ઝાલાવાડી જલજીરા: એક મહિના પછી ક્રિસમસ આવશે. ભારતમાં જેમ દિવાળી પર રિલીઝ થનારી ફિલ્મમાં દિવાળીને કોઈ એક સીનના ચોગઠામાં બેસાડી દેવામાં આવે છે, તેવું હોલિવુડ ફિલ્મોમાં પણ થાય છે. હોલિવુડની ક્રિસમસ પરની ફિલ્મોની પ્રતીક્ષા રહે છે. ક્રિસમસ કેરોલ બાદ ક્રિસમસ પર આધારિત માઈલસ્ટોન ફિલ્મ મળી નથી. ક્રિસમસ સમયે રિલીઝ થનારી મોટાભાગની ફિલ્મોનો હેતુ મનોરંજનનો રહ્યો છે. 2021ના ક્રિસમસના આગમન પૂર્વે નેટફ્લિક્સના સહયોગથી એક ફિલ્મ આવી છે. નામ છે ધ બોય કોલ્ડ ક્રિસમસ. (The Boy Called Christmas)
કથા છે ત્રણ બાળકોની. આસપાડોશના બધા લોકોના ઘર ક્રિસમસ ટ્રી અને ખુશીઓથી ઝગમગી રહ્યા છે, પણ આ ત્રણ બાળકોનું ઘર વેરાન છે. તેમની માતા મૃત્યુ પામી છે. પિતા કામ માટે ઘરની બહાર જાય છે અને બાળકોની જવાબદારી એક વૃદ્ધાને સોંપતા જાય છે. વૃદ્ધા તેમને તેમના રૂમમાં એક વાર્તા સંભળાવે છે જેથી બાળકોમાં ક્રિસમસને લઈ સુરાતન ચડે.
મૂળ તો આપણી ગુજરાતી ભાષામાં ગિજુભાઈ બધેકા, યશવંત મહેતા, રમણલાલ સોની અને જીવરામ જોશીએ ઘણી બાળકથાઓ લખી. રમણલાલ સોનીએ હાન્સ એન્ડરસનની વાર્તાઓને ગુજરાતીમાં ઢાળી છે. અને રમણલાલના હાથનો એ જાદુ જ કહેવાય કે એ વાર્તાઓ હાન્સ એન્ડરસનની જગ્યાએ આપણી ગુજરાતી ભાષામાં જ લખાય હોય તેવો અનુભવ કરાવે છે. ગુજરાતી સાહિત્યના દાદાઓએ આપણને તેમની બાળવાર્તાઓ થકી આકંઠ સ્નેહ આપ્યો. પહેલા દાદાઓની જગ્યાએ દાદીઓ વાર્તા કહેતી હતી.
અંધારી રાત હોય. તારા ટમટમતા હોય છે. ફાનસનું અજવાળું ઝગમગતું હોય. દાદીના ખોળામાં ભુલકાનું માથું હોય અને શબ્દે શબ્દે વિસ્મયની દુનિયામાં તેનું માનસપટ સરી પડે. વાર્તાઓ કહેવાનો સિલસિલો આથમ્યો છે. યુટ્યૂબ પર અવેલેબલ છે પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષમાં કેટલોક તફાવત હોય છે. ધ બોય કોલ્ડ ક્રિસમસ એ સૃષ્ટીને ફરી જીવંત કરે છે. જેમાં અજાણી વૃદ્ધા મેગી સ્મિથ જેણે હેરી પોટરમાં પ્રોફેસર મેગોનેગલનું દમદાર પાત્ર ભજવ્યું એ પોતાના અનુભવી અવાજમાં ત્રણ બાળકોની સામે વાર્તા પીરસે છે. વાર્તા કહેતા સમયે એ કેટલો સરસ સંવાદ આપણી સમક્ષ મૂકે છે, ‘વિશ્વ અણુઓથી નહીં વાર્તાઓથી બન્યું છે.’
ફિલ્મની ખરી વાર્તા તેનું નરેશન છે. વૃતાંત દરમ્યાન દૃશ્ય ઈતિહાસમાંથી જ્યારે વર્તમાનમાં આવે ત્યારે વિઝ્યુઅલ ઈફેક્ટનો કરવામાં આવેલો ઉપયોગ આપણને વારંવાર હેરતમાં નાખી દે છે. ફિલ્મની પૃષ્ઠભૂમિમાં શું છે અને એ વાર્તાં આખરે કઈ છે તેની અહીં માહિતી આપવામાં નહીં આવે. નહીં તો એ વાર્તાનું રહસ્ય તમારા અચરજનું વિલોપન કરી નાખશે.
આ ફિલ્મની કથા માત્ર એક કલ્પનાનું તાંતણું હોવા છતાં કોઈ પણ વયના દર્શકોમાં આશાના બીજનું રોપણ કરે છે કે જો તમે હ્રદયથી માનો છો અને પૂરતો વિશ્વાસ રાખો છો તો દરેક વસ્તુ શક્ય છે. બાળકો શા માટે અશક્ય તમામ વસ્તુઓ શક્ય કરી બતાવતા હોય છે, કારણ કે બાળકોને આ અશક્ય છે એવું કહેનારું કોઈ હોતું નથી. જ્યાં સુધી તેના પર રૂઢીચુસ્ત લોકો પોતાનું જ્ઞાન થોપી ન બેસાડે ત્યાં સુધી એ સ્વતંત્ર હોય છે. ધીમે ધીમે અવ્યવહારું જ્ઞાન તેના મગજને સંકોચવા માંડે છે. એ દરેક વસ્તુમાં તર્ક કરતો થઈ જાય છે. આમ નહીં ને આમ કર્યું હોય તો ફલાણા ભાઈને કેવું લાગે? એને ખરાબ લાગ્યું તો? રજનીશનું વાક્ય પણ આ ફિલ્મની સાથે બંધબેસતું બેસે છે-‘સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ’
આ ફિલ્મ તેની એક કલાક અને તેતાળીસ મિનિટ એ રોગનો નિકાલ કરવાનું કામ કરે છે. ફિલ્મની કથા, તેની સૃષ્ટી, તેના પાત્રો, આ બધું તો એક નિષિદ્ધ વિશ્વ રચી આપે છે. વિશ્વાસ કરવાના ફાયદા છે તો સત્ય બોલવાની સજા પણ છે. ફિલ્મનો પ્લોટ કેવો છે? કથાતંતુ ક્યાં ક્યાં તૂટે છે? અભિનય કેવો રહ્યો? વિઝ્યુઅલ ઈફેક્ટ કેવી છે? આ બધી વાતો ફિલ્મ જોતા સમયે ક્યાં ખોવાઈ ગઈ ખબર નથી રહી. આ ફિલ્મ પરિવારની સાથે ફરજિયાત જોવી પડે, કેમ કે નાનાઓ કરતાં મોટાઓને શીખવાની તાતી જરૂરિયાત છે. ધ બોય કોલ્ડ ક્રિસમસ અંતમાં ચહેરા પર એક સ્મિત વેરી ચાલી જાય છે. તેની અસરમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. આજના અકરાંતિયા યુગમાં દરેક મનુષ્યને એક આવા વિશ્વાસની જરૂર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
