Homeતાપણુંએ સમયે અડવાણીની લોકપ્રિયતા અટલ કરતાં આગળ વધી ગઈ કારણ...

એ સમયે અડવાણીની લોકપ્રિયતા અટલ કરતાં આગળ વધી ગઈ કારણ…

અત્યારે જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહનું નામ લેવામાં આવી રહ્યું છે. તેમ જ્યારે જ્યારે રાજકારણમાં અટલ બિહારી વાજપેયીની વાતો થાય ત્યારે ત્યારે તેમની સાથે લાલકૃષ્ણ અડવાણીના નામ જરૂરથી લેવાય છે. આજે લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિવસ છે. 93 વર્ષના લાલકૃષ્ણ અડવાણી ભાજપના પાયાના પથ્થર છે. આ દિગ્ગજ નેતાના કેટલાક કિસ્સા આજે જાણીએ..

આરએસએસથી શરૂ કર્યું કામ

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાંચીમાં થયો હતો. તેમનું સિંધી નામ લાલ કિશનચંદ અડવાણી છે. અડવાણીજીને 1947માં કરાચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સચિવ બનાવાયા ને મેવાડ મોકલવામાં આવ્યા. જ્યાં તે વખતે સાંપ્રદાયિક રમખાણો થઈ રહ્યા હતા. ત્યારબાદ 1951માં જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી, તો અડવાણી તેમાં સભ્ય બની ગયા. જનસંઘમાં ખાસ્સો સમય અલગ અલગ પદ પર તેઓએ કામ કર્યું. તેમનું કામ જોઈને 1972માં જનસંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

ટ્રેનમાં મળ્યા અને દોસ્ત બની ગયા

1952માં જ્યારે લાલકૃષ્ણ અડવાણી જનસંઘમાં જોડાયા ત્યારે પ્રચારક તરીકે કામ કરતાં હતા. એક વખત તેઓને શ્યામા પ્રસાદ મુખર્જી સાથે રાજસ્થાનના કોટા ટ્રેન મારફતે જવાનું થયું. આ ટ્રેનમાં અટલ બિહારી વાજપેયી પણ હતા. તે વખતે લાલકૃષ્ણ અડવાણી પ્રથમ વખત વાજપેયીજીને મળ્યા. બન્નેના મળવાનું માધ્યમ બન્યા શ્યામા પ્રસાદ મુખર્જી. મુખર્જીએ બન્નેનો એકબીજાને પરિચય કરાવ્યો. આ પ્રથમ મુલાકાત એક ગાઢ મૈત્રીમાં પરિણમી અને બન્નેએ સાથે 65 વર્ષ સુધી કામ કર્યું. સમયની સાથે બન્નેની મિત્રતા મજબૂત બનતી ગઈ. અટલજી અને અડવાણીજીએ સાથે મળીને જનસંઘને એક નવી ઉંચાઈ પ્રદાન કરી. બન્નેના અથાગ પ્રયાસોથી જનસંઘ મજબૂત બની. અડવાણીજી અને અટલજીની છબી હિન્દુત્વવાદીની હતી. બન્નેના ઘણા વિચાર અલગ હતા. તેમ છતાં બન્ને વચ્ચે મતભેદ ન થયા.

સાથે જેલમાં ગયા અને મંત્રી પણ બન્યા

અટલ બિહારી વાજપેયી મોટાભાગના નિર્ણયો લેવામાં અડવાણીજીને સાથે રાખતા. તેમની સલાહ-સૂચનો લઈને પછી અટલજી નિર્ણયો લેતાં. ઇમરજન્સી વખતે બન્ને સાથે જેલમાં પણ રહ્યા. એક સાથે 1977માં જનતા દળની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડી. જનતા દળની સરકારમાં અટલજી વિદેશમંત્રી બન્યા તો અડવાણીજીને સૂચના અને પ્રસારણ મંત્રી બનાવાયા. ત્યારબાદ બન્નેએ જનતા દળથી અલગ થઈને એક પાર્ટી બનાવી જેનું નામ હતું ભારતીય જનતા પાર્ટી (બીજેપી). ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલજી બન્યા. પાર્ટીને મજબૂત કરવામાં બન્નેએ દિવસ-રાત એક કરી નાખ્યા.

અટલજી કરતાં અડવાણીજી આગળ નીકળી ગયા

જ્યારે રામમંદિરનો મુદ્દો દેશમાં ચર્ચાઈ રહ્યો હતો ત્યારે અડવાણીજી અને અટલજી બન્ને અયોધ્યામાં રામ મંદિર બનાવવાના પક્ષમાં હતા. પરંતુ અટલજી કટ્ટર હિંદુત્વની રાજનીતિમાં માનતા નહતા. 80ના દશકામાં એક સમય એવો આવ્યો કે ધીરે ધીરે અડવાણીજીનું કદ ભાજપમાં અટલજી કરતાં વધવા લાગ્યું. રાજકારણમાં કોઈ બીજો આગળ નીકળે તે પસંદ નથી હોતું. પરંતુ આ કિસ્સામાં વાત અલગ હતી. અડવાણીજીનું પાર્ટીમાં કદ વધતું હોવા છતાં અટલજી સાથે કોઈ મતભેદ ન થયો. 1992માં જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદ વિવાદ થયો ત્યારે અટલજી અને અડવાણીજી વચ્ચે થોડો મતભેદ જોવા મળ્યો પરંતુ 1995 સુધીમાં બન્ને વચ્ચેની મિત્રતા ફરી ગાઢ બની ગઈ.

અટલજીને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું

1995માં અડવાણીજી ભાજપ અધ્યક્ષ હતા. મુંબઈમાં ભાજપનું અધિવેશન મળેલું. અધિવેશનમાં અડવાણીજીએ મોટી જાહેરાત કરી કે 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અટલજીને પ્રધાનમંત્રીનો ચહેરો બનાવીને ચૂંટણી લડશે. અડવાણીજી ભાગ્યે જ અટલજીના વખાણ કરતાં. એક ઇન્ટરવ્યૂમાં અડવાણીજીએ અટલજી વિશે વાત કરતાં કહેલું કે, જ્યારે તેઓએ પ્રથમ વખત અટલજીને બોલતા સાંભળ્યા તો લાગ્યું કે હું ખોટી પાર્ટીમાં આવી નથી ગયો ને. તેઓ અટલજીને પ્રભાવશાળી વક્તા માનતા હતા.

રાજનીતિમાં પણ સાથ નિભાવ્યો

2004માં અટલબિહારી વાજપેયીએ સક્રિય રાજનીતિને તિલાંજલિ આપી, રાજકારણમાંથી સંન્યાસ લીધો. બાદમાં અડવાણીજી ભાજપના સૌથી મોટા નેતા બની ગયા. જોકે, ડિસેમ્બર 2005માં મુંબઈમાં યોજાયેલા ભાજપના સિલ્વર જ્યુબેલી કાર્યક્રમમાં અડવાણીજીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડી દીધું અને રાજનાથ સિંહને અધ્યક્ષ બનાવી દેવાયા. આમ કહીએ તો બન્નેએ સાથે જ રાજનીતિને અલવિદા કહી દીધું. જોકે ત્યારબાદ તેઓ બે વખત 2009 અને 2014માં લોકસભા લડ્યા અને જીત્યા પણ ખરા.

ભાજપના રામ-લક્ષ્મણ

એક સમય હતો જ્યારે અટલજીને ભાજપના રામ અને અડવાણીજીને લક્ષ્મણ કહેવામાં આવતાં. 2002-2004 દરમિયાન અટલજી વડાપ્રધાન હતા ત્યારે અડવાણીજી નાયબ વડાપ્રધાન બન્યા. એક સમય હતો જ્યારે અડવાણીજીનો સિતારો ભાજપમાં ટોચ પર હતો. પરંતુ સમય જતાં ઘણું બધું બદલાયું. ભાજપના લોખંડી પુરુષ કહેવાતા અડવાણીજી ધીમે ધીમે પોતાની જ સ્થાપિત પાર્ટીમાં હાંસિયામાં ધકેલાય ગયા. આજે લાલકૃષ્ણ અડવાણીજી રાજનીતિમાં સક્રિય નથી. પરંતુ ભાજપ જે આજે કઈ છે તેમાં અડવાણીજીનો પરિશ્રમ જરૂર નજર આવી રહ્યો છે. જન્મદિવસની શુભકામનાઓ અડવાણીજી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments