Homeવિશેષપશ્ચિમોત્તાનાસન : શરીરમાં વહેતી ઉર્જાને આ આસન નિયંત્રિત કરે છે

પશ્ચિમોત્તાનાસન : શરીરમાં વહેતી ઉર્જાને આ આસન નિયંત્રિત કરે છે

Team Chabuk-Special Desk: જેવી રીતે સૂર્ય નમસ્કારમાં પાદહસ્તાસન આવે છે એવી રીતે જમીન પર બેસીને કરવામાં આવતા આસનનું નામ પશ્ચિમોત્તાનાસન છે. આ બંને આસનોમાં જમીન આસમાનનો ફર્ક છે. એક સ્ટેન્ડિંગ પોઝ છે બીજું સિટીંગ પોઝ છે. પશ્ચિમોત્તાનાસનમાં પશ્ચિમ એટલે પશ્ચિમ દિશા તો થાય જ પરંતુ બીજો અર્થ થાય છે પાછળની તરફ. જે સંસ્કૃત આસનના શબ્દની સાથે વધારે બંધબેસતો લાગે છે. આ આસન જે દિશામાં કરો એ દિશા કંઈ પશ્ચિમ તો થઈ નથી જવાની! પાછળના શબ્દોનો અર્થ છે બેસવાની પદ્ધતિ. તો પશ્ચિમોત્તાનાસન નામના સંપૂર્ણ શબ્દનો અર્થ છે બેસીને શરીરની વચ્ચેના ભાગને તીવ્રપણે ખેંચવું. જેથી શરીરમાં રહેલી ઉર્જાને નિયંત્રિત કરી શકાય.

આસનનો ઉલ્લેખ શિવસંહિતામાં છે. અષ્ટાંગ અને હઠયોગમાં પણ આવે છે. હઠયોગમાં આ આસન શરીરમાં વહેતી ઉર્જાપ્રણાલીને નિયંત્રિત કરવાના કામે આવતો હોવાનું કહેવામાં આવે છે. આ આસન કરવાનો પ્રમુખ ફાયદો કે શરીરના નીચેના ભાગમાં દુખાવો પનપતો હોય તેનાથી છૂટકારો મેળવવો. પરંતુ છૂટકારો મેળવવામાં ક્યાંક ઉલમાંથી ચૂલમાં ન પડી જાવ તેનું ધ્યાન રાખવું. કેમ? તો કે આસન જેવું દેખાય છે એટલું સરળ નથી.

સ્કૂલકાળમાં કર્યું જ હશે અને ત્યારે મિત્રોને ફરિયાદ પણ કરી હશે કે મારું માથું મારા ઘૂંટણને નથી અડકતું. અડાવવા જાઉં તો ઘૂંટણ ઊંચા થઈ જાય છે. સિસકારો અને સબાકો એક સાથે નીકળી જાય છે. હવે સૌ પ્રથમ આ આસનના ફાયદા જોઈ લઈએ. આસન કરવાથી પૃષ્ઠભાગની સંપૂર્ણ માંસપેશીઓ વિસ્તૃત થઈ જાય છે. પેટની માંસપેશિઓમાં સંકોચન થાય છે. જેથી સ્વાસ્થ્ય સુધરે છે. હઠપ્રદીપિકામાં જણાવ્યા અનુસાર આ આસન પ્રાણને સુષુમ્ણાની તરફ ઉન્મુખ કરતું હોવાથી કુંડલીની જાગરણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. તણાવ, ચિંતા, માથાનો દુખાવો, થાક આ બધું નાબૂદ કરી દે છે. જેમને સંતાન ન થતું હોય એમણે આ આસન કરવું. ઉત્તનાસન જેમ ઊભીને તેમ આ બેસીને કરવામાં આવતું આસન હોવાથી અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળે છે. હાઇબ્લડ પ્રેશરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે પશ્ચિમોત્તાનાસન.

જો કંઈ ખાધું નથી અને આ સવાર સવારમાં જ વાંચી રહ્યા છો તો… યોગા મેટ ઉપર બેસી જાવ. કમર સીધી રાખો. બંને પગ સીધા અને ભેગા રાખો. ઊંડો શ્વાસ લો. હવે હાથને ઉઠાવી ધીમે ધીમે આગળની તરફ નમો. જ્યાં સુધી નમી શકો ત્યાં સુધી નમો અને શ્વાસને છોડતા રહો. છોડતા રહો એટલે શ્વાસ ધીમી ગતિથી લેવાના છે અને છોડવાના છે. જ્યારે તમારા બંને હાથ પગના અંગૂઠાને અડકી લે અને માથું ઘૂંટણ પર અડકી જાય ત્યાં કેટલીક સેકન્ડો માટે સ્થિર થઈ જાવ. થોડી સેકન્ડ સુધી અભ્યાસ કર્યાં પછી મુખ્ય સ્થિતિમાં આવી જાવ.

મહત્ત્વની વાત કે કોણે આ આસન ન કરવું જોઈએ? ગર્ભવતિ મહિલાઓએ આ આસન બિલકુલ કરવાનું નથી. જો તમારી કમરમાં ઈજા પહોંચી છે કે પેટમાં પીડા થઈ રહી છે તો આ આસનથી દૂર રહો. અસ્થમા હોય તો એવી સ્થિતિમાં આ આસન કરવાનું ટાળવું જોઈએ. સવારમાં જ કરવું અને ખાધા પછી પ્રયોગ કરવાની કોશિશ તો બિલકુલ કરવી જ નહીં.

Paschimottanasana

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments