Homeગામનાં ચોરેઅમેરિકાએ કહ્યું, ભારતે અમારી મદદ કરી હતી, હવે અમારો વારો છે

અમેરિકાએ કહ્યું, ભારતે અમારી મદદ કરી હતી, હવે અમારો વારો છે

Team Chabuk-International Desk: વિશ્વભરમાં કોરોના સંક્રમણના મામલે હાલ ભારત દેશ ટોપ પર છે. ભારતમાં દૈનિક સાડા ત્રણ લાખથી વધુ કેસ એક દિવસમાં નોંધાઈ રહ્યા છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ભારતમાં સ્થિતિ કપરી બની રહી છે. ત્યારે આવા મુશ્કેલીના સમયે અમેરિકાએ ભારતને મદદ કરવા માટે હાથ લાંબો કર્યો છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતને કોરોના વેક્સિન બનાવવા માટે જરૂરી કાચો માલ આપવા પર રોક લગાવતા ભારતને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જો બાઈડેનના આ નિર્ણયની ભારત સહિત અનેક દેશોએ ટીકા કરી હતી. પરંતુ હવે ભારતીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અમેરિકન સુરક્ષા સલાહકાર જેક સુલિવન વચ્ચેની વાતચીત બાદ આ મામલો હલ થઈ રહ્યો હોય તેવું જાણાઈ રહ્યું છે. અમેરિકાએ હવે આ પ્રતિબંધ હટાવી લીધો છે અને ભારતને તમામ પ્રકારની મદદ કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે.

આ મામલે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ભારતને તમામ સંભવ મદદ કરવા માટેની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્વિટ કરીને લખ્યું કે, ‘મહામારીની શરૂઆતમાં જ્યારે અમારી હોસ્પિટલો ઉપર ભારે દબાણ હતું ત્યારે ભારતે અમેરિકા માટે જે સહાયતા કરી હતી તેવી જ રીતે ભારતને જરૂરિયાતના સમયે અમે મદદ કરવા પ્રતિબદ્ધ છીએ.’

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને આ નિવેદન અમેરિકાના સુરક્ષા સલાહકાર જેક સુલિવનના ટ્વિટ પર આપ્યું છે. જેમાં તેઓએ ભારત સાથે મુશ્કેલીના સમયમાં સાથે ઉભા રહેવાની પ્રતિબદ્ધતા દાખવી છે. અમેરિકાના સુરક્ષા સલાહકાર જેક સુલિવને ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘અમેરિકા ભારતને તમામ સંભવ સહાયતા કરવા માટે તૈયાર છે. જેક સુલિવને ટ્વિટમાં જણાવ્યું કે, અમેરિકા ભારતને વેક્સિન બનાવવા માટે જરૂરી કાચો માલ સપ્લાય કરશે. ફ્રન્ટ લાઈન વર્કસને બચાવવા માટે અમેરિકા તરફથી તુરંત રેપિડ ડાયગોનેસ્ટિક ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને પીપીઈ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.’

આ અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ નિવેદન આપ્યું છે. કમલા હેરિસે ટ્વિટ કર્યું કે, ‘અમેરિકા સરકાર કોવિડ-19ની મહામારીના સમયમાં ભારતને વધારાની મદદ અને સપ્લાય આપવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. અમે ભારતના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. ખાસ કરીને બહાદુર હેલ્થકેયર વર્કર માટે.’

મહત્વનું છે કે અમેરિકાએ આ પહેલા ભારતને વેક્સિન બનાવવા માટેનો કાચો માલ આપવાની ના પાડી હતી. જો કે હવે મુશ્કેલીના સમયમાં અમેરિકા ભારતની મદદે આવતા વેક્સિન બનાવવાના કામમાં ઝડપ આવશે અને રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમને વધુ વેગ મળશે. હાલમાં ઘણા રાજ્યમાં વેક્સિનની ઘટ પડી રહી છે. સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓ પણ વધી રહ્યા છે. ભારતમાં 1લી મેથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સિન આપવામાં આવનાર છે ત્યારે અમેરિકાએ લીધેલો આ નિર્ણય ભારત માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments