Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઈતિહાસના 65 વર્ષ બાદ ટેસ્ટનું સુકાની પદ એક બોલરને

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઈતિહાસના 65 વર્ષ બાદ ટેસ્ટનું સુકાની પદ એક બોલરને

Team Chabuk-Sports Desk: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વિકેટકીપર બેટ્સમેન ટિમ પેનને પડતો મૂકી ફાસ્ટ બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો નવો સુકાની બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઈતિહાસના 65 વર્ષ બાદ એવું થયું છે કે કોઈ બોલરના હાથમાં ટીમની કમાન આવી હોય. વર્તમાન સમયે ટેસ્ટમાં કમિન્સ બોલર તરીકે નંબર વનનું સ્થાન ભોગવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સૌથી ફિટ ખેલાડીઓમાં તેની ગણતરી થાય છે. ગત ત્રણ વર્ષમાં કમિન્સે વીસ ટેસ્ટ મેચ રમી. આ સમયે કમિન્સ સિવાય નાથન લિયોન જ એક માત્ર એવો ખેલાડી રહ્યો જેણે વીસ ટેસ્ટ મેચ રમી હોય.

કમિન્સે ઓસ્ટ્રેલિયાના અન્ય ખેલાડીઓ કરતા ઉભરતું પ્રદર્શન કર્યું છે. 20 ટેસ્ટ મેચમાં તેણે 20.10ની એવરેજથી 98 વિકેટ લીધી છે. ઓવરઓલ 34 ટેસ્ટમાં 164 વિકેટ તેના ખાતામાં બોલી રહી છે. કમિન્સની વય 28 વર્ષની છે ત્યારે ક્રિકેટ વિવેચકોનું માનવું છે કે આગામી સાત વર્ષ સુધી તેના હાથમાં ટીમનું નેતૃત્વ રહી શકે છે. આ સમયે તેની જવાબદારી ટીમમાં આવનારા યુવા ખેલાડીઓને તૈયાર કરી ઓસ્ટ્રેલિયાની ટીમને આવનારી આઈસીસી શ્રેણી માટે મજબૂત કરવાની રહેશે.

ઓસ્ટ્રેલિયા મોટાભાગે બેટર્સને જ ટીમના કેપ્ટન બનાવે છે. છેલ્લી વખત 1956માં ફાસ્ટ બોલર રે લિંડવાલે એક ટેસ્ટ મેચ માટે કાંગારું ટીમનું નેતૃત્વ કર્યું હતું. અન્ય ક્રિકેટ ટીમમાં સમયાંતરે, વસીમ અક્રમ, વકાર યૂનુસ, ઈમરાન ખાન, પાકિસ્તાનના ત્રણે ફાસ્ટ બોલર્સે ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતમાંથી આ બહુભાગ્ય કપિલ દેવને મળ્યું હતું જેણે 1983નો વિશ્વકપ જીતાવ્યો હતો. સાઉથ આફ્રિકામાંથી શોન પોલક, ઝિમ્બાબ્વેમાંથી હીથ સ્ટ્રીક, બાંગ્લાદેશમાંથી મશરફે મુર્તઝા બોલર તરીકે ટીમનું સુકાની પદ સંભાળી ચૂક્યા છે. કેપ્ટન તરીકે સૌથી સફળ પાકિસ્તાનના ત્રણ ફાસ્ટ બોલર્સ રહ્યા છે. તેમણે કેપ્ટન પદ પર રહેવા છતાં સૌથી વધારે વિકેટ લીધી હતી. જેમાં વકાર યુનુસ, વસિમ અક્રમ અને ઈમરાન ખાનનો સમાવેશ થાય છે.

હાલના ટેસ્ટ કેપ્ટન ટીમ પેન પર આરોપ લાગ્યો હતો કે તેણે વર્ષ 2017માં પોતાની મહિલા કર્મચારીને અશ્લીલ ફોટો અને ગંદા મેસેજ મોકલ્યા હતા. આ ઘટના ફરી સપાટી પર આવતા ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણી પહેલા ટીમ પેને ટીમનું ટેસ્ટનું નેતૃત્વ છોડી દીધું હતું. હવે પેટ કમિન્સ પર સૌથી મોટી જવાબદારી છે. એશિઝ એ કરો યા મરોની શ્રેણી હોય છે, એવામાં તેણે પ્રદર્શન અને નેતૃત્વ દ્વારા ટીમને જીત અપાવી ટીમ પેનની ખાલી જગ્યા પૂરવાની રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments