Homeગામનાં ચોરેકોરોનાની વેક્સિન ક્યારે મળશે તેની તારીખ આવી ગઈ છે ચાબુક

કોરોનાની વેક્સિન ક્યારે મળશે તેની તારીખ આવી ગઈ છે ચાબુક

‘ચાબુક બેટા ફોન લગાડતો..’

‘એ આ લગાડ્યો ગોવા બાપા…’

‘શું વાગ્યું ?’

‘રૂપાણી સાહેબ….’

તો આજનો મુદ્દો આ જ છે. હમણાં હમણાં નોરતા ચાલે છે. એમાં ફોન કરો તો રૂપાણી સાહેબનો અવાજ આવે. કોંગ્રેસને લાગે છે કે રૂપાણી સાહેબના અવાજથી મતદારો પ્રભાવિત થશે અને આ માટે તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કે એ તો ભાજપના સ્ટાર પ્રચારક છે. એક તો કોંગ્રેસે ચાબુક ખતરનાક આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીની જાહેરાત થઈ પછી જ મુખ્યમંત્રીની ઓડિયો ટેપ શરૂ કરવામાં આવી. તો શું આ માટે ચૂંટણીપંચ પાસેથી મંજૂરી લીધી હતી? બે મુદ્દાઓ તો કોંગ્રેસે એ પણ આવરી લીધા છે કે કોલર ટ્યુનનો ખર્ચો કોણ ભોગવે છે ? એનો ખુલાસો કરવામાં આવે અને બીજું મોબાઈલ કંપની હારે MOU થયા છે કે નહીં.

‘રૂપાણી સાહેબ કંઈ બોલ્યા.’

‘હા જવાબ આપ્યો ને કોંગ્રેસને…’

‘શું?’

‘ગત્ત ચૂંટણીમાં આપ્યો હતો એ જ કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે.’

‘બીજું કંઈ બાપા?’

બીજું બેટા ચાબુક કે, ‘‘કોઈ મુદ્દા નથી. કોલર ટ્યૂન દ્રારા અમે કંઈ પ્રચાર કરતાં જ નથી. મારું નામ પણ નથી. નોરતામાં કોરોનાથી સાવચેત કરવામાં ખાલી મારો અવાજ છે.’’ આટલું બોલ્યા મુખ્યમંત્રી સાહેબ.

એ હાલો ડુંગળી ત્રીસની કિલો

નાફેડ એક ખાસ યોજના બનાવી રહ્યું છે. કહે છે કે, દસેક દિવસમાં જ ડુંગળીના ભાવમાં ઘટાડો આવી જશે. હવે નાફેડ 21 રૂપિયે કિલોના ભાવે રાજ્યોને ડુંગળી મોકલવાનું છે. એટલે આ 75 અને 77 ક્યાંક ભાવ છે ને ? એ તોતિંગ ભાવમાં ઘટાડો આવી જશે. એવા પણ સમાચાર સાંભળ્યા છે કે, રાજસ્થાનથી ડુંગળીની આયાત કરવાની પણ શક્યતા છે.

જૂનાગઢમાં રોપ-વે ચાલુ

હવે બેટા ચાબુક ગિરનારમાં રોપ વે બની ગયો. આખરે જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ થઈ ગયું. તને કદાચ ખ્યાલ નહીં હોય પણ ભવનાથની તળેટીએ રોપ-વે બાજુ જાવને તો હવે તદ્દન એરપોર્ટ જેવો નજારો જોવા મળે. ચોખ્ખુ ચોખ્ખુ સંધુય. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગિરનાર રોપ વેનું ઉદ્ધાટન કર્યું. પછી રોપ-વેમાં બેસી આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને એમના પત્ની અંજલીજી અંબાજી પહોંચ્યા. ન્યાં એમણે અંબાજી માતાની આરતી ઉતારી. તો આજનો પ્રસંગ કાંઈક આવો ર્યો. પણ હવે સામાન્ય માણસને સ્પર્શે એવી વાતો કરીએ એટલે મજા આવે, કારણ કે હવે રોપ-વેમાં બેસવાની મજા તો આપણે જ કરવાની છે ને?

તો જો ચાબુક શું શું છે ?

  • આઠ મિનિટમાં ભવનાથની તળેટીથી અંબાજી સુધી પહોંચી જશો.
  • એક કલાકમાં 800-1000 લોકોની અવરજવર થશે
  • જૂનાગઢમાં હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે
  • 900 મીટરની ઉંચાઈ અને કુલ 2320 મીટરની લંબાઈ
  • એશિયાનો સૌથી મોટો રોપ વે પ્રોજેક્ટ છે.
  • 1983માં આ પ્રોજેક્ટ સુચિત થયો હતો પણ કામગીરી આગળ ન થઈ શકી
  • 2002માં કામ ફરી શરુ કરવામાં આવ્યું
  • 2007માં નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ખાતમુહર્ત થયું.
  • એક વખત જવાના 400 રૂપિયા
  • આવક અને જાવક બંનેના 700 રૂપિયા
  • નાનું છોકરું હોય તો 350 રૂપિયા
  • અને પછી ચાબુક તું ગમે તે વેબસાઈટ ખોલી લઈશ તને માહિતી મળી જશે. મારે તો ખાલી આટલું જ કહેવાનું હતું.

બેરોજગારો જીતવી દેશે ?

ભાજપે જેમ ચૂંટણી જીતી જાય તો પ્રથમ વેક્સિન બિહારને, એવો લાભ ખાટી લેતો ઢંઢેરો જાહેર કર્યો. તે હવે તેજસ્વીભાઈ યાદવે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બિહારમાં બેરોજગાર યુવાનો માટે 10 લાખ નોકરી આપવાનું એમણે વચન આપ્યું છે. જો એમની સરકાર આવશે તો બેરોજગારોને 1500 રૂપિયા ભથ્થુ પણ મળશે. બિહારની તલાટીથી લઈને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ફોર્મ ભરવાની ફી લેવામાં નહીં આવે. ખેડૂતોનું દેવુ માફ કરી દેવામાં આવશે. કોઈને જો નવો ઉદ્યોગ સ્થાપવો હોય તો ટેક્સ પણ નહીં ભરવાનો. એમાંય રાજ્યની 22 ટકા GDPનો ભાગ હવે શિક્ષણ ઉપર ખર્ચ થશે. વૃદ્ધો અને ગરીબોનું પેન્શન 400થી વધારી એક હજાર કરવામાં આવશે. અને જો કોઈને કિડનીની બીમારી હશે તો મફત સારવાર. બોલ ચાબુક શું કહેવું છે ?

કમલનાથ અને ઈમરતી દેવીનું ઢીશૂમ ઢીશૂમ યથાવત્ત

હે ચાબુક તને ખ્યાલ છે મધ્યપ્રદેશમાં કમલનાથે ઈમરતી દેવીને આઈટમ કહ્યા હતા અને હોળી સળગી ઉઠી હતી.

‘હા ગોવા બાપા.’

તો હવે એમાં ઈમરતી દેવીએ કૂદાવ્યું છે. એમણે કમલનાથને લુચ્ચા અને શરાબી કહ્યા છે. જેથી મધ્યપ્રદેશની રાજનીતિમાં ભડકો થયો છે. ડબરા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ઈમરતી દેવી આ પહેલા પણ કહી ચૂક્યા છે કે હું કમલનાથને ભાઈની જેમ માનતી હતી, પણ તેઓ તો કલંકનાથ નીકળ્યા. કલંકનાથથી આગળ નીકળતા આ વેણ હવે શરાબી અને લુચ્ચા સુધી ચાલ્યા ગયા છે. મને લાગે છે ચાબુક, મધ્યપ્રદેશમાં ઝડપથી ચૂંટણી આવી જાય તો સારું, કારણ કે સૌથી ખતરનાક અને વિવાદિત નિવેદનોના ગોળા ત્યાંથી જ આવી રહ્યાં છે.

કોરોનાની વેક્સિન

જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ કોરોના વેક્સિનની તારીખ આવી ગઈ છે. હવે ચાબુક વેક્સિન તો આવતા વર્ષે જ આવશે એવું લાગી રહ્યું છે. ભારતમાં બાયોટેક જૂન મહિનામાં કોરોનાની વેક્સિન લોન્ચ કરશે. આ માટે 14-20 હજાર લોકો પર પરીક્ષણ પણ કરવામાં આવશે. એમને વેક્સિનના ત્રીજા પરીક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

છેલ્લે છેલ્લે

અને છેલ્લે તો ચાબુક મુખ્યમંત્રી રૂપાણી સાહેબના મંત્રી મંડળનું વિસ્તરણ થશે એવી માહિતી મળી રહી છે, પણ એ વાત ક્યાં આપણે ખોટે ખોટી કરવી. આપણે તો જ્યારે સમાચાર આવે ત્યારે જ નમસ્કાર કરવાના. ખોટે ખોટા સૂર્યનમસ્કાર થોડા કરાય. તે હાલો મળીએ કાલ સાંજના ટાણે.

(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હળવાફુલ લેખ વાંચવા જોડાયેલા રહો ચાબુક સાથે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments