Homeસિનેમાવાદબ્રહ્મયુગમનું ગેટઆઉટ - હેલહોલ - તુમ્બાડ – પોતાનાપણું

બ્રહ્મયુગમનું ગેટઆઉટ – હેલહોલ – તુમ્બાડ – પોતાનાપણું

Team Chabuk– Entertainment Desk : ‘ગેટ આઉટ’ ફિલ્મ જોનારાઓને ખ્યાલ હશે કે એમાં એક અશ્વેતની શ્વેત પ્રિયતમા તેને પોતાના ઘરે આમંત્રણ પાઠવે છે અને તેની સ્થિતિ કફોડી કરી મૂકી દે છે. હવે છટકવું કેવી રીતે? બ્રહ્મયુગમમાં પણ એવો જ એક કન્સેપ્ટ છે. જેને આમંત્રણ મળ્યું છે એ આરંભે પોતાને નીચલી જાતિનો કહી સંબોધે છે. “હું તો નીચી જાતિનો છું, હું તમારા ઘરમાં કેવી રીતે પ્રવેશું?” તોય સામેની વ્યક્તિને કોઈ છોછ નથી. એ તેને પોતાના અતિથિ તરીકે આમંત્રિત કરે છે.

ગેટ આઉટ ફિલ્મમાં પ્રતીક તરીકે હરણ રાખવામાં આવ્યું હતું. જે નાયકની મૃતક માતા તરીકે હોવાનું શંખ ફૂંકતું હતું. અહીં એક એવું પ્રતીક દિવાલ ઉપર ટાંગેલું છે. એ ભેંસનું માથું છે. બ્રહ્મયુગમાં ભેંસનું એ માથું માત્ર ભય ઉપજાવવા કાજે જ લટકાવીને રાખ્યું છે. એ ફિલ્મમાં કોઈ કોયડો ઉકેલવાનું દર્શકના મનમાં દબાણ નથી કરતું.

બ્રહ્મયુગમમાં ભોજનના દૃશ્યો છે. ઘરમાં પ્રવેશ જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાના હેતુથી જ થયો છે. થોડા દિવસ રોકાઉં અને ચાલ્યો જાઉં એવું અતિથીના મનમાં હોય છે પણ એ જઈ નથી શકતો. પોલિશ ફિલ્મ હેલહોલમાં પણ Piotr Żurawskiને ન ઇચ્છતો હોવા છતાં અણમાનીતું ભોજન કરાવવામાં આવે છે. બ્રહ્મયુગમના અંતમાં અતિથી કુડુમોન પોટ્ટીના રસોયાને કહે છે કે એવું ભોજન બનાવ કે એને તૃપ્તિ મળી જાય. એ ખાયને ઊંઘી જાય. એટલે એ માંસાહાર તૈયાર કરે છે. અહીં ભોજનના કેટલા બધા દૃશ્યો છે.

આપણી ફિલ્મ તુમ્બાડમાં એક લોકવાયકા હતી અને એની પટરી પર હોરરની ટ્રેન દોડતી હતી. અહીં પણ એક લોકવાયકા છે. હવે વધુ તુલનાત્મક સમીકરણો નથી કરવા. આ બે સિવાય તો છે પણ નહીં. કેરળની મલયાલી ફિલ્મોને લોકેશન બાબતે એક નફો મળે છે, જંગલ! ન ઇચ્છતા હોવા છતાં જંગલ આવી જ જાય. હવે એને ફાયદામાં ખપાવવું કે ગેરફાયદામાં. અત્યાર સુધી તો એ ફાયદામાં જ રહ્યું છે. મલયાલમ ભાષાની ફિલ્મોની કથાસરિતાને જોતાં આગળ પણ એ ફાયદામાં જ રહેશે. બ્રહ્મયુગમની પ્રકૃતિ અને પેલું ઘર બીવડાવવાનો પૂરતો પ્રયાસ કરે છે અને એમાં એ સફળ થાય છે.

brahmayugam

દિગ્દર્શક રાહુલ સદાશિવનના ખાતામાંથી અત્યાર સુધી હોરર ફિલ્મો જ નીકળી છે. ત્રણ ફિલ્મો રેડ રેઈન, ભૂતકાલમ અને બ્રહ્મયુગમ. જેમાં બ્રહ્મયુગમની જેટલી ચર્ચાં થઈ એટલી અગાઉની બે ફિલ્મોની નથી થઈ, કદાચ એનું કારણ ફિલ્મમાં મમ્મુટી જેવા કદાવર અભિનેતાની ઉપસ્થિતિ પણ હોઈ શકે. એમની બીજી ફિલ્મોની સાપેક્ષે અત્યારે તો વાત બ્રહ્મયુગમની જ છેડીએ.

આ ફિલ્મ પણ કેરળની કેટલીક ફિલ્મોની માફક અધૂરું ભોજન છોડતી જાય છે. અલબત એ અધુરું ભોજન કોઈએ તો કર્યું જ હશે. આપણને ખ્યાલ નથી કે પંગતમાં ત્યાં કોણ બેઠું હતું. ફિલ્મમાં એક માત્ર હીરોઈન વાસનાના પ્રતીક તરીકે આવે છે. એ માત્ર બે દૃશ્યમાં છે. અત્યાર સુધી ભેજું દોડાવતા એવું લાગે છે કે તેનું કામ જંગલમાં ભટકેલા મનુષ્યોને આ ઘરની દિશામાં મોકલવાનું હશે. એ આરંભે આવે અને મધ્યાંતરમાં આવે, બાદમાં કથામાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી. એને લેખક – દિગ્દર્શક યક્ષીણી કહી સંબોધે છે. ફિલ્મમાં તો ક્યાંય આ વાતનો ઉલ્લેખ સુધ્ધાં આવતો નથી. ભારતના દક્ષિણ પ્રાંતમાં યક્ષિણી એટલે હત્યારી સ્ત્રી. પ્રતિશોધની સ્ત્રી. હોરરમાં વાસના તો હોવી જ જોઈએ એમ લાલચ પણ હોવી જોઈએ. આધુનિક ભારતીય હોરર ફિલ્મોમાં આ બે વિષયવસ્તુમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તુમ્બાડમાં લાલચ હતી એમ બ્રહ્મયુગમમાં પણ લાલચ છે.

પેલા ભૂતને તો વશમાં કરી ગયા બાદ એની પાસે જે કરાવવું હોય તે કરાવી શકોની લોકગાથાએ લાલચ નામના રાક્ષસને જન્મ આપ્યો. અંતમા લાલચનું વિષયવસ્તુ ફળીભૂત થાય છે. આ ગેટઆઉટની માફક જ જાતિવાદની વાર્તા છે. એકનું નીચલી જાતિનું હોવું અને બીજાનું બ્રાહ્મણ હોવું. પેલો સંવાદ : “જાતિથી નહીં કર્મથી બ્રાહ્મણ બનીએ.” આવા કેટલાય સંવાદો ફિલ્મના સંવાદ લેખક ટી.ડી.રામાક્રિષ્નાએ લખ્યા છે.

આ ફિલ્મ ગમી જાય છે, કારણ કે તેનું દિગ્દર્શન અને રંગકલા આપણે આજકાલ જોઈએ એ ભાતની ફિલ્મોની જેમ નથી. આ ફિલ્મનું 52 દિવસ શૂટિંગ ચાલ્યું. ફિલ્મનું એક એક દૃશ્ય પૂર્વાયોજીત હતું. ફિલ્મમાં રસોડું બતાવે છે એ અલગ લોકેશન છે, મકાન અલગ લોકેશન છે, એ રીતે ક્લાઇમેક્સમાં મકાન પર પડતું ઝાડ અલગ લોકેશન છે, દારૂનું ખાનું બતાવવામાં આવે છે એ જગ્યા પણ અલગ છે. સિનેમેટોગ્રાફર સહેનાદનું કહેવું છે કે, “લાઇટિંગે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને પડકારજનક પણ રહ્યું છે.”

ફિલ્મમાં પાંચ કલાકારો છે. જેમાંથી એક કલાકારનું કામ માત્ર દોઢેક મિનિટનું હશે. ત્યાંથી માત્ર ત્રણ પાત્રો પૂરતી ફિલ્મ બની છે. ક્લાઇમેક્સમાં કેટલાક વિદેશી કલાકારો સમ ખાવા પૂરતા આવે છે. અહીં પ્રથમ પ્રશસ્તિ – નો ડાઉટ ખેંચી જાય છે, શ્રી મમ્મુટી. મમ્મુટીની સામે થેવન બનતા અર્જુન અશોકને કામ સારું કર્યું છે, પણ આપણી સોશિયલ મીડિયાય માનસિકતા એવી કે કોઈ મોટી પ્રતિભા સામે નાનો કલાકાર કામ કરે એટલે એને ખોબો ભરીને પ્રશસ્તિ આપી દઈએ. શક્ય છે કે એ નાના કલાકારમાં આપણને આપણી ક્યાંય, અંગત જીવનની દબાયેલી છબિ દેખાતી હોય!? જશ તો આખો મમ્મુટી, તેનો વિશાળકાય ચહેરો, તેના દાંત, તેનું સ્મિત, તેની ચીકન ખાવાની સ્ટાઇલ, તેની જોવાની રીત, તેની ગંભીર બની જવાની રીત, તેની ગળું દાબવાની રીત…. જેટલું ઓબ્ઝર્વ કરો મમ્મુટીના ચહેરામાં એટલા સ્તરો નીકળતા જશે. બાકીના બે અભિનેતાઓ, અશોક સાથે સિદ્ધાર્થ ભારથન કથામાં અને મમ્મુટી સાથે વહેવાનું કામ કરે છે.

દરેક ફિલ્મની પાસે પોતાનું એક અલાયદું દૃશ્ય હોય. જે કાયમ માટે સ્મૃતિમાં જગ્યા બનાવી લે. બ્રહ્મયુગમે એવા અઢળક દૃશ્યો કંડાર્યાં હોવા છતાં ચોપાટ રમવાનું દૃશ્ય ફિલ્મકલાનું અદભુત સાયુજ્ય દર્શાવે છે. કલાકારોના ચહેરા પર હાવભાવ સિવાય આપણને કંઈ દેખાતું નથી. જોકે ત્યાં છાયાકળા પણ જોવા જેવી ખરી. એવું જ બીજું દૃશ્ય મમ્મુટીના પ્રવેશનું છે. જ્યારે દૃશ્યની એક એક જગ્યામાં – ખૂણે ખાંચરે – મમ્મુટી સિવાય કોઈ નથી.

બ્રહ્મયુગમને એક અલગ પ્રકારની ફિલ્મ કહી શકાય. નહીં તો હોરર એટલે, એક ઘર છે, એ ઘરમાં નવો પરિવાર રહેવા આવ્યો છે, એક કલાક સુધી ભૂત પરેશાન કરે છે, ક્યાંકથી ભૂત ભગાડનારને બોલાવી આવવામાં આવે છે, ભૂત શાથી થાય એનો ભૂતકાળ દર્શાવે છે? ભૂત એનો પ્રતિશોધ પૂર્ણ કરે છે અથવા તો પેલી વ્યક્તિ ભૂતને ભગાડી દે છે. ખાધું, પીધું અને રાજ કીધું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments