Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે વિરાટ કોહલી પોતાની બેટીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અન્ય ફોર્મેટમાંથી પણ નેતૃત્વ છોડી શકે છે. તેણે હાલમાં જ T20નું નેતૃત્વ છોડ્યું છે. ભારતીય ટીમની કેપ્ટનશીપનું દબાણ વધારે હોય છે. ખાસ કોરોના સમયમાં દબાણ વધી ગયું છે. એવામાં વિરાટની બેટીંગ પણ કેપ્ટનશીપના કારણે પ્રભાવિત થઈ છે. આ કારણે જ તેણે ટી ટ્વેન્ટીનું કેપ્ટન પદ ત્યાગી દીધું છે. આ જવાબદારી હવે ટીમના સીનિયર ખેલાડી રોહિત શર્મા પર આવી છે.

ભારત ટી ટ્વેન્ટી વિશ્વકપમાંથી બહાર ફેંકાયું. એ પૂર્વે જ વિરાટ ટી ટ્વેન્ટીમાંથી અને રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થવાની ઘોષણા થઈ ચૂકી હતી. વિરાટે નેતૃત્વ છોડવાની આગાહી ખૂબ પહેલાથી કરી દીધી હતી. તેણે ભારતીય ટીમની સાથે આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ પણ છોડી દીધું છે. બાયો બબલના થાકની સામે લડવા માટે વિરાટને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની ટી ટ્વેન્ટી સીરીઝ અને પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. બીજી બાજુ અંગ્રેજી ચેનલ ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં શાસ્ત્રીએ એ વાતની પણ આગાહી કરી હતી કે વિરાટ અન્ય ફોર્મેટમાંથી પણ કેપ્ટન પદ છોડી શકે છે. તે પોતાનો વર્કલોડ ઓછું કરવા માટે આ પગલું ભરી શકે છે.

શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટના નેતૃત્વમાં ટીમે પાંચ વર્ષમાં કમાલનું પ્રદર્શન કર્યું છે. જોકે વિરાટ પોતાની બેટીંગ પર ધ્યાન આપવા માટે અને માનસિક રીતે ખુદને આરામ આપવા માટે ટેસ્ટની કેપ્ટનશીપ છોડી શકે છે. આ તુરંત નથી થવાનું પણ આવું થઈ શકે છે. વનડેની કેપ્ટનશીપને લઈને પણ આવું જ થઈ શકે છે. આ તેમના પર નિર્ભર નથી, આ તેમના શરીર અને માનસિકતા પર નિર્ભર છે કે એ ક્યાં સુધી બંને ફોર્મેટનું નેતૃત્વ કરશે.

વધુમાં શાસ્ત્રીએ કહ્યું, કેટલાય ખેલાડીઓએ ભૂતકાળમાં બેટીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નેતૃત્વ છોડ્યું છે. જોકે વિરાટ હજુ પણ ભારતીય ટીમનો સૌથી ફિટ ખેલાડી છે. તેની અંદર ટીમમાં સૌથી વધારે ફિટ રહેવાની ભૂખ છે. જ્યારે તમે ફિટ રહો છો તો તમારું કરિયર લાંબું ચાલે છે. જ્યાં સુધી મારી સમજ છે, વિરાટ વનડેની કેપ્ટનશીપ છોડી શકે છે, પણ તેને ટેસ્ટની કેપ્ટનશીપ ન છોડવી જોઈએ, કારણ કે તે ટેસ્ટનો શ્રેષ્ઠ કેપ્ટન છે.

રવિ શાસ્ત્રીએ ખેલાડીઓના પક્ષમાં એ નિવેદન પણ આપ્યું હતું કે કોરોનાકાળમાં દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટન હોવો જોઈએ. આ પ્રકારની પરિસ્થિતિમાં આવું કરવાથી ખેલાડીની ઉપરથી દબાણ ઓછું થશે. કેટલાય ખેલાડીઓને આરામની તક મળશે. મને લાગે છે કે કેટલાય ખેલાડીઓને આરામની જરૂર છે. તમારે સમયે સમયે રમતથી દૂર રહેવું જરૂરી છે. રવિ શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે, આઈપીએલની ઠીક બાદ જ વિશ્વકપ રમવું એ યોગ્ય નિર્ણય નહોતો. જોકે તેના માટે બીસીસીઆઈને દોષિત ન ઠેરવી શકાય, કારણ કે કોરોનાના કારણે આઈપીએલનું શેડ્યુલ બદલવું પડ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત