Team Chabuk-National Desk: લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાની ભૂમિકા ભજવતા અને લોકોના દીલોમાં વસેલા ઘનશ્યામ નાયક આપણી વચ્ચે નથી રહ્યા. લાખો લોકોના હ્રદયમાં રાજ કરનારા નટુકાકા કેન્સર સામેની લડાઈમાં જીવનનો જંગ હારી ગયા છે. 77 વર્ષની ઉંમરે નટુકાકાએ અંતિમ શ્વાસ લીધા છે. જેને લઈને તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર નટુકાકાનો નેતાઓ અને અભિનેતાઓ સહિતના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
નટુકાકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ સંદેશ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ગુજરાતી રંગમંચથી શરુ કરી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ધારાવાહિકના “નટુકાકા”ના હુલામણા નામ થી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના. pic.twitter.com/jiTBfLkq4q
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 3, 2021
નટુકાકાના નામથી જાણીતા બનેલા ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી છે. તેઓનો જન્મ 12મે 1945ના રોજ મહેસાણાના વડનગરના ઊંઢાઈ ગામે થયો હતો. તેઓએ પોતાની કારકીર્દિ દરમિયાન 100 જેટલા નાટકો અને આશરે 223થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. સૌપ્રથમ તેમણે બાળપણમાં શોભાસણ ગામે આવેલા રેવડિયા માતાના મંદિરે ભવાઈમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું ત્યારબાદ તમણે મુંબઈમાં રામલીલામાં બાળકલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. જે બાદ ઘનશ્યામ નાયકે ક્યારેય પાછુ વળીને જોયું નહોતું. નટુકાકા 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક સાથે જોડાયેલા હતા. નટુકાકા છેલ્લા દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. તેમણે દર મહિને 1 લાખનો પગાર મળતો હતો. આ ઉપરાંત તેમને જેટલા એપિસોડ શૂટ કર્યા હોય તે પ્રમાણે ફી મળતી હતી.
થોડા સમય પહેલાં જ નટુકાકાના શરીરમાં કેન્સરે ઉથલો માર્યો હતો. જે વાતની જાણ તેમના પુત્ર વિકાસ નાયકે સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. કેન્સર સામે ઝઝુમી રહેલા નટુકાકા સારવાર ચાલુ હોવા છતાં ક્યારેક સેટ પર જોવા પણ મળી જતાં હતા. તેઓ કિમોથેરાપી લઈ રહ્યા હતા.

નટુકાકાને ફરી કેન્સર થયું હોવાની જાણ તેમના પુત્ર વિકાસ નાયકે ફાધર્સ જેના દિવસે એક ભાવુક પોસ્ટ લખીને કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી બાદ બે મહિના સુધી રેડીએશનના ત્રીસ અને કેમોથેરાપીના પાંચ સેશન સહ્યા બાદ આપણે ધાર્યું હતું કે હવે બધું સારું જ થઈ ગયું છે. પણ છ- એક મહિના બાદ ફરી આખા શરીરનું કેન્સર ડીટેક્ટ કરવા માટે કરાતું પેટસ્કેન કરાવતા માલુમ પડયું કે ગળા પાસેથી જે ભાગમાંથી આઠેક ગાંઠ કાઢી હતી, ત્યાં ફરી નાના એવા બે – એક સ્પોટ દેખાય છે. એટલું જ નહીં, ફેફસામાં પણ એક – બે નવા સ્પોટ શંકાસ્પદ માલૂમ પડે છે. નિષ્ણાતોના સેકંડ ઓપિનિયન બાદ ફરી કેમોથેરાપીના અમુક સેશન લેવા પડશે એવું નિદાન થયું. શરીર પર ફરી કાપાકાપી કરી બાયોસ્કોપી ન કરવી એવો નિર્ણય આપણે લીધો કારણ ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ એ સમયગાળો હતો ત્યારે. એટલે ખાટલો અને ઓક્સિજન બંને મળવા મુશ્કેલ થાત એ તો ખરું જ પણ તમારા શરીરને પણ ફરી પાછી કાપકૂપ કરી કષ્ટ આપવાનું મને કે ડોક્ટરને યોગ્ય ના લાગ્યું. આથી બીજા કેટલાક ટેસ્ટ કરાવી તાત્કાલિક કેમોથેરાપી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું.”

જો કે, સારવાર બાદ પણ નટુકાકાની તબિયત વધુ ખરાબ થઈ રહી હતી અને આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા. રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણાથી ઘનશ્યામ નાયકના સંબંધીઓ મુંબઈ રવાના થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત