Homeગામનાં ચોરેમ્યાનમારમાં હલિંગે ખૂદને દેશનો પ્રધાનમંત્રી ઘોષિત કરી દીધો

મ્યાનમારમાં હલિંગે ખૂદને દેશનો પ્રધાનમંત્રી ઘોષિત કરી દીધો

Team Chabuk-International Desk: મ્યાનમારના મિલિટ્રી લીડર જનરલ મિન આંગ હલિંગે ખૂદને દેશનો પ્રધાનમંત્રી ઘોષિત કરી દીધો છે. તેણે જાહેરાત કરી છે કે દેશમાં 2023 સુધી કટોકટી રહેશે અને બાદમાં સામાન્ય ચૂંટણી થશે. તેણે કહ્યું કે, હું વર્તમાન સમયના રાજકીય નિરાકરણ માટે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોની સાથે સહયોગ કરવા તૈયાર છું. ટેલિવિઝન પર રવિવારના રોજ આપવામાં આવેલા સંદેશમાં જનરલ હિલિંગે કહ્યું કે, આપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવાનો માહોલ બનાવવો જોઈએ. આપણે તેની તૈયારીમાં પણ લાગી જવું જોઈએ. હું બહુદળીય ચૂંટણી કરાવવાનો વાયદો કરું છું.

જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીનાં રોજ અડધી રાત્રે મ્યાનમારમાં તખ્તાપલટ કરી દેવામાં આવ્યો હતો. ત્યાંની નેતા આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મિંટ સહિતના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. નેતાઓની ધરપકડ બાદ સમગ્ર દેશમાં વિરોધનો જ્વાળામુખી ફૂટી નીકળ્યો હતો. એ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 940 લોકોનાં મોત નીપજી ચૂક્યા છે અને હજ્જારો લોકો ઘાયલ થયા છે.

સત્તા પરિવર્તન થવા પાછળનું કારણ હતું કે ગત નવેમ્બર મહિનામાં સામાન્ય ચૂંટણીઓ થઈ હતી. જેમાં આંગ સાન સુ કીની પાર્ટીએ બંને સદનમાં 396 સીટો જીતી હતી. જેમાં નીચલા ગૃહમાં 330માંથી 258 અને ઉપલા ગૃહમાં 168માંથી 138 સીટો પ્રાપ્ત કરી હતી. મ્યાનમારના મુખ્ય વિપક્ષી દળ યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટની પાર્ટીએ બંને સદનમાં માત્ર 33 સીટો મેળવી હતી. આ પાર્ટીને સૈન્યનું સમર્થન પ્રાપ્ત હતું. જેના નેતા થાન હિત છે. જે સૈન્યમાં બ્રિગેડિયર જનરલ રહી ચૂક્યા છે.

પરિણામ આવ્યા બાદ સૈન્ય ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કરી રહ્યું હતું. સૈન્યએ ચૂંટણીમાં સૂકીની પાર્ટી ઉપર ચૂંટણીમાં ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો હતો. સૈન્ય આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પણ લઈ ગઈ હતી અને રાષ્ટ્રપતિ અને ચૂંટણી આયોગ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ચૂંટણી પરિણામો બાદ જ ત્યાં લોકશાહીની રીતે પસંદ કરવામાં આવેલી સરકાર અને ત્યાંના સૈન્યની વચ્ચે મતભેદ પાંગરવા લાગ્યા હતા. હવે મ્યાનમારની સત્તા પૂરી રીતે સૈન્યના હાથમાં છે. સત્તાપરિવર્તન બાદ અહીં સૈન્યએ બે વર્ષ માટે ઈમરજન્સીનું પણ એલાન કરી દીધું છે.

સત્તા પરિવર્તન બાદ સૈન્ય શાસને સૂકી ઉપર કેટલાય પ્રકારના આરોપો લગાવ્યા છે. કોરોના વાઈરસ પ્રોટોકોલ તોડવાથી લઈને નાના-મોટા તમામ પ્રકારના. તેમની વિરૂદ્ધ પુન: કોર્ટમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મિલિટ્રી આંગ સાન સુકીને કાયદાની ચૂંગાલમાં ફસાવી હેરાન કરી તેમને રાજનીતિથી અળગા કરવા માગે છે.

બીજી બાજુ નવા પ્રધાનમંત્રી હલિંગે સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલ (SAC)ની અધ્યક્ષતામાં કરી, જે સત્તા પરિવર્તન બાદ બનાવવામાં આવી હતી. આ જ કાઉન્સિલ એક ફેબ્રુઆરીથી મ્યાનમારનું શાસન ચલાવી રહી છે. હવે કેયર ટેકર સરકાર તેની જગ્યા લેશે. હિલિંગે કહ્યું કે, તેનું પ્રશાસન એસોસિએશન ઓફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સ (આશિયાન)  તરફથી મોકલવામાં આવેલા વિશેષ પ્રતિનિધિ સાથે કામ કરવા માટે તૈયાર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments