Homeદે ઘુમા કેમહિલા હોકી: ગોલકીપર સવિતા પુનિયાના સુરક્ષા કવચને ભેદતા ઓસ્ટ્રેલિયા પરસેવે રેબઝેબ થઈ...

મહિલા હોકી: ગોલકીપર સવિતા પુનિયાના સુરક્ષા કવચને ભેદતા ઓસ્ટ્રેલિયા પરસેવે રેબઝેબ થઈ ગયું

Team Chabuk-Sports Desk: ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓલિમ્પિકની સેમિફાઈનલમાં ન માત્ર જગ્યા બનાવી છે પણ ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને ધૂળ ચટાવી છે. સોમવારના રોજ રમાયેલી મેચમાં ભારતે વિશ્વની ચોથા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયાને 1-0થી પરાજય આપ્યો હતો. આ જીતની હીરો ગોલકીપર સવિતા પુનિયા રહી હતી. જેણે ઓસ્ટ્રેલિયાના 9 ગોલને અટકાવવાની સાથે તેનો વિજયરથ પણ અટકાવી દીધો. ભારત માટે એક માત્ર નિર્ણાયક ગોલ ગુરજીત કૌરે 22મી મિનિટે પેનલ્ટી કોર્નરમાં કર્યો હતો. હવે સેમિફાઈનલમાં ભારતનો સામનો 4 ઓગસ્ટના રોજ આર્જેન્ટીનાની સામે થશે. જેણે જર્મનીને 3-0થી પરાજય આપી સેમિફાઈનલમાં જગ્યા પ્રાપ્ત કરી છે.

પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય મહિલા ખેલાડીઓને તક મળી હતી પણ ગોલ થઈ નહોતા શક્યા. રમતની નવમી મિનિટમાં વંદના કટારિયાનો શોટ પોસ્ટ પર લાગતા બહાર નીકળી ગયો હતો. ઓસ્ટ્રેલિયાની પાસે પણ ગોલ કરવાની તક હતી પણ ભારતના સુરક્ષા કવચને તે ભેદી નહોતું શક્યું અને ઉપરા છાપરી ગોલ ફટકારવા છતાં પોસ્ટમાં એક પણ નહોતો ગયો.

બીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની પાંચ મિનિટ સુધી જબરદસ્ત રમત દાખવી હતી. આ સમયે ઓસ્ટ્રેલિયાને ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જોકે ભારતીય ગોલકિપર અને ડિફેન્ડર્સે ઓસ્ટ્રેલિયાની આ તકને પણ નિષ્ફળ બનાવી હતી. મેચની 22મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળી હતી. જેને ડ્રેગ ફ્લિકર ગુરજીત કૌરે ગોલમાં તબ્દિલ કરી દીધી હતી અને ભારત 1-0થી આગળ નીકળી ગયું હતું.

ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાને કુલ છ પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જોકે ભારતની ગોલકિપરે એક પણ ગોલ થવા દીધો નહોતો. ત્રીજા ક્વાર્ટરમાં 43મી અને ચોથી મિનિટે ભારતને પણ સ્કોર કરવાની તક મળી હતી, પણ નવનીત કૌર અને રાની રામપાલ તેને ગોલમાં કન્વર્ટ નહોતી કરી શકી.

ભારતની મહિલા હોકી ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1980ના રશિયાની મોસ્કોની ઓલિમ્પિક રમતમાં રહ્યું હતું. એ સમયે ભારત છ ટીમોમાં ચોથા સ્થાન પર રહ્યું હતું. હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું ચોથા સ્થાન પર રહેવું સુનિશ્ચિત તો થઈ જ ચૂક્યું છે. સેમિફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવતાની સાથે જ મહિલા હોકી ટીમનો મેડલ પાક્કો થઈ જશે.

ભારતીય મહિલા ટીમને ગ્રુપ-એમાં નેંધરલેન્ડ, જર્મની, બ્રિટન, આર્યલેન્ડ અને સાઉથ આફ્રિકાની સામે રાખવામાં આવી હતી. ગ્રુપ-બીમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના, ન્યૂઝીલેન્ડ, જાપાન, ચીન અને સ્પેનની ટીમનો સમાવેશ થતો હતો. તમામ ટીમો એક બીજા સામે રમી અને હવે ટોપ ચાર ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. ભારત પોતાના ગ્રુપમાં બે હાર અને ત્રણ જીતની સાથે ચોથા સ્થાન પર છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને નેધરલેન્ડ, જર્મની અને ગત વખતની ચેમ્પિયન બ્રિટનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઓલિમ્પિકમાં પરત ફરતા આર્યલેન્ડની ટીમને 1-0થી અને બાદમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 3-0થી હરાવી હતી. આજે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી ભારતીય ટીમે સેમિફાઈનલમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી દીધું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments