Homeવિશેષમળો સિંધુતાઇ સપકલને જેઓ 1200થી વધુ બાળકોની મા અને 1050થી વધુ બાળકોની...

મળો સિંધુતાઇ સપકલને જેઓ 1200થી વધુ બાળકોની મા અને 1050થી વધુ બાળકોની દાદી છે

મહારાષ્ટ્રથી અશોક સરિયા: ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે અને તેમાં પણ બાળકોનું પ્રમાણ નોંધપાત્ર છે. તેમાંના ઘણા બાળકો એવા છે કે જે અનાથ છે અથવા તો તેના મા-બાપ દ્વારા ત્યજી દેવાયા છે સાથે સાથે સમાજમાં પણ તેનો અસ્વિકાર થઇ રહ્યો છે. અને આથી તેઓ ગરીબીમાં પોતાનું જીવન વ્યતિત કરવા મજબૂર બનીને કંઇ કેટલીય તકલીફો સહન કરીને પોતાનું જીવન વિતાવતા હોય છે.

સ્માર્ટફોન, ટેબલેટ્સ અને વિવિધ ટેક્નોલોજીકલ ગેઝેટ્સના આ આધુનિક યુગમાં એક વસ્તુ બચી ગઇ હોય તો તે માતાનો અપ્રતિમ પ્રેમ છે. આપણામાંથી મોટાભાગના લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે તેનું મહત્વ કેટલું છે. એનાં મહત્વને તો સુપેરે એ જ જાણી શકે છે કે જેને માતાના પ્રેમની હુંફ ક્યારેય સાંપડી ન હોય. જ્યારે આપણે ક્યાંય કોઇ અનાથ બાળકને જોઇએ છીએ કે તેના વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ ? તેના વિશે થોડી મિનિટો દુઃખની લાગણી અનુભવીએ છીએ, તેના સારા જીવન માટે પ્રાર્થના કરીએ છીએ અને તેને મદદ કરવાની વાતને આપણે પોસ્ટપોન્ડ કરીએ છીએ. કારણ કે આપણે તેને લાંબા સમય સુધીનો લાભ થઇ શકે એવું કંઇ પણ કરી શકતા નથી. ત્યારે આપણે સિંધુતાઇ સપકલ વિશે જાણવાનું વધુ મહત્વનુ  બની રહેશે. જે 1200થી વધુ બાળકોની મા છે અને 1050થી વધુ બાળકોની દાદી છે. જો આ સંખ્યા તમને અચંબીત કરતી હોય તો આ કહાની વાંચીને તમારાં શ્વાસ થંભી જશે.

સિંધુતાઇ સપકલનો જન્મ 1948માં મહારાષ્ટ્રના વર્ધા જીલ્લાના પીંપરી મેઘે ગામમાં પશુપાલન સાથે સંકળાયેલા એક કુંટુંબમાં થયો હતો. તેઓ એક વણજોઇતું બાળક હતું જેને ‘ચીન્ધી’(કપડાનો તૂટેલો લીરો – ગાભો) નામ આપવામાં આવ્યું હતું. જે તેમને ક્યારેય ગમતું ન હતું. તેમને એક છોકરી હોવાને લીધે શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી બાબતોમાં બહુ બધી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડ્યો. તેમના પીતાનું નામ અભીમનજી સાઠે, તેઓ તેને ભણાવવા માગતા હતા પરંતુ તેની માતાને તેના શિક્ષણમાં કોઇ રસ હતો નહીં એટલે તેનો વિરોધ કરતા. આથી તેઓ માત્ર 4 ધોરણ સુધીનો જ અભ્યાસ કરી શક્યા. અને ત્યાર બાદ માત્ર 10 વર્ષની નવજાત ઉંમરે તેના 30 વર્ષના એક વ્યક્તિ સાથે લગ્ન કરી દેવામાં આવ્યા.

આવી કેટલીય અગવડતાઓ છતાં પણ સિંધુતાઇ તેના વર્તમાનમાં પિસાતા રહ્યા પરંતુ મનમાં એક એવી અખંડ આશા હતી કે ભવિષ્યમાં જરૂરથી કંઇક સારું થશે. લગ્ન પછી તેઓ વર્ધા જીલ્લાના જ નવરગાંવમાં ગયાં. જેમ મીણબત્તી પોતે સળગીને બીજાને પ્રકાશ આપે છે તેમ સિંધુતાઇનો સ્વભાવ પણ હંમેશાં અન્યને મદદરૂપ થવાનો રહ્યો છે. પોતે ઘણી તકલીફોમાં જીવ્યા છે એટલે લોકોની તકલીફ તેઓ સારી રીતે જાણતા હતા. સિંધુતાઇના પતિ અને ગામના લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. અને સ્ત્રીઓ આ પશુઓના છાણને રસ્તામાંથી ઉપાડવાનું કામ કરતી હતી.

વર્ષ 1972માં વર્ધામાં શ્રી રંગનાથન કલેક્ટર હતા. તેમની સામે સિંધુતાઇએ રજુઆત કરી કે તમે રસ્તાઓને સાફ રાખવા માટે મજુરોને મહેનતાણું આપો છો. અમે અહીં પશુઓના છાણ વીણીને રસ્તાઓ સાફ રાખવાનું કામ કરીએ છીએ તો અમને પણ તેની મજુરી આપો. શરૂઆતમાં આ વાતને ધ્યાને ન લેવાઇ પરંતુ સિંધુતાઇએ ન્યાય માટે લડત કરી અને આખરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વિસ્તારની છાણ ઉપાડવાનું કામ કરતી મહિલાઓને મહેનતાણું આપવાનું શરૂ કરવામાં આવ્યું. જેનાથી ગામની મહિલાઓને સહારો મળ્યો. આ વખતે સિંધુતાઇ સગર્ભા હતા.

મહિલાઓને મહેનતાણાની વાત ગામના અમુક લોકોને ન ગમી. સિંધુતાઇના આ પ્રયત્નથી આ વિસ્તારની ઘણી મહિલાઓને લાભ થયો પરંતુ આનાથી કોઇકને તો ગેરલાભ થયાની ગ્લાની થઇ હશે એટલે એક ટીખળખોર વ્યક્તિએ ગામમાં એવી અફવા ફેલાવી અને સિંધુતાઇના પતિને કહ્યું કે એના પેટમાં જે બાળક ઉછરી રહ્યું છે તે મારું છે! આ વાતથી છંછેડાઇને તેના પતિએ તેનો બહિષ્કાર કર્યો. એટલું જ નહીં તેને માર માર્યો અને મરવા માટે પશુઓના તબેલામાં ઢસડીને મુકી દીધી. તેને એમ કે તે મરી ગઇ છે પરંતુ તેને પશુઓએ મારી છે એવું દેખાય આવે એટલે પશુઓને છૂટા કરી મુક્યા, જેથી અકસ્માતે મૃત્યુ થયું હોય એવું લાગે. આ દરમિયાન સિંધુતાઇ બેહોશ બની ગયા હતા. બેહોશીમાં જ તેમણે એક બાળકીને જન્મ આપ્યો. ગાયો તેની આસપાસ દોડી રહી હતીં. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. એક ગાય અહીં સિંધુતાઇ પાસે ઉભી રહીને અન્ય ગાયોને અહીંથી દૂર ભગાડી રહી હતી અને સિંધુતાઇનું રક્ષણ કરી રહી હતી. ભાંભરીને સિંધુતાઇને જગાડવાનો પ્રયત્ન કરી રહી હતી.

સિંધુતાઇ જાગ્યા ત્યારે તેને ખ્યાલ આવ્યો અને આ બાળકની નાળ તેમણે પથ્થર દ્વારા કાપી. નાળ કાપવા માટે તેમને પથ્થરના 16 જેટલા ઘાવ કરવા પડ્યા. ખૂબ દર્દ સાથે તેમણે આ કાર્ય કર્યું. ગાયને મા બનીને તેની રક્ષા કરી એટલે સિંધુતાઇએ તેને ભેટીને ખૂબ રડ્યા અને તેને જિંદગીભર અના જેવી જ પ્રેમાળ મા બની રહેવાનું વચન આપી દીધુ. તરછોડાયેલી આ મહિલાએ તેના પિયરમાં આશરા માટે ગઇ પરંતુ ત્યાંથી પણ તેને જાકારો મળ્યો. આખરે તેમણે આત્મહત્યા કરવાનું વિચાર્યું અને ટ્રેનના પાટા ઉપર જઇને બેસી ગયા. પરંતુ ખોળામાં રહેલ બાળક સામે જોતા તેનો જીવ ન ચાલ્યો અને તેણે કુદરત જે પરિસ્થિતિમાં જીવાડે એ પરિસ્થિતિમાં જીવન જીવવાનો સંકલ્પ કર્યો.

હવે ભૂખ પણ ખૂબ લાગી હતી. એટલે તેઓ નજીકના સ્મશાનમાં લોકો અંતિમ સંસ્કાર કરીને તેના માટે જે પીંડ મૂકે તેને સળગતી ચિત્તાની અગ્નીમાં શેકીને પોતાનું પેટ ભર્યું. ત્યાર બાદ સ્ટેશન ઉપર અન્ય ભીખારીઓને ભીખ માંગતા જોઇ તે પણ તેમની સાથે બેસી ગયા અને જે મળ્યું તેમાંથી પણ સાથે બેસેલા ભીખારીઓ સાથે મળીને પેટનો ખાડો પૂરવા માટે તેમણે સંઘર્ષ કરવો પડ્યો. ત્યારબાદ તેમણે શેરીઓમાં અને ટ્રેનમાં ગીતો ગાઇને લોકોનું મનોરંજન કરીને ભોજન મેળવવા માટે પ્રયત્નો કર્યા.

દરમિયાન તેમને અનુભવ થયો કે આવા તો કેટલાય અસહાય લોકો અને અનાથ બાળકો છે જે ગરીબી અને સામાજીક તિરસ્કારનો ભોગ બનેલા છે. એટલે તેમણે આવા લોકોને સાથે લઇને તેમના માટે પણ ભોજન પાણીની વ્યવસ્થા માટે પ્રયત્નો કરવાની શરૂઆત કરી.

લોકો પાસે જઇને તેમને ભાષણ આપીને રાશન એકત્ર કરવાની શરૂઆત કરી. તેઓ લોકોને કહેતા કે અનાથ બાળકો છે એ પણ તમારા બાળક જેવા જ છે. તો તમારાથી થઇ શકે એટલી મદદ આવા બાળકો માટે કરો. અને આ રીતે મહારાષ્ટ્રના ચીકલદરામાં સિંધુતાઇ દ્વારા ‘સન્મતી બાલ નિકેતન આશ્રમ’ની સ્થાપના થઇ અને હજારો અનાથ અને ત્યજાયેલા બાળકોને અહીં સહારો અને આશરો મળ્યો.

આજે આ આશ્રમમાં 1200 જેટલા અનાથ બાળકોને આશ્રય મળ્યો છે અને તેમની તમામ જરૂરિયાતોની પૂર્તી થઇ રહી છે એ માત્ર ને માત્ર સિંધુતાઇના પ્રયાસો અને હાર માન્યા વગર અને અણનમ આશા સાથે કરવામાં આવેલા પ્રયત્નોને જ આભારી છે. એટલું જ નહીં અહીં ઉછરેલા એવા બાળકો કે જેનું સર્વસ્વ સિંધુતાઇ છે એવા 250થી વધુ તેમના જમાઇઓ છે 50 જેટલી વહુઓ છે અને એમના પણ બાળકો છે એટલે અસહાય લોકોની મા અને દાદી તરીકે પણ સિંધુતાઇએ ખુબ પ્રેરણાદાયી કાર્ય કરીને પોતાના જીવનને સાર્થક કરી બતાવ્યું છે.

સિંધુતાઇએ અપનાવેલા અને દત્તક લીધેલા આવા કેટલાય બાળકો અહીં રહીને અભ્યાસ કરીને આજે સારી જગ્યાએ સેટલ થયા છે અને તેમની પણ સતત આશ્રમને મદદ મળતી રહે છે. અહીં રહેતા તમામ બાળકોમાં સિંધુતાઇએ માણસાઇના ગુણોનું સિંચન કર્યું છે. માણસાઇ તો એવી કે સિંધુતાઇને જે પતિએ જાકારો આપ્યો હતો, તેને ધુતકારીને કાઢી મુકી હતી એ જ પતિને તેમણે વર્ષો પછી તેની હાલત ખરાબ થતાં સહારો આપ્યો. તેના એ કૃત્ય બદલ તેને માફ કરી દીધા અને તેને પોતાની સાથે રહેવા માટે બોલાવી લીધા. પરંતુ શરત એ રાખી કે હવે હું માત્ર મા છું. તો અહીં અન્ય અનાથ બાળકોની જેમ જ તેમની સાથે રહો. હવે હું તમારી પત્ની નહીં પરંતુ ફક્ત મા છું. અને આમ સિંધુતાઇ મમતાની મુર્તિ, અનંત સ્નેહ અને દયાની દેવી સમાન બની ગયા છે.

સિંધુ તાઇને ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલક કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલા ચાર રાષ્ટ્રપતિ પુરસ્કાર, મધર ટેરેસા ઍવોર્ડ, નેશનલ એવોર્ડ ફોર આઇકોનિક મધર, અહમદિયા મુસ્લીમ પીસ પ્રાઇઝ એવોર્ડ, અહલ્યાબાઇ હોલકર એવોર્ડ, સહયાદ્રી હીરાકણી એવોર્ડ, રજાઇ એવોર્ડ, શીવલીલા મહીલા ગૌરવ એવોર્ડ સહીત 700 જેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે. તેમના જીવન ઉપર વર્ષ 2010માં અનંથ મહાદેવન દ્વારા દિગ્દર્શિત એક મરાઠી ફીલ્મ ‘મી સિંધુતાઇ સપકલ’ પણ બની છે. આજે 70 વર્ષની ઉંમરે પણ તેઓ સતત આવા તરછોડાયેલા અને અનાથ બાળકોની ચિંતા કરીને તેમના માટેની શિક્ષણ અને સવલતની તમામ વ્યવસ્થા બની રહે એવા સંઘર્ષભર્યા પ્રયત્નોમાં સતત કાર્યરત છે.

આવા ત્યજાયેલા બાળકોને સહારો આપીને સિંધુતાઇ આજે હજારો બાળકોની મા બની ચુક્યા છે. તેમને સરકાર દ્વારા ઘણા સન્માન મળ્યા છે પરંતુ કોઇ સહાય મળી નથી. આજે પણ તેઓને આશ્રમના બાળકોની ભૂખ સંતોષવા માટે અલગ અલગ જગ્યાઓએ જઇને લોકો પાસેથી સહકારની માગણી કરવી પડે છે. અને એ લોકોના સહકાર દ્વારા જ આશ્રમના બાળકોનું પેટ ભરાય છે. ઘણી વખત તો આગળના ટાણાનાં ભોજનની પણ અનિશ્ચતતા હોય છે છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જ તમામ પ્રયત્નો કરી રહ્યા છે. અને આ રીતે તેઓ મહારાષ્ટ્રમાં એક રીઅલ હીરો તરીકે ઉભરી આવ્યા છે. મહારાષ્ટ્રના કોઇ પણ વિસ્તારમાં કોઇ વ્યક્તિ સિંધુતાઇને ઓળખતું ન હોય એવું ન બને.

સિંધુતાઇએ તેના સન્મતિ બાલ નિકેતન સંસ્થાની સાથે સાથે અન્ય સામાજિક સંસ્થાઓ જેવીકે, વનવાસી ગોપાલકૃષ્ણ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટ ચીકલદરા, સપ્તસિંધુ મહીલાધર અની બાલસંગોપન ટીચીંગ ઇન્સ્ટીટ્યુટ હડપસર પણે, મમતા બાલ સદન કુભાર વાલન સાસવડ પુણે, અભીમાન બાલભવન વર્ધા, ગોપીકા ગાયરક્ષણ કેન્દ્ર નવરગાઉ, સાવિત્રીબાઇ ફૂલે ગર્લ્સ હાઇસ્કુલ ચીકલદરા વગેરે સાથે પણ સંકળાયેલા છે કે જે આવા અસહાય લોકોને સહારો પૂરો પાડતા હોય.

અંધેરા તો હર દીન આતા હૈ, મગર અપને અંદરકા દીયા જલાઓ,

અપના દિલ જલાઓ, તુમ્હારા ઉજાલા તુમ નિર્માણ કરો,

ઇતના ઉજાલા પૈદા કરો કી લોગ તુમ્હે ઢૂંઢતે આયે.

અંધેરા છા જાયે તો ધીરજ ધરો, રાત કે બાદ સવેરા આતા હૈ,

અંધેરે કો દૂર કરને કે લિએ પ્રકાશ આતા હી હૈ,

ઠોકર લગે તો ગીરકે ફીર ઉઠકે ચલના શીખો,

અપને લીયે તો ચલો સાથ હી ઔરો કે લીએ ભી કુંછ કરના શીખો,

જીવન મેં આગે બઠો, સંકટ આયે તો આને દો,

સંકટો કો સલામ કરો, ક્યોંકી જો ઇનસાન

સંકટોકે બાદ ખડા હોતા હૈ વો કભી નહીં લડખડાતા, કભી નહીં ગીરતા,

વો સીર્ફ ઓરો કે લીએ મરતા ઔર અમર હો જાતા,

મૈને ભી વહી કીયા તુમ ભી વહી કરો,

બસ મદદ કરો, એક દૂસરે કો મદદ કરો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments