Homeસિનેમાવાદકાદલન : ઉર્વશી ઉર્વશી ગીતમાં વપરાયેલી ભવ્ય બસને એનાં જ દિગ્દર્શક શંકરે...

કાદલન : ઉર્વશી ઉર્વશી ગીતમાં વપરાયેલી ભવ્ય બસને એનાં જ દિગ્દર્શક શંકરે શા માટે બ્લાસ્ટ કરાવી?

Team Chabuk-Entertainment Desk: [1] શંકર તંત્રની સામે નમતું જોખતો નથી. કંઈક એવી રીતે કહી દેવું કે જોનારને લાગે આ પેલા વિશે ટોન્ટ માર્યોને? અને પેલાને પણ એમ લાગે! પણ સ્વીકાર કરતા સંકોચ પેદા થાય. શંકરની નાયક તેનું વિરાટ ઉદાહરણ છે. તો પ્રભુદેવા સાથેની કાદલનમાં પણ શંકરે વક્રોક્તિનો ઉપયોગ કર્યો હતો. દર્શકો અને વિવેચકોનું અર્થઘટન કહેતું હતું કે તેમાં રહેલો ગવર્નરનો ભાગ તો ચન્ના રેડ્ડી પર થયેલો કટાક્ષ છે. એ કટાક્ષ નહોતો, દર્શાવ્યું એ વાસ્તવિકતા હતી. વાસ્તવિકતાને પ્રતિકૃતિ તરીકે દર્શાવી હતી. એટલે રિલીઝ થયા પશ્ચાત ફિલ્મ પર પ્રતિબંધનું સંકટ ઘેરાયું હતું. પછીથી તો શંકરની ફિલ્મના એન્ટાગોનીસ્ટને લોકો રાજકીય દૃષ્ટીથી જ જોતાં હતાં કે તમિલના આ કયા મોટા નેતાની વાતને વણી લીધી છે. આજે ફિલ્મના રાજકીય તાણાવાણાની વાતને જતી કરીએ. અત્યારે પણ કાદલનની જ્યારે ચર્ચા નીકળે છે ત્યારે પહેલાં તેનું સંગીત યાદ આવે છે. સંગીત આપ્યું હતું એ.આર.રહેમાને!

[2] વર્ષ 2016માં મસ્તમજાની “લાયન” નામની આત્મકથાનાત્મક ફિલ્મ આવેલી. જે 2013માં આવેલી ચોપડી અ લોંગ વે હોમ પર આધારિત હતી. એમાં દેવ પટેલ ખુરશી પર બેઠો હોય છે. હાથમાં નોટ અને પેન હોય છે. પેન રમાડતો હોય છે. એના ચહેરા પર સ્મિત હોય છે. કેમેરો હિરોઈન રૂની મારાનો મીડિયમ ક્લોઝ અપ લે છે. એ પણ હસતી હોય છે. બેકગ્રાઊન્ડમાંથી પ્રશ્ન પૂછાય છે : “તે આ કોર્સ શા માટે લીધો?” હીરોનું સ્મિત અકબંધ અને હિરોઈનનું પણ એવું જ!
કટ ટુ… દૃશ્ય પૂર્ણ થાય છે. હવે એક રોડ છે. રોડની બંને બાજુ કાર પાર્ક કરેલી છે. રોડની એક બાજુ હિરોઈન અને રોડની બીજી બાજુ હીરો. એકબીજાની સામે હસતા, હીરો ચાલતો, હિરોઈન નાચતી અને બેકગ્રાઊન્ડમાં ગીત વાગે છે – “ઉર્વશી ઉર્વીશ…” જે સતત પચાસ સેકન્ડ ઉપર વાગતું રહે છે. જ્યારે બંને ઘરે પહોંચે છે ત્યારે પણ ટી.વીમાં એ જ ગીત વાગતું હોય છે. પ્રભુદેવા પેલી બસની ઉપર બિરાજમાન!

ઉર્વશી ઉર્વશી નામનું ગીત તો કોને યાદ ન હોય? એ ગીતનો ઉઘાડ જુઓ. એક બસ છે. હવે એની જ આજુબાજુની બીજી બસને જુઓ. આ બસ એ બીજી બધી બસ કરતાં શા માટે અલગ છે? આર્ટ દિગ્દર્શક થોટ્ટા થરાનીના કારણે. એ શ્રીમાને ફિલ્મના આ ગીતને ચકચકીત બનાવવા માટે ખાસ કાચની બસ બનાવડાવેલી હતી. પણ બિચારી એ બસના ભાગ્ય ઉજળા નહોતા. એ જ ફિલ્મની એક સિકવન્સમાં એક્શન દૃશ્ય ફિલ્માવવાનું હતું. એ એક્શન દૃશ્યની ભજવણીમાં આ બસનો બ્લાસ્ટ કરવામાં આવ્યો.

[3] કામિની મથાઈએ રહેમાનના જીવન અને સંગીતને લઈ એ.આર.રહેમાન સંગીત કા જાદુગર નામે બુક લખી છે. એમાં એક કિસ્સો છે. ફિલ્મ કાદલનનું પાર્શ્વ સંગીત તૈયાર થઈ રહ્યું છે. લગભગ તૈયાર જ થઈ ગયું હતું. એવામાં રહેમાને રેકોર્ડિંગ એન્જિનિયર એચ.શ્રીધરનને બોલાવી સાઉન્ડ બરાબર કરવાનું કહ્યું. ભૂલભૂલમાં શ્રીધરથી એક બટન દબાઈ ગયું. એણે માથું પકડી લીધું અને રહેમાનના ગળામાંથી ચીસ નીકળી ગઈ. રહેમાનની બાજુમાં વાંસળીવાદક નવીન બેઠા હતા. એમને તો કાંઈ ખબર નહોતી. રહેમાન હતોત્સાહી થઈ ગયા હતા. ઊભા થયા અને પોતાના કક્ષમાં ચાલ્યા ગયા જ્યાં એ ઈશ્વરની પ્રાર્થના કરતાં રહે છે. નવીનને બાદમાં સમજાયું કે શ્રીધરે ભૂલથી ઈરેઝ બટન દબાવી દીધું હતું અને દિવસોની મહેનત પર પાણી ફરી ગયેલું. દસ મિનિટ પછી રહેમાન પાછા આવ્યા. એકદમ શાંત. એમણે કહ્યું, “ચાલો પહેલાથી શરુ કરીએ.” હવે તમે કાદલન ફિલ્મનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળો છો એ નવું છે. જે માત્ર ચાર દિવસમાં તૈયાર થયું હતું.

[4] 1993માં આવેલી જેન્ટલમેન ફિલ્મથી રહેમાન અને શંકરની, સંગીતકાર અને દિગ્દર્શકની જોડી બની. શંકરે રહેમાનના કાનમાં વાત નાખેલી કે મને એકદમ ચાર્ટબસ્ટર ગીતો જોઈએ છે. રહેમાને એ કરી બતાવ્યું. ફિલ્મના બધા ગીતો સુપરહીટ સાબિત થયા. વાર્તા પણ ચાલી ગઈ. ફિલ્મમાં સંજયલીલા ભણશાળીની માફક ભવ્યસેટનું નિર્માણ કરવામાં આવેલું હોવાથી લોકોની આંખો પણ આંઝી નાખી. હવે બીજી ફિલ્મ આવી કાદલન. એની વાર્તા ઠીકઠાક હતી. એ થીએટરમાં ચાલી એનાં ગીતો અને ડાન્સના કારણે. લોકોનું તો માનવું હતું કે એને ગીત માટે જ બનાવવામાં આવી છે બાકી ફિલ્મ તો ઢંગધડા વગરની છે. એ સાથે એક નવી જોડી બની. રહેમાન અને પ્રભુદેવા. સંગીતકાર અને કોરિયોગ્રાફર.

[5] રહેમાન સ્વતંત્ર સંગીતકાર બનતા પૂર્વે જિંગલ બનાવવાનું કામ કરતા હતા. ગુજરાતીમાં એને જનકાર કહી શકાય. પોતાના સંગીતમાં પણ તેઓ જિંગલને વળગીને રહ્યા. સુરેશ કૈલાશ જિંગલની વ્યાખ્યા આપતા કહે છે કે, “કોઈ જિંગલને યાદગાર બનાવવા માટે તમારી પાસે માત્ર ત્રીસ સેકન્ડનો સમય હોય છે.” કોઈ સંગીતને કર્ણપ્રિય બનાવવા ઇચ્છો છો તો આરંભમાં એક હુક લાઇન હોવી આવશ્યક છે. હુક લાઇનથી ઓડિયન્સ આકર્ષિત થાય અને એ ગીતના પ્રવાહમાં તણાવા લાગે. રહેમાનના જ ગીત લો… જય હો, રિંગા-રિંગા, હમ્મા-હમ્મા, મુસ્તફા-મુસ્તફા, શાકાલાકા બેબી-શાકાલાકા બેબી, હવા-હવા… કાદલનમાં પણ તેમણે બે પ્રયોગ કરેલા. ઉર્વશી ઉર્વશી અને મુકાબલા-મુકાબલા. બંને સફળ નિવડ્યા.

urvashi urvashi song bus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments