Homeસિનેમાવાદજ્યારે મને કહેવામાં આવ્યું કે મને રાતોરાત ખ્યાતિ મળી છે, ત્યારે હું...

જ્યારે મને કહેવામાં આવ્યું કે મને રાતોરાત ખ્યાતિ મળી છે, ત્યારે હું કહું છું કે આ રાત મારા માટે 15 વર્ષ લાંબી હતી

હું ગુજરાતી ફિલ્મો જોતો નથી. નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદીના વખતની ફિલ્મો જોતો હતો. રમેશ મહેતા અને સ્નેહલતા એ ફિલ્મોમાં આવતા. રોજ દૂરદર્શન પર ચાર વાગ્યાનો સમય. આખુ ઘર ખાટલો ઢાળીને ધામા નાખી બેસી જતુ.

પછી ખાસ્સા સમય સુધી ગુજરાતી ફિલ્મો સાથેનો એક સંબંધ તૂટી ગયો. બધા જોતા હતા એટલે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ છેલ્લો દિવસના કારણે ગુજરાતી ફિલ્મો પુન:જોવાનો ચસ્કો લાગ્યો, પણ એમાંય ખાસ મયૂર ચૌહાણ સિવાય કોઈ ગમ્યું નહીં.

વચ્ચે અભિષેક જૈનની બે યાર આવી હતી. મેં નહોતી જોઈ. છેલ્લો દિવસ પછી ગુજરાતી ફિલ્મો જોવાનું વળગણ થયું એટલે એ પણ જોઈ. એમાં પ્રતીક ગાંધીને પહેલી વખત જોયા. એમણે નાટકોમાંય કામ કરેલું એ વાતની ખબર નહીં. જાણવાની તો તસ્દી પણ ન લીધી. હું એમને એક સામાન્ય ગુજરાતી કલાકાર તરીકે જ ગણતો હતો.

એટલામાં એમણે શિશિર રામાવત લિખિત હું ચંદ્રકાંત બક્ષી નાટક કર્યું. શિશિરભાઈની મલ્ટિપ્લેક્સ કોલમ વાંચતા. પત્રકારત્વમાં હોવાથી શિશિર ભાઈ સાથે વાંચક-લેખકનો નાતો ખરો, પણ આ રીતે પ્રતીક ગાંધી સાથે સંબંધ જોડાય જશે એ ખબર નહોતી. જો પ્રતીક ગાંધીએ હું ચંદ્રકાંત બક્ષીમાં બક્ષીબાબુનો રોલ પ્લે ન કર્યો હોત તો, કદાચ આ સંબંધ આટલો ગાઢ ન બનેત. હું એટલે કે એક ફેન અને એક અભિનેતા એટલે કે પ્રતીક ગાંધીનો સંબંધ આ રીતે નિર્માણ પામ્યો.

5 જુલાઈ 2016ના રોજ હું પત્રકારત્વમાં એમફિલ કરતો હતો. આ સમયે શિશિર રામાવતે મલ્ટિપ્લેક્સમાં પ્રતીક ગાંધી પર આર્ટિકલ લખ્યો. પ્રતીક ગાંધી મોહનનો મસાલો નાટક કરવાના હતા. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણે ભાષામાં. લેખમાં શિશિર રામાવતે પ્રતીક ગાંધીને મલ્ટિ-ટાસ્કિંગના માણસ તરીકે મૂલવ્યા હતા.

પછી અચાનકથી ગુજરાત આખુ ઘાંઘુ થઈ ગયું. અમદાવાદ તો ખાસ. પ્રતીક ગાંધી અભિનેતા તરીકે હતા. પણ ફિલ્મનાં ગીતો જોરદાર. વિશાલ દાદલાનીના સ્વરમાં અમદાવાદ ગીત આવ્યું અને અરીજીત સિંહના અવાજમાં સતરંગી ગીત આવ્યું. ગોરી રાધા ને કાળો કાન એ તો ગુજરાતી હોઈએ એટલે ગરબાનું થીમ સોંગ બની જાય. એમને ફરી જોયા અને હવે એ હર્ષદ મહેતા તરીકે આખા ભારતમાં પોપ્યુલર થઈ ગયા.

ફરી એક વખત શિશિર ભાઈના આર્ટિકલનો હવાલો આપીને કહું તો, પ્રતીક કોર્પોરેટ જોબ પણ કરતાં હતા અને નાટકોમાં પણ કામ કરતાં હતા. એમને ઘરથી નવી મુંબઈની ઓફિસ સુધી પહોંચતા ત્રણ કલાક જેટલો સમય પસાર થઈ જતો. એ કારની જગ્યાએ ટ્રેનનો ઉપયોગ કરતાં હતા. ટ્રેન ચાલી જતી હોય. એમાં પ્રતીક ગાંધી ઊભા હોય. હાથમાં નાટકની પટકથા હોય. સંવાદો કંઠસ્થ થતા હોય. દોડીને પહોંચે. શરીર પરથી પરસેવો નિતરતો હોય, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સીધા રિહર્સલ કરવા માંડે. યાદ રાખેલા સંવાદો ફટાફટ બોલવા માંડે.

એમનો અભિનય માત્ર જોયો નથી, પણ વાંચવામાંય આવ્યો છે. જો અમે બધા સાથે તો, દુનિયા લઈએ માથે નામનું નાટક છે. ઈમેજ પબ્લિકેશન દ્રારા તેની બુક પ્રકાશિત કરવામાં આવી છે. ઢગલાબંધ કલાકારો છે. એક ડોશી છે. પોળમાં રહે છે. તેને અમેરિકા જવાની ચણક ઉપડી છે. આખી પોળ ભેગી થઈ એને અમેરિકા મોકલવાનો પ્લાન ઘડે છે.

સૌમ્ય જોશીએ આ નાટક લખ્યું છે. લખતા લખતા હું ઊભો થાઊં છું. મારી પાછળ પુસ્તકોનો ઢગલો પડ્યો છે. તેમાંથી જો અમે બધા સાથે તો, દુનિયા લઈએ માથે પુસ્તક કાઢું છું. આટલા બધા પુસ્તકોમાં તેનો આકાર એવો છે કે બધાથી અલગ તરી આવે. થેન્ક્સ ટુ સુરેશ દલાલ.

કેટલા બધા કલાકારો! એમાં એક ટુ વ્હિલમાં પ્રતીક ગાંધી આગળ બેઠા છે. બાકીના તમામ કલાકારો એક બાદ એક એમની પાછળ બેઠા છે.

લખાણ કેવું લાગ્યું ? આ તો એક ફેન અને પ્રતીક ગાંધી વચ્ચે ચાલી રહેલી ઈમોશનલ જર્ની કહેવાય. મિર્ઝાપુરની સિઝન-2 આવી. મિમ્સ બનવા લાગ્યા. લોકોને પ્રથમ સિઝન કરતાં જરાં પણ ન ગમી અને બીજી બાજુ પ્રતીક ગાંધી હર્ષદ મહેતાના રોલમાં છવાયેલા છે. ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. સ્કેમનું હચમચાવી નાખતું સંગીત કોલર ટ્યુન અને રિંગટોનમાં સેટ થવા લાગ્યું છે. કલ્પના થવા લાગી છે કે પ્રતીક સિવાય આ રોલમાં તો કોઈ સારું ન લાગે.

હું પ્રતીક ગાંધીને ફેસબુક પર ફોલો કરું છું. મને યાદ નથી ક્યારે, પણ પ્રતીક ગાંધીએ ફેસબુક પર એક તસવીર મૂકી હતી. જેમાં તેઓનું શરીર સ્થુળ થઈ ગયું છે. કોઈ પાત્ર માટે તેઓ મહેનત કરી રહ્યાં હતાં, પણ કયુ પાત્ર હતું એ વિશે તેમણે મગનું નામ મરી નહોતું પાડ્યું. આજે એ શરીર વધાર્યાના ફળ દેખાય રહ્યા છે.

ઘણા લોકો ફેસબુક પર અને ટ્વીટર પર, ખાસ તો ગુજરાતીઓ વાતો કરી રહ્યા છે કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર ઘણા છે પણ અભિનેતા તો માત્ર પ્રતીક ગાંધી છે. સંજીવ કુમાર, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી સહિતના અસંખ્ય ગુજરાતી અભિનેતાઓની સશક્ત અભિનય પરંપરા પ્રતીક ગાંધીએ જાળવી રાખી છે. આનાથી વિશેષ ગુજરાતી ફિલ્મ જગતને શું જોઈએ?

પ્રતીક મહેનતથી કલાકાર બન્યા છે. વર્ષો સુધી તો કોર્પોરેટ જગતમાં નોકરી પણ કરી અને નાટકો પણ કર્યા. બેઉ કામ કર્યા અને બરાબર કામ કર્યા. કામમાં કચાશ નહીં રાખવાની. પ્રતીક પાસેથી આ શીખવા મળે છે.  અંતે તો તેમના નાની જે વાત કહેતા એ યાદ આવે છે, બધાને કામઢા લોકો વહાલા હોય છે, ધામા લોકો વહાલા ન હોય. (ધામા એટલે જેઓ નવરી બજાર હોય)

આપણે બધાએ પ્રતીક ગાંધીની નાનીએ કહેલી વાત જીવનમાં ઉતારી લેવી જોઈએ. આમેય જીવનમાં કામઢા લોકો જ પૂજાતા હોય છે. કામઢા લોકોને જ બધુ મળતું હોય છે.

હર્ષદ મહેતાને મળેલી સફળતા બાદ પ્રતીક સુંદર જવાબ આપે છે, ‘જ્યારે મને કહેવામાં આવ્યું કે મને રાતોરાત ખ્યાતિ મળી છે, ત્યારે હું કહું છું કે આ રાત મારા માટે 15 વર્ષ લાંબી હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments