HomeસિનેમાવાદWriter's odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક

Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક

Team Chbauk– Entertainment Desk: એક ટેક્નોક્રેટ છે. વૃદ્ધ છે. સમસ્યા એ છે કે એક તવંગર યુવાન જે નવલકથા લખી રહ્યો છે, એમાં એ એક પાત્ર વિષે જે જે લખે તે આ ભાઈના કિસ્સામાં સાચું પડતું જાય, કારણ કે આ ભાઈ પોતે એ પાત્રમાં વિલન તરીકે છે. વિલન હોય એટલે જીત હીરોની થવાની. હીરો જેમ નજીક પહોંચે એમ એની બીમારી આખા શરીરમાં ફરી વળે. એનાથી છૂટકારો કેવી રીતે મેળવવો? આ છે Writer’s odysseyની વાર્તા.

વાર્તા સમજતા પહેલા ઓડિસીનો સંક્ષિપ્ત અભ્યાસ કરી લઈએ. હોમરે લખેલું ઈલિયડ નામનું મહાકાવ્ય. એમાં ટ્રોયનું યુદ્ધ થાય. ટ્રોયનું યુદ્ધ પત્યા પછી ઓડિસી લખાઈ. જેમ ભારતની રામાયણ અને મહાભારત. ઓડિસીમાં છે એવું કે ઓડેસ નામના એક નાયકે ટ્રોયના યુદ્ધમાં ભાગ લીધો હતો. જંગ તો જીતી ગયા. બધું ખૂંવાર થઈ ગયું. હવે માતૃભૂમિની વાટ પકડવાની છે. વતન જતાં સમયે વચ્ચે જ્યાં જ્યાં તેને હેરાનગતિ વહોરવાની આવે છે, બીજા શબ્દોમાં સાહસ કરવાનું આવે છે એની વાર્તા એટલે ઓડિસી.

ફિલ્મમાં પણ સાહસ કરવાનું છે. વિલનને મારવાનો છે. એ માટે લાંબો પથ કાપવાનો હોય છે. આ ફેન્ટસી ફિલ્મને બે રીતે જોઈ શકીએ. એક કાગળના પાનાં પર ચાલતી પ્રક્રિયા અને બીજી વાસ્તવિક જિંદગીમાં ચાલતી પ્રક્રિયા. બેઉં સમાંતર ચાલે છે. જેમ સાહિત્યિક વાર્તાઓમાં થાય છે એવી રીતે ઘટનાનું સન્નિધિકરણ થઈ રહ્યું હોવાનું ન કહી શકાય? કારણ કે વાર્તામાં પાત્રો પણ એક સરખા છે. બેઉં ઘટના એકબીજાની સાથે સંલગ્ન છે. માત્ર બીજી વાર્તામાં કપોળકલ્પનાનો આશરો લેવામાં આવ્યો છે.

ચીન ફેન્ટસી ફિલ્મો ભારે બનાવે છે. જો ચીનની અઢળક ફિલ્મો જોઈ હશે તો ખ્યાલ હશે કે સતત એક ને એક ઘટનાને થોડી ઘુમાવીને ફરી કહે. એક પહાડ પર ચડવાનું અને દાનવને હરાવવાનો, એક શસ્ત્ર પ્રાપ્ત કરવાનું અને દૈત્યને મારવાનો, માણસજાતિને બચાવવા માટે એક રાક્ષસનો સંહાર કરવાનો… વધુમાં માર્શલ આર્ટ્સ, ઉડવું અને પ્રેરણા પામવી! ઈતિ સિદ્ધમ્…. એટલે જ કોરિયનો જેવી ફિલ્મો ચીનીઓ નથી બનાવી શકતા. હા, એનો એન્ગલી નામનો દિગ્દર્શક ગમે છે. હલ્ક, બ્રોકબેન માઉન્ટેન, કોચિન ટાઈગર્સ હિડન ડ્રેગન્સ અને લાઈફ ઓફ પાઈ.

Writer’s odyssey જો સંપૂર્ણપણે કાલ્પનિક વાર્તા પર ટેકો રાખ્યો હોત તો તેનું પણ આ બીજી બધી ફિલ્મોની માફક આવી બનવાનું હતું. પણ તેણે વાસ્તવિકતામાં કલ્પના અને કલ્પનામાં ફરી એક કલ્પના બતાવી. Shuang Xuetaoની નવલકથા પર આધારિત હોવાના કારણે ફિલ્મને થોડો અલગ વિષય મળ્યો. ફિલ્મનો મુખ્ય નાયક તો લેખક જ કહેવાય. જે શીર્ષકમાં પણ બીરાજે છે. એ લખે એવું બને.

જેવી રીતે તમે જીવરામ જોશીની અડુકિયો-દડુકિયો કે છેલ છબો વાંચતા હોઉં એવી જ ફિલ્મની બીજી વાર્તા છે. સદભાગ્યે આટલી અઘરી વાર્તામાં ત્રૂટી રહેવાની શક્યતા હોવા છતાં રહી નથી. બાળકી ખોવાઈ છે, ક્યાં શોધવી? એવા અજંપામાં ઘુમતો બાપ પોતાના મતિબળે પુત્રીમિલન કરી લે છે. એ દિગ્દર્શક Lu Yangએ દર્શકની તર્કશક્તિ પર છોડી દીધું છે.
તોય કેવી વિચિત્રતા? બાપ જેનું ખૂન કરવા આવ્યો છે એ લેખક જ પોતાની કલ્પનાશક્તિના બળે આખી વાર્તાને ઘુમાવી ફેરવી વાસ્તવિક દુનિયામાં કિશોરીને લાવીને રાખી દે. આ વાક્યો પર જ આખી પટકથા નભેલી છે.

Writer's odyssey

દિગ્દર્શકે ફિલ્મમાં એક દૃશ્ય મૂક્યું છે કે લેખક ઈંટો ગોઠવતો હોય અને એને ખ્યાલ નથી કે એની સાથે મિત્રતા કેળવી રહેલો વ્યક્તિ તેનું ખૂન કરવા અને પુત્રીને પાછી મેળવવા આવ્યો છે. ખૂની ઈંટ આપતો જાય અને લેખક ઈંટ ગોઠવતો જાય. આ દૃશ્ય એ તરફ ઈંગિત કરે છે કે આ બેઉં ભેગા થઈને જ કલ્પનામાં પેલા વિશાળકાય દૈત્યને હરાવી શકશે. કોઈ એક વ્યક્તિ આ કરી જ ન શકે એવું છે!

પાત્રોને વાસ્તવિક અને કાલ્પનિક બેઉંમાં સામર્થ્યવાન બતાવ્યા છે. હવે જુઓ, જે આપણે વાસ્તવિકમાં નથી એ બનવાની મહેચ્છા કલ્પનામાં સેવતા હોઈએ. પેલો લેખક તો સાવ દુબળો અને તોય જુઓ કલ્પનામાં તો કેવોય બતાવ્યો! એની જગ્યાએ પેલો ખૂની વાસ્તવિક જિંદગીમાં પણ નિશાનેબાજ અને કાલ્પનિક જિંદગીમાં પણ યૌદ્ધા. ખૂબ કંટાળો આવતો હોય તો સમય કાઢવા માટે જોઈ શકાય. બાકી ફિલ્મની વીએફએક્સ… એમાં વિલન રેડમેનની એન્ટ્રી જ જુઓ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments