠાન બ્રધર્સ બંને વડોદરાથી જ છે એ પણ એક મોટો સંયોગ કહેવાય.
આ પહેલા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથે પણ રાષ્ટ્રીય ટીમ વતી ત્રણ મેચ રમ્યા હતા. ભારતની આ પ્રથમ ભાઈઓની જોડી હતી. બંને આઝાદ ભારતના પ્રથમ ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથના પુત્રો હતા. એ સમયે લાલા અમરનાથના પરિવારને રમત જગતના સૌથી પ્રતિષ્ઠિત પરિવાર તરીકે ઓળખવામાં આવતું હતું. સુરિન્દર આક્રામક બેટ્સમેન હતા. ઘર આંગણે તેમણે બેટથી કમાલ કરી દીધો હતો. બીજી બાજુ મોહિન્દર અમરનાથની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થતી હતી. બેટીંગની સાથે સાથે તેઓ મધ્યમ ગતિથી બોલિંગ પણ કરી શકતા હતા. 1983ના વિશ્વકપમાં પણ તેમનું મોટું યોગદાન હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત