જેમ મહાભારત ઉત્તર દિશાની કથા છે, તેમ રામાયણ દક્ષિણ તરફ લઈ જતી કથા છે. અયોધ્યાથી શ્રીલંકા તરફ. વચ્ચે દક્ષિણ કર્ણાટકમાં હમ્પી નામનું એક સ્થળ આવે છે. જ્યાં કિષ્કિંધાકાંડ રચાયો હતો. વાનરરાજ બાલી અને હનુમાનનું ઘર. જ્યાંથી સીતા માતાને છોડાવવા માટે સૈન્ય તૈયાર કરવામાં આવ્યું હતું. મહાભારતમાં પણ ઉલ્લેખ આવે છે કે આ સ્થળ પર પાંડવોના ભાઈ સહદેવે પગ મૂક્યો હતો. વાત રામાયણ અને મહાભારતની નથી કરવાની, પણ ભારતનાં સૌથી ગાઢ જંગલ પૈકીના એક એવા દક્ષિણ કર્ણાટકના જંગલની કરવાની છે.

ભારતના જંગલ હંમેશાંથી તેના સૌથી લોકપ્રિય જાનવરના કારણે સફળતાના શિખરો સર કરે છે. વાત ગિરના જંગલની હોય તો તે એશિયાઈ સિંહોના વસવાટ માટેનું એકમાત્ર સ્થળ છે. પ્રવાસે ગયેલા છોકરાઓ એમ કહે, ‘અમે સિંહ જોવા ગયેલા….’ પછી ભલે ત્યાં મોર અને વાંદરાઓની સંખ્યા વધારે રહી. ભલે ત્યાં દિપડા એટલા બધા હોય કે એક નવું દિપડા માટેનું અભ્યારણ સ્થપાય જાય ! એવી જ રીતે દક્ષિણથી લઈને મધ્યપ્રદેશ અને રાજસ્થાન વાઘ માટે પ્રચલિત છે. કર્ણાટકના દક્ષિણ ભાગમાં 400 વાઘ છે. આમ છતાં તે વાઘ માટે ઓળખાતું નથી. સરકાર પણ વાઘ સિવાય અહીં શું શું છે તેનો જ ઢંઢેરો પીટે છે. દક્ષિણ કર્ણાટકનું જંગલ હાથીઓના કારણે પણ ઓળખાય છે. રીંછ પણ છે, અને હજ્જારોની સંખ્યામાં મોર સાથે કિંગ કોબ્રા અને સ્પેક્ટેકલ કોબ્રાના રહેવાનું અગોચર સ્થળ છે. સાચા અર્થમાં ગાઢ જંગલની ઉપમાને સાર્થક કરતું કર્ણાટકનું જંગલ એ રીતે પણ ખાસ છે કે જંગલના જ બીજા છેડે 280 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે.

India’s Wild Karnatakaની ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવેલો આ દરિયા કિનારો આબેહુબ એવો લાગશે જેવો Life Of Piના ક્લાઈમેક્સમાં પાઈ પટેલને રિચાર્ડ પાર્કર છોડીને જતો હોય. વાઈલ્ડ લાઈફ ડોક્યુમેન્ટ્રીમાં હિટ ફ્લોપ જેવું કશું હોતું નથી. તેને તૈયાર કરવામાં પાંચથી છ વર્ષનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. India’s Wild Karnatakaનું 400 કલાકનું શૂટિંગ થયેલું, જેમાંથી 52 મિનિટનું જ આપણને પીરસવામાં આવ્યું છે. 2000 કલાક સુધી તેની ટીમે ઉંધેમાથ કામ કર્યું છે.

નેશનલ જ્યોગ્રોફી અને ડિસ્કવરી ચેનલની ડોક્યુમેન્ટ્રી એક શોધ અને સંઘર્ષની કથાથી શરૂઆત થાય છે. એ શોધ અને સંઘર્ષનું નામ છે પાણી. દક્ષિણ કર્ણાટકના જંગલમાં મેકર્સે પાણી પહેલાની સ્થિતિ અને પાણી પછીની સ્થિતિ આમ બે ભાગ પાડ્યા છે. પહેલાની સ્થિતિનો વધારે હિસ્સો દેખાડ્યો છે, પાછળની સ્થિતિ તુરંત પૂર્ણ થાય છે. સફરમાં તમારી સાથે છે હિન્દીમાં કોમન મેનનો અવાજ એવા રાજ કુમાર રાવ. જેણે પોતાના અવાજને ડોક્યુમેન્ટ્રીની શરૂઆતમાં નેશનલ જ્યોગ્રોફી અને ડિસ્કવરીના વોઈસ ઓવર આર્ટિસ્ટની માફક ઢાળવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે, પણ બાદમાં તે પોતાની મૂળ લયમાં ફરે છે. તમિલ અને તેલુગુ જે તમે જોવાના નથી અને શોખ હોય, તો તેમાં પ્રકાશ રાજે વોઈસ ઓવર આપ્યો છે. કન્નડમાં રિષભ શેટ્ટી અને અંગ્રેજીમાં અવાજની દુનિયાના ભીષ્મ પિતામહ ડેવિડ એટનબ્રોઘ છે. સંગીતનો જેને ખૂબ શોખ હોય તેમણે એક વખત આંખથી અને બીજી વખત શાંતિથી આંખો બંધ કરી માત્ર ડોક્યુમેન્ટ્રીનું સંગીત સાંભળવું, કારણ કે ગ્રેમી એર્વોડ વિજેતા રિકે ક્રેએ આપ્યું છે.

આપણે બસ રૂડિયાર્ડ કિપ્લિંગની જંગલ બુકમાં વાંચ્યું અને કાર્ટુન જંગલ બુક (મોગલી) અને નવી આવેલી જંગલ બુક ફિલ્મમાં જોયું કે દુષ્કાળ આવે એટલે તમામ જાનવરો પાણીના નાના એવા ઝરણા પાસે એકઠા થાય અને નક્કી કરેલા કરાર મુજબ પાણીનો ઉપભોગ કરે. દક્ષિણ કર્ણાટકની ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ વેળાએ એવું એક દ્રશ્ય જ કેમેરામાં કેદ થઈ ગયું છે. જ્યાં તમામ જાનવરોની વચ્ચે એક વાઘ જ્યારે રિયલ શેર ખાન હોય અને મોગલીની શોધમાં આવ્યો હોય તેમ આટાફેરા મારી રહ્યો છે.

આ દ્રશ્ય માત્ર થોડી સેકન્ડ પૂરતો જ છે. દિગ્દર્શક અમોઘવર્ષા અને તેની ટીમે કોઈ એક જાનવર પર ધ્યાન કેન્દ્રિત નથી કર્યું. ત્યાં ફોક્સ કર્યા જેવા વાઘ છે. 400 વાઘ છે, આમ છતાં વાઘની જગ્યાએ એક નાના એવા ડ્રેકો લિઝર્ડને વધારે મહત્વ આપ્યું છે. કાંચિડા આકારની આ પ્રજાતિ 30 મીટર જેટલી હવામાં ઉડી શકે છે. અને જ્યાં જઈ ચોંટી જાય ત્યાં તેવો જ રંગ ધારણ કરી લે છે.

આત્મનિર્ભર બનવાની વાતો ખૂબ થઈ રહી છે. જાનવરો સાચા અર્થમાં આત્મનિર્ભર થતા હોય છે. અહીં ઉનાળામાં પણ આંખોને ટાઢક આપતી હમ્પીની પહાડીઓ છે, ત્યાં રીંછનું ઘર છે. એ માદા રીંછ પત્થરો ઉંચકી ઉંચકી ભોજનની શોધ કરે છે. તેના બે બચ્ચા પણ છે. ડોક્યુમેન્ટ્રી કહે છે કે, આ બંન્ને બાળરીંછને આત્મનિર્ભર બનવા માટે હજુ બે વર્ષનો સમય લાગશે.

આ જંગલ ઘણી જગ્યાએથી એમેઝોનના જંગલ જેવું લાગે છે. અહીં ઝેરી વૃક્ષો અને ઝેરના એક ટીપાથી જ યમના દ્રારે પહોંચાડી દેતા જાનવરોના ઢગલા છે. સ્પેક્ટેકલ કોબ્રા છે. જો તેનાથી બચી જશો તો કિંગ કોબ્રા છે. અને જો તેનાથી પણ બચી જશો તો મન લુભાવી દેતુ સ્ટ્રીક્નીન નામનું એક ફળ છે. આ ફળ ખાશો તો વાનર રાજની ભૂમિમાં જ મોક્ષ પ્રાપ્તિ થઈ જશે. ઈશ્વરે આ ફળ એક માત્ર માલાબાર પાઈનહોલ્સ બિલ્સ નામના પક્ષી માટે જ બનાવ્યું છે. જે ખાશે તો કંઈ નહીં થાશે.

અગાઉ જંગલ બુક જેવા સ્થળની વાત કરેલી, તેનું કર્ણાટકમાં નામ કબીની છે. કબીની નામની ત્યાંથી નદી વહે છે. એ નદી તમામ જાનવરો માટે આશાનું કિરણ છે. જો તેમાં પૂર આવે તો દક્ષિણ કર્ણાટકના અડધે અડધા જાનવરોને બખ્ખા થઈ જાય અને જો તેનું પાણી ઓસરી જાય, તો પક્ષીઓ આવી ટાપુ જેવા દેખાતા કંઈ કેટલાય સ્થળ પર ઈંડા મુકે. એક મહિનામાં જ ઈંડામાંથી બચ્ચા નીકળે અને વરસાદ આવવાનો હોય ત્યાં જ કુદરત તેમને ઉડતા પણ કરી દે.

દક્ષિણ કર્ણાટકના આ જંગલની ડોક્યુમેન્ટ્રીને જોતા એક વિચાર સપાટી પર આવે છે. જંગલમાં બસ ખાવા અને પ્રજનન કરવા સિવાય નરને કયુ કામ છે ? જ્યારે પાણી ઓસરી જાય છે અને ભોજનનો જથ્થો પર્યાપ્ત નથી આવા સમાચાર મળે છે ત્યારે તમામ હાથીઓને ઝૂંડની એક વયસ્ક માદા હાથીનો સહારો લેવો પડે છે, કારણ કે માદાને રસ્તો યાદ છે. નર કરતાં તેની યાદશક્તિ સારી છે. દક્ષિણ કર્ણાટકના જંગલમાં નર જાનવરો દેખાડો કરે છે. જંગલમાં ભારે વરસાદ પડે અને દેડકાની સિઝન આવે ત્યારે દેડકાને જમીનમાંથી બહાર નીકળી પ્રજનની ઈચ્છા જાગે. તે અવાજ કરી માદાને રિઝવવાના પ્રયત્નોમાં લાગી જાય, માદાને ઝરણાઓના શોરબકોર વચ્ચે નરનો અવાજ ન સંભળાય. પણ નર તો ગમે ત્યાંથી રસ્તો કાઢી લે… તે પોતાનો એક ટાંટીયો ઉંચો કરે અને માદાને પોતે અહીં છે તેવું સિગ્નલ આપે.

માદા કિંગ કોબ્રા ઈંડા મુકવા માટે સુકા પાંદડાઓનું ઘર બનાવે છે. ઈંડા મુક્યા બાદ તે એક મહિના સુધી કોઈ પણ પ્રકારનું ભોજન નથી કરતી. તેની પ્રાથમિકતા તેના બચ્ચા જ હોય છે. કોબ્રાનું પેટ એક અંધારીયો કુવો છે. એ ગમે તેટલું ખાશે તેને તુરંત ફરી ફરી ભૂખ લાગશે. છતાં પણ માદા કિંગ કોબ્રા પોતાના ઈંડા માટે એક મહિના સુધી ભોજનનો ત્યાગ કરે છે. જ્યારે બચ્ચા બહાર આવવાના હોય છે ત્યારે કોબ્રા ગમે તેમ કરીને ત્યાંથી ભાગી છૂટે છે. જો તે ત્યાં રહેશે અને બચ્ચા નીકળશે તો તેની એક મહિના જેટલી લાંબી ભૂખને ઉદ્દીપન મળશે અને બચ્ચાનો ખાત્મો બોલાવી દેશે.

India’s Wild Karnatakaમાં એક દ્રશ્ય છે. ત્યાનાં જંગલી કૂતરાને ઢોલ કહે છે. એ સાબરનો શિકાર કરવા માટે આવે છે. તળાવમાં નર સાબર માદા સાબર અને તેનું બચ્ચુ છે. સાબર માતા અને પિતાની સાઈઝ જોતા તેને તો પકડવા અસંભવ છે, પણ બચ્ચુ હાથમાં આવી જાય તો કામ બની શકે. આવા કપરા કાળમાં પણ માદા ચારથી પાંચ ઢોલ સામે લડે છે અને પછી શું થાય છે આ માટે ડોક્યુમેન્ટ્રી જોઈ લેવી.

મોર પ્રજનન કરવા માટે ઢેલની સામે પોતાના સોંદર્યનું પ્રદર્શન કરે છે. ઢેલ આ હેન્ડસમ ઋત્વિક રોશનનું શરીર સૌષ્ઠવ જોઈને પણ માનતી નથી. આથી મોર સૂરજની સામે આવે છે. પાછળથી સૂર્ય દેવતાનો પ્રકાશ કળા કરેલા તેના પીંછા પર પડે છે અને તે રૂપાળો લાગે છે. સાવ નર્યો દેખાડો… કહેવત છે ને મોર જ્યારે કળા કરતો હોય ત્યારે પાછળથી નાગો જ લાગે. દક્ષિણ કર્ણાટકના સમગ્ર જંગલમાં મોટાભાગના જાનવરોમાં માદાઓ સર્વોત્તમ છે, બસ નર દેખાડો કરવાના કામ કરી રહ્યાં છે. કોઈએ સાચું કહ્યું છે. પુરૂષ-પુરૂષ હોય છે. એ સુંદર સ્ત્રીને જોઈ પોતાની 45ની કમરને 35ની કરી નાખવાની અપ્રતિમ ક્ષમતા ધરાવે છે. સીન સપાટા એ નરના લોહીમાં ભર્યા છે.
(તમામ તસવીરો Wild Karnatakaના Facebook પેજ પરથી)