Homeગામનાં ચોરેફ્રાન્સમાં 700 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જે કારણે છે તે યાતના આપણે...

ફ્રાન્સમાં 700 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જે કારણે છે તે યાતના આપણે ભોગવી ચૂક્યા છીએ

ભારતમાં લોકડાઉન થયું. લોકો જ્યાં હતાં ત્યાં જ સ્થિર થઈ ગયા. પરપ્રાંતિયો પણ કામ-ધંધા વગર જ્યાં કામ અર્થે આવ્યા હતા ત્યાં જ રોકાઈ ગયા. પરંતુ જેમ જેમ લોકોની ધીરજ ખૂટી તેમ તેમ પોતાના વતને જવા વાહનો ન મળ્યાં તો ચાલીને પણ નીકળી પડેલા.

આ દ્રશ્ય આપણે સૌએ સમાચારોમાં જોયેલું. આવું જ એક દ્રશ્ય આજકાલ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફ્રાંસની રાજધાની પેરિસનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં રસ્તા પર 700 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગેલી જોવા મળી રહી છે.

ફ્રાંસની રાજધાની પેરિસમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને સરકાર બીજું લોકડાઉન કરવાનો આદેશ આપી દીધો છે. આ લોકડાઉન એક મહિના સુધી રહેવાનું છે. 29 ઓક્ટોબરથી લોકડાઉનની શરૂઆત પણ થઈ ચૂકી છે.

આ લોકડાઉનની જાહેરાતની અસર રસ્તા પર દેખાઈ રહી છે. જેના કારણે રસ્તા પર વાહનોની હારમાળા સર્જાઈ ગઈ છે. ફ્રાંસના કેટલાક વીડિયા હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે જેમાં તમે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રાફિક જામ 700 કિલોમીટર લાંબો છે. એટલે કે તમે ગુજરાતના ઓખાથી નીકળો તો છેક રાજ્યની બોર્ડર પાર કરીને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરો ત્યાં સુધી ટ્રાફિક જામ હોય. કહી શકાય કે ગુજરાતના એક છેડેથી બીજા છેડા સુધીનો ટ્રાફિકજામ.

ટ્રાફિક જામ થવાનું કારણ એવું સામે આવ્યું છે કે કોરોનાના વધી રહેલા કેસના કારણે સરકારે લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું છે. રાષ્ટ્રપતિ મૈક્રોંએ કહ્યું છે કે, દેશમાં ભયંકર રીતે કોરોનાની બીજી લહેરનો ખતરો છે અને આ બીજી લહેર પહેલી લહેર કરતાં પણ વધુ ખતરનાક હશે તેવું કહેવામાં આવ્યું છે. જો કે આ બીજા લોકડાઉનમાં સરકારે કેટલીક છૂટછાટ પણ આપી છે.

લોકોને પોતાના ઘરની બહાર માત્ર સ્વાસ્થ્યને લગતા જરૂરી કામકાજ માટે નીકળવાની પરવાનગી અપાઈ છે. ઘણા લોકોને કામે જવાની પણ છૂટ અપાઈ છે. એક કલાક માટે એક કિલોમીટરની અંદર વ્યાયામ કરવા જવા દેવાશે તેવું પણ સરકારે કહ્યું છે. સ્કૂલો ખૂલી રહેશે પરંતુ રેસ્ટોરન્ટ અને કેફેને બંધ રાખવાનો ફ્રાંસ સરકારે આદેશ આપ્યો છે.

સરકારના આ આદેશ બાદ જ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો છે. લોકો લોકડાઉનની જાહેરાત થતા જ પોત-પોતાના વતનમાં જવા નીકળી ગયા છે. તો કેટલાક લોકો એક મહિનાની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે નીકળી પડ્યા છે.

મીડિયાના અહેવાલોનું માનીએ તો સૌથી વધુ ભીડ બજારમાં ખરીદી માટે સ્ટોર્સ પર જોવા મળી રહી છે. એક મહિનાનું લોકડાઉન હોવાથી લોકો સ્ટોર્સ પર પહોંચીને જીવન જરૂરી વસ્તુઓ એક મહિનો ચાલે તેટલા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ફ્રાંસમાં હાલ કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. દરરોજ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેના કારણે સરકારે બીજું લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ જે રીતે રસ્તાઓ પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે તેને જોતાં સંક્રમણ વધવાનો ખતરો ડબલ થઈ ગયો છે.

ફ્રાંસમાં હાલ જે રીતે લોકડાઉન થતાં લોકો વતને જવા નીકળી પડ્યા છે તેવી જ રીતે ભારતમાં પણ લોકડાઉન વખતે દ્રશ્યો સર્જાયા હતા. સુરતમાં જ્યારે કોરોનાનો કહેર વધ્યો હતો ત્યારે સુરતમાં વસતાં સૌરાષ્ટ્ર પ્રાંત અને અન્ય પ્રાંતનો લોકો પરિવાર સાથે સુરત છોડીને વતન તરફ વળ્યા હતા. તે સમયે પણ ઘણી જગ્યાએ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

ભારતમાં હાલ કોરોના વાઇરસના દૈનિક નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 લાખની આસપાસ કેસ આવતા હતા તે હવે ઘટીને 50 હજારની આસપાસ થઈ ગયા છે. પરંતુ દિલ્હી એઈમ્સના ડૉ. ગુલેરીયાએ ભારતમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની હોવાનું કહ્યું છે અને લોકોને સાવધાની રાખવાની સાથે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments