Homeગામનાં ચોરેભવિષ્યમાં જે રોજગારી અપાવશે એની જ સરકાર આવશે અને ચાલશે

ભવિષ્યમાં જે રોજગારી અપાવશે એની જ સરકાર આવશે અને ચાલશે

કાલ હું ચાબુક ઓફિસેથી ગયો પછી ઘણું બધું બની ગયું. એક્ઝિટ પોલ આવી ગયા. બાયડેન જીતી ગયા. એટલે આજના મહત્વના મુદ્દા તો આ બે જ છે. પહેલા આપણે બાયડેનથી વાતની શરૂઆત કરીએ.

તને ખ્યાલ છે ચાબુક. બાયડેન જીતે એટલે ભારતમાં રોજગારીની વિપુલ તકો સર્જાવાની છે. ભારતના રોડ રસ્તા નવા નક્કોર થઈ જવાના છે. કોઈ ગરીબ નહીં રહે. બધા અમીર થઈ જવાના છે.

‘તમે કેમ ટ્રમ્પ જેવી વાત કરો ગોવા બાપા ?’

આ હું નહી આજે સોશિયલ મીડિયામાં જે જે ભારતીયો બાયડેન પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે તેની વાત કરી રહ્યો છું. બાયડેન અમેરિકામાં ચૂંટાણા છે ભારતમાં નહીં. સોશિયલ મીડિયામાં લોકો બાયડેનની જીતથી હરખાણા એ વાતથી યાદ આવી ગયું. એક તો જોક્સ ફરતો હતો કે બાયડેન એ આપણા બાયડના હતા.

‘પેલા ધવલસિંહભાઈ ઝાલા જે બેઠક પરથી હાર્યા એ?’

હા. પણ એ તો જોક્સ હતો. સાચી વાત એ કે અમેરિકાનો કોઈ પણ પ્રમુખ બને એટલે મંડી પડે બધા લખવા કે ભારતને આ ફાયદો થશે, ફલાણો ફાયદો થશે, ઢીકણો ફાયદો થશે. એક ચેનલે તો માજા મૂકી હો ભાઈ. અહીં લખવા જેવું નથી રહેવા દીધું. મુખ્ય મુદ્દો એ છે કે અમેરિકાની ચૂંટણીની વાતો ભલે કરો પણ આપણી બિહારની ચૂંટણી પણ છે.

આજે કંઈ બીજી મોટી ખબર તો નથી પણ એક ખબરથી હું અલગ તારણ પર આવ્યો છું. એ છે એક્ઝિટ પોલ. જો એક્ઝિટ પોલ સાચા પડી જાય તો આજે જે હું વાત લખી રહ્યો છું એ સાચી પડી જાય.  

‘એવી બધી વાત છે ગોવાબાપા?’

બિહારમાં તેજસ્વીનો દમ દેખાય છે. એ બિહારનો યુવા મુખ્યપ્રધાન બનવાનો છે એવું પોલમાં મોટાભાગની જનતા કહે છે. ચાબુક જનતા કહે છે એ મહત્વનું નથી મહત્વનું એ છે કે યુવા જનતા કહે છે. યુવા જનતા કહેતી હોય તો તેની પાછળનું કારણ બેરોજગારી માનવી રહી.

તેજસ્વીભાઈ એક્ઝિટ પોલમાં તો જીતી રહ્યા છે. નીતિશને આવી રહ્યો છે હારવાનો વારો. એમણે લાગણીનો તાર છંછેડીને કહેલું કે, ‘આ મારી છેલ્લી ચૂંટણી છે.’ પણ છેલ્લી વખતેય હવે એમને કોઈ જોવા નથી માગતું.

જોવા નથી માગતું ચાબુક એનું કારણ એ કે કેટલીય વખત જનતાએ તક આપી. કંઈ ઉકળ્યું નહીં હોય એવું લાગે છે. એથી જ બિહારમાં તેજસ્વીની તેજસ્વીતા એક્ઝિટ પોલમાં દેખાય રહી છે.

દેશમાં બેરોજગારોની તો સંખ્યા ભરપૂર છે. તેજસ્વીને બેરોજગારોએ જ મત આપ્યા કહેવાય, કારણ કે એણે વાયદો કર્યો છે કે હું આવીશ તો દસ લાખ નોકરી ઊભી કરીશ. આ વાત પર જો તેજસ્વી યાદવની કોંગ્રેસ સાથે ગઠબંધનવાળી સરકાર જીતતી હોય, તો પછી ભાજપ સામે જીતવાનું વિરોધી પાર્ટીઓને બ્રહ્માસ્ત્ર મળી ગયું.

‘રોજગારી.’

હા. રોજગારી પૂર્ણ પાડશે એની જ સરકાર ચાલશે. તું જો ચાબુક લોકોએ વેક્સિનને પાટુ મારી દીધું. ભાજપનો ચૂંટણી ઢંઢેરો હતો કે અમારી સરકાર આવી તો સૌ પ્રથમ કોરોનાની વેક્સિન બિહાર રાજ્યને મળશે. રાહુલ ગાંધીએ તો આ વાત ઉપર નિવેદન પણ આપેલું કે, ‘તમારે વેક્સિન જોતી હોય તો તમારી આજુબાજુ નજર કરજો કે ચૂંટણી છે ? તો જ મળશે.’

લોકો વેક્સિનને છોડી રોજગારી પાછળ ભાગ્યા છે. ગુજરાતમાં પણ બેરોજગારી મોટી સમસ્યા છે. ચૂંટણી હોય એટલે દરેક નેતા યુવાઓને ટાર્ગેટ બનાવે છે. મત તો તેમની પાસેથી જ મળવાના હોય. જોકે હવે ખાલી ટાર્ગેટ કરવાથી નહીં ચાલે. તેજસ્વી જેવો વાયદો કરવો પડશે. તેજસ્વીની ખરી કસોટી તો હવે થાશે ચાબુક. શું એ દસ લાખ નોકરીઓ ઊભી કરી શકશે?

અમિતભાઈ શાહે તો તેના પર ધારદાર નિવેદન આપેલું કે, ‘તેમનો અભ્યાસ ઓછો છે. બિહારનું બજેટ એમણે નથી જોયું. દસ લાખ નોકરીઓ શક્ય નથી.’ દરેક કામ તો અશક્ય જ હોયને ચાબુક. કામ શરૂ કરો ત્યારે એ અશક્ય જ લાગે છે. 1980માં ભાજપને કેન્દ્રમાં પહોંચવું એ અશક્ય જ લાગતું હતું, પણ એ શક્ય થયું. ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી રાજ્યોનો ગઢ સર કરવો હશે તો રોજગારીને જ મુદ્દો બનાવવો પડશે. ગુજરાતમાં તો ખાસ.

પરીક્ષાઓમાં થતી લાલીયાવાડીને હટાવી ભાજપે હવે રોજગારી ક્ષેત્રે બાકીના વર્ષોમાં કામ કરવું પડશે. ભારતની વસતિ છે એ પ્રમાણે દરેક રાજ્યમાં તું જો ચાબુક હવે રોજગારી એ જ મોટો મુદ્દો છે. નવી શાળાઓ ખુલે છે. નવી કોલેજોના ઉદ્ધાટન થાય છે. આજે જ કેશુભાઈ પટેલના નામની કોલેજ બનાવવાની વાત આવી. ઈચ્છીએ કે એ બને, કારણ કે કોલેજ બને તો રોજગારીનું સર્જન થાય. પણ એ કોલેજમાંથી જેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ બહાર નીકળે છે તેમાંથી મોટાભાગનાને રોજગારી જ નથી મળતી.

રોજગારી માટે તૈયારી કરે તો પેપર ફૂટી જાય. મારી અનુભવી કલમ કહે છે ચાબુક, હવે જે સરકાર રોજગારી આપી શકવા સમર્થ હશે તેની જ સરકાર ચાલશે. નહીં તો ટ્રમ્પની સરકારનું આજે થયું એમ. અમેરિકાના લોકોએ ચાર વર્ષમાં 20,000 ખોટા દાવા કરનારને સત્તા પરથી ઉતારી નાખ્યા.

‘બોલ ચાબુક શું કહે છે હવે તું?’

‘ધડબડાટી બોલાવી નાખી હો ગોવાબાપા’

(ગોવાબાપાની અનુભવી કલમે રાજકારણના હળવાફુલ અને મહત્વના સમાચાર વાંચો રોજ સાંજે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments