Homeદે ઘુમા કેરિકી પોન્ટિંગે કહ્યું, ‘પૃથ્વી શો મારી વાત નથી માનતો’

રિકી પોન્ટિંગે કહ્યું, ‘પૃથ્વી શો મારી વાત નથી માનતો’

Team Chabuk-Sports Desk: આઈપીએલની નવી સિઝન શરૂ થવામાં છે. ત્યારે આઈપીએલ પહેલાં જ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર રિકી પોન્ટિંગે ભારતીય ટીમના ખેલાડી અને દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શોને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. રિકી પોન્ટિંગે કહ્યું છે કે, ‘પૃથ્વી શો તેમની વાત નથી માનતો. ગત આઈપીએલની સિઝનમાં પૃથ્વી શો ખરાબ દેખાવ કરી રહ્યો હતો ત્યારે તેણે મને નેટ્સમાં બેટિંગ નહીં કરે તેવું મોઢે મોઢ જણાવી દીધું હતું.’

રિકી પોન્ટિંગે એવી આશા પણ વ્યક્ત કરી કે, ‘પૃથ્વી શોએ આગામી સિઝનમાં વધુ સારા દેખાવ માટે પોતાની ટ્રેનિંગની બાબતોને સુધારી હશે.’ મહત્વનું છે કે રિકી પોન્ટિંગ છેલ્લી બે સિઝનથી દિલ્હી કેપિટલ્સ અને પૃથ્વી શો સાથે કામ કરી રહ્યા છે. ત્યારે અગાઉની વાતોને વાગોળતા રિકી પોન્ટિંગે કહ્યું કે, ‘ગત આઈપીએલની સિઝનમાં બે અડધી સદી ફટકાર્યા બાદ પૃથ્વી શો સતત ખરાબ દેખાવ કરી રહ્યો હતો. જ્યારે તે ખરાબ દેખાવ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે નેટ્સમાં બેટિંગ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.’

રિકી પોન્ટિંગે એમ પણ કહ્યું કે, ‘પૃથ્વી શોનો આ એક અલગ સિદ્ધાંત છે. જ્યારે તેના બેટમાંથી રન નીકળી રહ્યા હોય છે ત્યારે તે નેટ્સમાં બેટિંગ કરવા ઇચ્છુક હોય છે અને જ્યારે મેચમાં ખરાબ દેખાવ કરતો હોય છે તે સમયગાળામાં તે નેટ્સમાં બેટિંગ નથી કરતો. ગત સિઝનમાં પૃથ્વી શોએ ચાર થી પાંચ મેચમાં 10થી ઓછા રન બનાવ્યા હતા. તેથી મેં પૃથ્વી શોને કહ્યું હતું કે આપણે નેટ્સમાં પ્રેક્ટિસ માટે જવું જોઈએ જેથી સમસ્યાનું સમાધાન થઈ શકે. પરંતુ પૃથ્વી શોએ મારી આંખમાં જોઈને કહ્યું કે, ના હું નેટ્સમાં બેટિંગ નહીં કરું.’

રિકી પોન્ટિંગે કહ્યું કે, ‘પૃથ્વી શોનો આ નિયમ કહો કે સિદ્ધાંત મને બિલકુલ પસંદ ન આવ્યો. આશા રાખું કે તે હવે બદલી ગયો હશે. જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે ઘણું કામ કર્યું છે. હું આશા રાખું છું કે તેનો આ સિદ્ધાંત કદાચ હવે બદલાઈ ગયો હોય જેથી અમે તેની પાસેથી સારું પ્રદર્શન કરાવી શકીએ અને તે સુપરસ્ટાર ખેલાડી બની શકે.’

રિકી પોન્ટિંગે જણાવ્યું કે, ‘કદાચ સારા પ્રદર્શન માટે પૃથ્વી શોએ પોતાની આ આદત બદલી નાખી હોય. અને જો આવું થયું હોય તો તે ન માત્ર દિલ્હી કેપિટલ્સ માટે સારી વાત છે પરંતુ આગામી સમયમાં તે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે. પોન્ટિંગને પૃથ્વી શો પર ભરોસો છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું કાઠું કાઢશે.’

પૃથ્વી શોનો IPLમાં દેખાવ

પૃથ્વી શો હાલ દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સનો તે ઓપનર છે. પૃથ્વી શો આઈપીએલમાં અત્યાર સુધી કુલ 38 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 139.76ની સ્ટ્રાઈક રેટથી 826 રન બનાવ્યા છે. આઈપીએલમાં પૃથ્વી શોએ એક મેચમાં સર્વાધિક 99 રન બનાવ્યા છે. કુલ 6 અડધી સદી પૃથ્વી શોના નામે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments