Homeગામનાં ચોરેબંને એકબીજા સામે જોઈને કહેશે એ.... સરક.... સરક... સરક....

બંને એકબીજા સામે જોઈને કહેશે એ…. સરક…. સરક… સરક….

એક નગરમાં એક રાજા રહેતો હતો. રાજા કોઈ દિવસ ઉત્તર દિશામાં ગયો નહોતો. રાજાને થયું કે ચાલો ઉત્તર દિશા તરફ જઈએ અને જોઈએ કે ત્યાંના લોકોની શું સ્થિતિ છે ? રાજાએ પોતાની ઈચ્છા વજીરની સામે રજૂ કરી. વજીરે ગરદન હલાવી કહ્યું, ‘મહારાજ ત્યાં ન જઈએ તેમાં જ સારપ છે.’

રાજા તો ન માન્યા. એમણે રસાલો તૈયાર કર્યો અને વજીર સહિતના મંત્રીઓ અને થોડા સૈનિકો સાથે નીકળી પડ્યો ઉત્તર દિશાના લોકોને જોવા માટે. અહીં તેણે જોયું તો તેના નેત્રો વિસ્ફારીત થઈ ગયા. બધા ગરીબ હતા. પાતળા હતા. વૃદ્ધોની સ્થિતિ દયનીય હતી. બાળકોને પહેરવા લુગડા નહોતા. મહિલાઓ આક્રંદ કરી રહી હતી.

રાજાનું હૈયુ પીગળી ગયું. એણે વજીરને તાત્કાલિક આજ્ઞા કરી કે, ‘વજીર જાઓ અને આ લોકો માટે મોટા આવાસો બંધાવો, એમના માટે ભોજનનો પ્રબંધ કરો, સારા વસ્ત્રો આપો.’

વજીરે રાજાની આજ્ઞાનું પાલન કર્યું. બે મહિનામાં રાજાએ કહેલું એમ બધુ થઈ ગયું. અડધી તિજોરી ખાલી થઈ ગઈ.

પાંચ મહિના પસાર થઈ ગયા. દક્ષિણ દિશાના સદ્ધર ગામડામાંથી લોકો રાજાનો વિરોધ કરવા મહેલ આગળ ઉમટી પડ્યા. તેમની કેટલીક માગો હતી. રાજાએ મહેલની ઉપર જઈ તેમના ક્રોધનું શમન કર્યું અને પછી બોલવા જતા હતા. એટલામાં તેમની નજર ગઈ કે દક્ષિણના ગામડાઓને મદદ કરવા માટે ઉત્તરના ગામડાના લોકો પણ આવેલા છે. જેમને એમણે હમણાં જ સહાય કરી હતી. એણે વજીર સામે જોયું અને વજીરે કહ્યું, ‘મેં કહ્યું હતું મહારાજ.’

ચાબુકે આ વાર્તા લખી છે. વાર્તા કરતાં વાર્તાનો સાર મહત્વનો છે. રાજાએ ઉત્તરના ગરીબ ગામડાઓને સદ્ધર કર્યા. એમને લાગ્યું કે આ ભવિષ્યમાં મારો સાથ આપશે, પણ એય દક્ષિણ ભેગા થઈને રાજાનો વિરોધ કરવા એકઠા થયા હતા. મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ. વજીરનું કેટલીક વાર માનવું. હવે કોણે કોની સાથે છેતરપિંડી કરી એ તો જજ સાહેબ શોધશે પણ બાબાના ઢાબાના બાબા લોકપ્રિય થયા પછી કાંચિડાની જેમ પોતાનો રંગ બદલી ગયા.

જે સોશિયલ મીડિયાએ તેમને માથા પર ચડાવેલ એ ફટાક કરતા તેમના પર હાસ્યની ફૂલઝડીઓ લહેરાવી રહ્યા છે. જોક્સ બની રહ્યા છે. મીમ્સ બની રહ્યા છે. બૌદ્ધિક કોમેન્ટો થઈ રહી છે કે, ‘પૈસા આવતા એમનો અહંકાર તો જો ક્યાં પહોંચ્યો. કોઈએ સાચું કહ્યું છે કે નાણા આવી જાય પછી માણસ બે વેત અદ્ધર હાલવા માંડે છે.’

બાબા કા ઢાબાની કથામાં અમે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા અને તેમના પર મોટિવેશનલ સ્ટોરી કરી હતી અને આ સ્ટોરી હવે તેની નેગેટિવ પ્રત્યંચા તાણી રહી છે. લોકો તો ફેસબુકમાં ત્યાં સુધી કહી રહ્યા છે કે, ‘હું ગરીબને ખાવાનું ખવડાવી દઈશ પણ તેનો વીડિયો શેર કરી મદદની ભરતી નહીં કરું, કારણ કે ગમે ત્યારે ઓટ આવવાની શક્યતા તેમાં રહેલી છે.’

બાબા કા ઢાબાની ઘટના પછી તો ગરીબોની મદદ કરવા માટે રસ્તામાં ભાટકતા મોબાઈલવીરો દુકાનોને સોશિયલ મીડિયામાં વાઈરલ કરતાં હતાં અને કહેતાં હતાં કે આમને ત્યાંથી પણ લેજો. હવે બાબાના ઢાબાએ સોશિયલ મીડિયા યુઝર્સને શીખામણ આપી છે કે ગમે તેની મદદ કરવા અધરાયા થઈને દોડી ન જવાય. એ યુટ્યુબર ભાઈ પર પૈસા એકઠાં કરવાનો, પત્રકારત્વની ભાષામાં છેતરપિંડી આચરવાનો કેસ દાખલ થયો છે. મદદમાં કરવામાં પણ આવું થશે કોને ખબર હતી ? 2020 તું હવે અમને કેટલા ખરાબ દિવસો દેખાડીશ ?

હવે કોણ સાચું કે કોણ ખોટું એ મુદ્દો નથી ભાઈઓ બહેનો. મુદ્દો એ છે કે હવે કોઈ પણ વ્યક્તિ ગરીબની મદદ કરતાં અચકાશે. ભારત જેવા દેશમાં હાથની રેખા એ જ્યોતિષીઓ માટે બનેલી છે. સાચી રેખા તો ગરીબોની છે. કોઈ ગરીબ સાચો હશે અને મદદ માગતો હશે તો તુરંત સામેના વ્યક્તિના મગજમાં બાબા કા ઢાબાનો કિસ્સો ક્લિક થયા વિના નહીં રહે કે સંઘર્યા સાપે પેલા દિલ્હીવાળાને ફૂંફાડો માર્યો હતો. મારે તો તેનાથી દૂર જ રહેવું જોઈએ.

વિનોદ ભટ્ટે લખેલી એક મસ્ત હાસ્યકથા કઉં. ઉપરની વાત સાથે કદાચ તેને સંબંધ નથી પણ મજા આવશે. એક સાપ અને નોળીયાએ દોસ્તી કરી લીધી અને નક્કી કર્યું કે આપણે એક એવા ઘરમાં વસવાટ કરીએ જ્યાં વચ્ચે દરવાજો હોય. તું તારા ઘરમાં હું મારા ઘરમાં. જંગલમાં દોસ્તીની મિસાલ કાયમ કરીએ. એ રાત્રે એમણે એવું ઘર પસંદ કરી લીધું. દરવાજાની પેલી બાજુ નોળીયો રહેવા ગયો અને આ બાજુ સાપ. અડધી રાત્રે સાપ ઉઠ્યો. દરવાજામાં એક કાણું હતું. એ કાણામાંથી જોતો હતો કે નોળીયો દગો તો નથી કરતો ને. એણે આંખ બાંડી કરી જોયું તો સામેથી નોળીયો પણ સાપની જેમ જ કાણામાંથી તાકતો હતો.

વીડિયો વાઈરલ કરનારા યુટ્યુબર ગૌરવ વાસને કહ્યું કે, મેં એમને 3.78 લાખ રૂપિયા આપ્યા. અને પછી બાબાના ઢાબાના 80 વર્ષીય માલિક કાંતા પ્રસાદે કહ્યું કે, મને તો ખાલી 2.33 લાખ રૂપિયા જ મળ્યા છે. બાકીની  ધનરાશિ ક્યાં ગઈ ? આમ પૂછ્યું તો કહે જાણકારી નથી.

ગૌરવ કહે છે કે, એ મારા પર આરોપ લગાવી રહ્યા છે કે, મારા ખાતામાં 25 લાખ રૂપિયા આવ્યા. જે સાચું નથી. એણે કહ્યું કે, મેં કાંતા પ્રસાદને 2.33 લાખ રૂપિયા ચેક મારફતે આપ્યા અને બાકીના 45,000 રૂપિયા પેટીએમ મારફતે ટ્રાન્સફર કરી દીધા.

હવે મદદના નામે એકબીજાને ડર લાગવાનો છે. આપણે કોઈ ગરીબને મદદ કરવા માટે વીડિયો ઉતારી વાઈરલ કરવાના હોઈશું તો એ કહેશે, અરે ભાઈ દિલ્હીવાળી થયા પછી હવે તું તો રહેવા જ દે.

બીજી બાજુથી ગરીબ હશે. રડતો હશે. ગરીબી આટો લઈ ગઈ હશે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત હશે. સોયના કાણાથી પણ નાનું ખિસ્સુ થઈ ગયું હશે. એને પણ દિલ્હીવાળા બાબાની યાદ આવતા કોઈ મદદ નહીં કરે. ભલે તે સાચો હોય.

સોશિયલ મીડિયા હવે તમને ઉઠાવે પણ છે અને જમીનમાં ધડામ કરતાં પછાડે પણ છે. આલિયા ભટ્ટની સડક-2ની ડિસલાઈકનો કિસ્સો ખ્યાલ જ હશે. સોશિયલ મીડિયામાં બાબા હવે બધા માટે હર્ષદ મહેતાને દગો આપનારા ભૂષણ ભટ્ટ થઈ ગયા છે. હેરાફેરીના રાજુ થઈ ગયા છે. હવે મદદ માગનારો અને મદદ કરવા જનારો એકબીજા સામે જોઈને કહેશે એ…. સરક…. સરક… સરક….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments