Homeવિશેષજ્હોન ક્વિન્સી : મોદીજીએ નાનપણમાં મગરનું બચ્ચું પકડેલ આ મોટી મગર વ્હાઈટ...

જ્હોન ક્વિન્સી : મોદીજીએ નાનપણમાં મગરનું બચ્ચું પકડેલ આ મોટી મગર વ્હાઈટ હાઉસમાં ઘુમાવતો

જ્હોન ક્વિન્સી એડમ્સ ઈતિહાસ રચવાનો હતો. તેના બાપા પણ રાષ્ટ્રપતિ હતા અને તે પણ રાષ્ટ્રપતિ બનવાનો હતો. અમેરિકન ઈતિહાસમાં પ્રથમ વખત એવું થવાનું હતું કે મારા બાપા રાષ્ટ્રપતિ હતા, તો હું રાષ્ટ્રપતિ બનવો જ જોઈએ. તેના વિરોધીનું નામ એન્ડ્રૂ જેક્સન હતું. મતદાનમાં કોઈને પણ વધારે મત નહોતા મળ્યા એટલે કે રાષ્ટ્રપતિ ગમે તે બને ગમવાનો તો કોઈને હતો જ નહીં. અમેરિકાની પ્રતિનિધિસભાએ વિચાર્યું કે હવે આપણે જ મેદાનમાં આવવું પડશે, જેથી તેમણે આંતરિક ચૂંટણી યોજી, તેમાં પણ જ્હોન ક્વિન્સી વિરોધી જેક્સન સામે હારી ગયો. પણ બાળસહજ પ્રકૃતિ કોને કહેવાય ? બંન્ને ચૂંટણીઓ હારી ગયા છતાં રાષ્ટ્રપતિ એ જ બન્યો.

તેના અને અગાઉના રાષ્ટ્રપતિમાં ફર્ક માત્ર એટલો જ હતો કે તેને માથામાં વાળ નહોતા. અગાઊના રાષ્ટ્રપતિઓની તૈયાર થવાની પદ્ધતિમાં બ્રિટન બિરાજતું હતું. જેથી માથામાં મોટી વીગ પહેરતા હતા. વોશિંગ્ટન બહાર ઊભી રહેતી લારીઓમાં લોકો વાતો કરતાં હતાં કે ક્વિન્સીના માથા પર જેટલી જૂ નથી તેનાથી પણ ઓછા તો તેને મત મળ્યા છે.

તેનું શરીર ભારે હતું કે તેણે ભારે બનાવ્યું હતું ? તે આજે પણ ઈતિહાસમાં ચર્ચાનો વિષય છે. તેની દિનચર્યા સવારના પાંચ વાગ્યે શરૂ થતી હતી. સવારમાં દોડવાથી કે ચાલવાથી શરીર તંદુરસ્ત બને છે અને રાત્રે સારી ઉંઘ આવે છે આ માટે તે વહેલો સવારના પાંચ વાગ્યે ઊઠી દોડતો હતો, ઘણીવાર કૂતરાઓ તેની પાછળ દોડતા હતા! આ કારણે ક્વિન્સીના કાર્યકાળમાં વોશિંગ્ટનના રખડતા કૂતરાઓ પાતળા થઈ ગયેલા.

રાષ્ટ્રપતિ નહોતો ત્યારે રશિયામાં વિદેશમંત્રી તરીકે ગયેલો. રાજદૂત તરીકેની સેવાઓ પણ તેણે આપી હતી. રશિયનો આ માણસની દિનચર્યા જોઈ દંગ રહી ગયા હતા. અત્યાર સુધી શરીર પ્રત્યે આટલો ગંભીર નેતા અમેરિકામાં રહે છે તેની તેમને ખબર જ નહોતી.

સવારે પાંચ વાગ્યે ઉઠતો, ઠંડા પાણીએ સ્નાન કરતો, બાઈબલના પાંચ અધ્યાય વાંચી ભક્તિરસમાં મન કેળવતો, છ કિલોમીટર ચાલતો-કૂતરાઓ ન હોય તો દોડી લેતો અને પછી નાસ્તો કરતો. ને છતાં શરીર વધતું રહેતું હતું.

રશિયામાં જ્યારે તેણે ઠંડુ પાણી માગ્યું ત્યારે તેને અનુભવ થયેલો કે રશિયામાં ગરમ પાણી માંગવું, અહીં પહોંચતા પહોંચતા ઠંડુ થઈ જશે. પરિવારજનો અથવા તો પાર્ટીના પ્રિય નેતાઓને તે પત્ર લખી માહિતી આપતો કે રશિયામાં મારી સાથે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. અલબત્ત બાદમાં તે એ વાતનો ફોડ પાડી દેતો હતો કે શીતયુદ્ધનો મર્મ શું થાય છે ? સારું થયું તેણે ગુજરાતી છાપાઓમાં છપાતી ધારાવાહિક નવલકથાઓ ન હતી વાંચી. નહીંતર ક્રમશ: કરી શીતયુદ્ધનો પત્રમાં અર્થ દાબી દેત તો બીજા અઠવાડિયે યુદ્ધ થઈ જાત.

14,700 સ્ક્વેર જેટલું અંતર ધરાવતી અને 14 માઈલ જેટલી લાંબી પોટોમેક નદી અમેરિકામાં આવેલી છે. ક્વિન્સી પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે આ નદીમાં નાગો થઈ ધૂબાકો મારતો હતો. તેના વિશે અમેરિકામાં એક દંતકથા પ્રચલિત છે. એન્ની રોયલ નામની એક મહિલા પત્રકાર તેનો ઈન્ટરવ્યૂ લેવા માગતી હતી. તેનો સ્નાન કરવાનો સમય થઈ ગયો હતો એટલે તેણે કપડાં ઉતારી નાખ્યા. જોકે સામે મહિલા હતી એટલે તેણે અંડરવિયર પહેરી રાખ્યો હતો. પછી નદીમાં સ્નાન કરવા ધૂબાકો માર્યો. તંત્રીનો આદેશ હતો કે આ ભડવીરનો ઈન્ટરવ્યૂ લઈને જ આવજે બાકી આ વર્ષે ઈન્ક્રિમેન્ટ નહીં મળે! મહિલા પત્રકારે એડમ્સના કપડાં લીધા અને તરતાં એડમ્સની માથે બેસી ગઈ.

‘ઈન્ટરવ્યૂ આપ બાકી તારા કપડાં નદીમાં નાખી દઉં.’ આવી ધમકી પણ મહિલા પત્રકાર ઉચ્ચારતી જતી હતી. આ ઘટનાને તેના સમર્થકોએ વખોડી કાઢેલી પણ તેની અંગત રોજનીશીમાં એડમ્સ પત્રકાર રોયલ્સ વિશે લખે છે કે, એ ખૂબ અભદ્ર વ્યવહાર હતો. ઘણાને આ ઘટના બની તેના પર વિશ્વાસ આવી ગયેલો.

આ માણસને આપણે કેવો ગણવો ? તેણે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ વ્હાઈટ હાઉસમાં એક સરસ મજાનું બિલિયર્ડ ટેબલ નખાવ્યું, જેથી રમત રમી શકાય. વિરોધીઓએ વ્હાઈટ હાઉસની તેની કેટલીક વસ્તુઓને જનતાના પૈસે તાગડધિન્ના કરવા સાથે સરખાવી હુરિયો બોલાવ્યો. ખરી વાત એ હતી કે વ્હાઈટ હાઉસમાં તેની ગમતી વસ્તુઓ આવતી એ તેના પૈસે જ આવતી હતી. તે તેના શોખ ખાતર કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પર બોજ નહોતો બન્યો.

ક્વિન્સી માટે એ વાત પણ લોકો કરતાં હતા કે તે વક્તવ્ય આપવામાં તે પાંગળો પૂરવાર થાય છે. તેને બોલતા નથી આવડતું. તેની સેન્સ ઓફ હ્યુમર બુઠ્ઠી છે. સેન્સ ઓફ હ્યુમરના નામે તેને બસ મુર્ખ બનતા આવડે છે. બધા તેને મુર્ખામાં ખપાવે છે જેની તેને ખબર નથી રહેતી.

અંગત ડાયરીમાં ક્વિન્સી લખે છે, ‘મને ખ્યાલ છે લોકો મારા વિશે આવી વાતો કરે છે. પણ હું નથી બોલી શકતો તો શું કરું ? હું વાતચીતની કળા માટે બહાર આટો મારવા નીકળ્યો હતો, પણ મેં જોયું એ કળા મારી પાસે છે જ નહીં.’ 

નરેન્દ્ર મોદીએ વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું પકડેલું. જે બાલ નરેન્દ્રના બેજોડ કિસ્સાઓ તરીકે ભારતભરમાં ખ્યાતનામ છે. ઘણા હસે પણ છે. પણ પોતાના પર કોઈ હસે નહીં આ માટે રાષ્ટ્રપતિ ક્વિન્સી એક મગરમચ્છ લાવેલો અને તેને વ્હાઈટ હાઉસમાં ઘુમાવતો હતો.

એ મગર માર્ક્વિસ ડે લાફાવેટ દ્રારા તેને ભેટમાં આપવામાં આવેલ. જે એક પાલતુ મગરમચ્છ હતો. થોડાં સમય માટે તેણે વ્હાઈટ હાઉસમાં આવેલા એક બાથટબમાં તેને રાખ્યો હતો. ત્યાં હતો ત્યાં સુધી બધા નેતાઓ જનતાનું કામ કરવા માટે અને રાષ્ટ્રપતિના સહી સિક્કા લેવા માટે વ્હાઈટ હાઉસમાં પધારતા હતા.

એક વખત પધાર્યા તો મગરને લઈ રાષ્ટ્રપતિ વ્હાઈટ હાઉસમાં એમ રખડતા હતા, જાણે કૂતરાનું બચ્ચું હોય. આતંકના ઓથાર તળે લોકો આવી ગયા. ડરીને આમથી તેમ ભાગવા લાગ્યા. રાષ્ટ્રપતિનું આ સર્કસ થોડાં દિવસ ચાલું રહ્યું. બધાને ડરીને ભાગતા જોઈ રાષ્ટ્રપતિને મજા આવતી હતી.

વિરોધી ઉમેદવાર એન્ડ્રૂ જેક્સનને બધાની સામે તેના સમર્થકોએ હડધૂત કર્યો હતો અને કહેલું, ‘તેને કંઈ ખબર પડતી નથી. મૂંગા જેવો જ છે. તેની પત્ની ગંધારી યુવતીઓમાંથી એક છે. યુરોપના સ્પેલિંગને એ ઉરોપ બોલે છે. જેક્સન જેવો માણસ ક્યાંય ન ચાલે. ’

જેક્સનનો બચાવ કરતાં તેના સમર્થકોએ ક્વિન્સી એડમ્સને આડેહાથ લેતા કહ્યું, ‘એ છોકરીઓનો દલાલ છે. રશિયામાં રાજદૂત તરીકે સેવાઓ આપી એ દરમિયાન તેણે એક અમેરિકન છોકરીને ખરીદી હતી. જેથી રશિયાના સિઝરની શારીરિક સેવાઓ કરી શકાય અને ભાવતા લાભ લઈ શકાય.’

એ પોતે કહેતો હતો, ‘મારા જીવનના કોઈ ખરાબ ચાર વર્ષ હોય તો તે રાષ્ટ્રપતિ તરીકેના છે.’ રાજકારણ એક એવી વસ્તુ છે કે દાઢે વળગે તો છોડાવવી અઘરી છે. તે રાષ્ટ્રપતિ તરીકે તો નિવૃત થયો પણ રાજકારણથી અલિપ્ત ન રહી શક્યો.

બીજા 17 વર્ષ તેણે વ્હાઈટ હાઉસમાં સેવા આપી. તેની તમામ સેવા અમેરિકાની વિસ્તારવાદી નીતિ માટે રહી. એક દિવસ ઘરની જમીન પર તે પડી ગયો. પડી ગયો પછી કોઈ દિવસ ઊભો ન થયો. ચત્તોપાટ મગરની જેમ તેનું શરીર ફેલાયેલું હતું, જાણે નદીમાં તરતી લાશ ન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments