Homeસાહિત્યFitzgerald : વિશ્વનો મહાન નવલકથાકાર એક ફિલ્મનો સ્ક્રિનપ્લે કેમ ન લખી શક્યો...

Fitzgerald : વિશ્વનો મહાન નવલકથાકાર એક ફિલ્મનો સ્ક્રિનપ્લે કેમ ન લખી શક્યો ?

ગુજરાતીમાં નવલકથાકારો પોતે જ સ્ક્રિનપ્લે લખે અને ફિલ્મ બને તે જ્વલ્લે જ બનતી ઘટના છે. રામ મોરીએ ગુજરાતીમાં વાર્તા/નવલકથા પણ લખી અને ફિલ્મની પટકથા પણ લખી. બંન્નેમાં સફળ થયા, તેની પાછળનું કારણ તેને ચેનલમાં કામ કરવાનો અનુભવ હતો એટલે કે સ્ક્રિન રાઈટીંગ હતું અને બાકી વાર્તાને ઢાળવાનું કૌવત કૂટીકૂટીને ભર્યું હતું.

હિન્દીના યુવા લેખક ગૌરવ સૌલંકીએ પણ ગ્યારવી એ કે લડકે નામનો સરસ વાર્તા સંગ્રહ આપ્યા બાદ આર્ટિકલ 15 લખી. આ સિવાય કોઈ નામ યાદ આવે છે તમને ? જેણે કથા અને પટકથા બંન્નેમાં સફળતા મેળવી હોય. હોય તો અચૂક કહેજો. કવિઓ લિરિસિસ્ટ બને તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માખણની જેમ ફટાફટ જામી જાય છે. નવલકથાકારો એવું નથી કરી શકતા. સ્ક્રિનપ્લેમાં સીન લખવો એ સટ્ટો રમવા જેવું કામકાજ છે. એક વખત સીન મનમાં ઘડાય. કાગળ પર લખાય અને ફરી વાંચવામાં આવે તો થાય કે આ રીતે પણ કરી શકાય. એ કરવામાં જ કદાચ હારી જાવ અથવા જંગ જીતી જાવ. આજે વાત અંગ્રેજી સાહિત્યના એક એવા ઉત્તમ નવલકથાકારની જેણે જીવનના અંતિમ દિવસો મહાન પટકથાકાર બનવામાં ખર્ચી નાખ્યા અને હાથમાં નિષ્ફળતા સિવાય કંઈ ન આવ્યું.

1937ના ઉનાળાના દિવસો. વિશ્વના પ્રતિષ્ઠિત નવલકથાકારની હરોળમાં આવતા એફ. સ્કોટ ફિટ્ઝગેરાલ્ડે મબલખ દારૂ ઢીંચી લીધો. તારક મહેતાએ પોતાની આત્મકથામાં લખેલું છે, ‘દારૂ પીધા બાદ ખરાબ લખાણ પણ સારું લાગવા લાગે છે.’ અને આ વાત સ્કોટના કિસ્સામાં ખરી પણ બની. તેને ક્યાંકથી નવલકથાકાર-લેખક મટી હવે સ્ક્રિનપ્લે રાઈટર બનવાના અભરખા જાગ્યા. તેને ખબર હતી કે રેડ કાર્પેટ પર ચાલવા માટે હોલિવુડ જવું પડે. રસ્તો પણ ખબર હતી. નવલકથાકાર તરીકે ઝળહળતું નામ હોવાના કારણે કોઈ પણ પ્રોડ્યુસર તેને એક ઝાટકે ‘ના’ તો નહોતો જ પાડવાનો. ત્યાં સુધીમાં Fitzgerald – The Great Gatsby, Tender Is The Night, This Side Of Paradise અને અપૂર્ણ એવી The Last Taycoon નવલકથા સુધી ગાડી દોડાવી ચૂક્યો હતો. તેમાંની The Great Gatsby નવલકથાએ તો જગતના ખૂણે ખૂણે તેની ખ્યાતિના થાંભલા ખોડી દીધા હતા. તેને ય શું ખબર હતી કે ભવિષ્યમાં તેની નવલકથા Great Gatsby પરથી ફિલ્મ બનશે અને હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન તેમાં અભિનયના ઓજસ પાથરશે. Fitzgeraldના કિસ્સામાં તો એવું છે કે તેણે માત્ર Great Gatsby જ લખી હોત અને અન્ય કોઈ નવલકથા લખી નહોત, તો પણ ભવિષ્યમાં તેને કોઈ નબળો નવલકથાકાર હતો તેવું મેણું ન મારેત.

હોલિવુડમાં પણ નવલકથાકારની માફક 100 ટકા માર્ક્સ મેળવવા માટે તેણે તનતોડ મહેનત કરી. સતત દોઢ વર્ષ સુધી અથાગ પરિશ્રમ કર્યો. પણ બાદમાં Fitzgeraldની સ્થિતિ એક એવા નિશાળીયા જેવી બની ગઈ હતી, જ્યારે ગામડાનો વિદ્યાર્થી શહેરમાં આવે અને તેને ખબર પડે કે અહીં તો મારા કરતા હોશિયાર વિદ્યાર્થીઓની ફોજ છે.

Fitzgerald હિંમત ન હાર્યા. તેના એક નજીકના વ્યક્તિએ આ અંગે નોંધ્યું છે અને તેની સ્ક્રિન રાઈટીંગની મોટી ભૂલ પણ કાઢી છે. તેણે લખ્યું, ‘સ્ક્રિન રાઈટિંગને તેણે ખૂબ જ ગંભીર રીતે લઈ લીધું હતું. તેને જોઈ હ્રદય ભાંગી જતું હતું કે તે કેટલી મહેનત કરી રહ્યો છે. તેને લાગતું હતું કે હું જે લખુ છું તે નવલકથાની જેમ જ લખાય. પરિણામે એક પાત્ર વિશે લખવા માટે તે ફકરાનાં ફકરા ભરી દેતો હતો. અને પછી એક ડાઈલોગ લખતો હતો.’

Billy Wilder નામના જ્ઞાની પુરૂષે તો Fitzgeraldની આ અંધાધૂન મહેનત માટે કહી દીધું હતું, ‘તમે વિશ્વનાં મહાન ખોદણીયાને કામે લગાડ્યો હોય. જેનું અંતિમ ધ્યેય ખાડો ખોદી અંદરની પાઈપલાઈનને જોઈન્ટ કરવાનું હોય. પણ પાછળથી તમને ખબર પડે કે તેને તો પાઈપલાઈન જોઈન્ટ કરતાં જ નથી આવડતી. તો પછી પાણીનો પ્રવાહ કેવી રીતે વહેશે ?’

હોલિવુડમાં પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન Fitzgerald હંમેશાં શબ્દો અને દ્રશ્યો વચ્ચે તાલમેલ લાવવાનું જ કામ કર્યું. બેશક તે એક સારો કથાકાર હતો અને તેની કૃતિઓ આજે પણ અજરા-અમર છે. પણ તે કોઈ દિવસ સ્ક્રિન રાઈટર ન બની શક્યો. નસીરૂદ્દીન શાહે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘એક્ટિંગ દરેક વ્યક્તિ કરી શકે, કારણ કે દરેક પોત પોતાની રીતે ડાઈલોગનું પઠન કરશે અને અભિનય કરશે. એક્ટિંગ એ સ્ક્રિન રાઈટીંગ જેવું નથી કે ખૂબ જૂજ લોકો જ તેમાં સફળતા પ્રાપ્ત કરે.’

હોલિવુડમાં સમય પસાર કર્યો તે દરમિયાન Fitzgeraldને માત્ર એક જ ક્રેડિટ મળી. એમાં પણ નવલકથા તો હતી જ. Three Comrades નામની Erich Maria Remarqueની કૃતિ. આ એડેપ્શનનું બોક્સ ઓફિસ પર દેવાળું ફૂંકાઈ ગયું. Fitzgerald ભાઈએ તો આ સ્ક્રિપ્ટ પણ બરાબર ન હતી લખી. જેથી બાદમાં Joseph L. Mankiewicz નામના વ્યક્તિને મઠારવી પડી. આડવાત, ઓસ્કરમાં સ્ક્રિનપ્લે માટે બે ટ્રોફી હોય છે. એક બેસ્ટ ઓરિજનલ સ્ક્રિનપ્લે જે લેખકે પોતે લખી હોય, કોઈ જગ્યાએથી ઉઠાંતરી ન કરી હોય અને બેસ્ટ એડેપ્શન સ્ક્રિનપ્લે, જે કોઈ વાર્તા, નવલકથા કે નાટકમાંથી બનાવવામાં આવી હોય. ખ્યાતનામ દિગ્દર્શકો અને સ્ક્રિનરાઈટરો કહી ચૂક્યા છે, ઓરિજનલ સ્ક્રિનપ્લે લખવો એ ખૂબ સરળ છે, પણ કોઈ બીજાની કૃતિ પરથી ફિલ્મ બનાવવી તેમાં હિંમત જોઈએ. આમ છતાં હોલિવુડમાં એડેપ્શન સ્ક્રિનપ્લે ખૂબ સફળ જાય છે. સત્યજીત રેએ પણ ત્યાંથી જ શરૂઆત કરી હતી.  

તો Fitzgeraldને બાદમાં નાની મોટી ક્રેડિટ મળતી ગઈ અને તેમની ગાડી ચાલતી ગઈ. નવલકથાકાર હોવાથી જ તેમને ગોન વિથ ધ વિન્ડ જેવી માર્ગારેટ મિશેલની અદભૂત નવલકથા પરથી બનનારી ફિલ્મના સ્ક્રિનપ્લે વિભાગમાં લેવામાં આવ્યા હતા. જોકે તેમની આવડત જોતા તેમને ત્યાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો હતો. Fitzgerald અંતે અશ્લીલતા તરફ વળ્યા. તેમને Joan Crawfordની Infidelity ફિલ્મના સ્ક્રિનપ્લેનું કામ મળ્યું. અંતે આ ફિલ્મ પણ અભેરાઈ પર ચડી ગઈ. તેનું કારણ તેના વિષયમાં રહેલી ધરખમ અશ્લિલતા હતી. 1940માં Fitzgerald એક વસવસા સાથે મૃત્યુ પામ્યા. એ વસવસો કે હું કોઈ દિવસ એક સારો સ્ક્રિનપ્લે ન લખી શક્યો. એ વાત અલગ છે કે તેમની નવલકથા પરથી જે પણ ફિલ્મો બની તેણે બોક્સઓફિસ પર ન માત્ર ’કલા’ કરી બતાવી, પણ ફેસ્ટિવલોમાં કલાકારોને લાલ જાજમ પર ચાલવાની તક પણ આપી. 1940માં જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે The Last Taycoon નામની તેમની નવલકથા અધૂરી હતી. એ નવલકથા પૂર્ણ થાત તો બીજી સારી કૃતિઓ Fitzgerald પાસેથી જગતને સાંપડવાની હતી, બસ તેમને ફિલ્મોના લેખક બનવાના અભરખાએ ન માત્ર તેમને દુખ આપ્યું પણ તેમના અઢળક વાંચકોને પણ.

નવલકથાકાર તરીકે તેઓ કેટલા ખ્યાતનામ હતા તેનો પૂરાવો 2017ની સાલમાં ખણખોદ કરો તો ત્યાં પણ જડી રહે છે. 2017માં એમેઝોન પ્રાઈમ પર 9 એપિસોડની એક સિરીઝ આવી હતી. નામ છે Last Taycoon. એ લેખકની કૃતિ પરથી જ બનેલી છે. એ કૃતિ જે અધૂરી રહી ગઈ હતી. ખાલી નવલકથાકાર કહેશું તો દ્રાક્ષ ખાટી છે એવું લાગશે. તેમની વાર્તાકળા પણ અભૂતપૂર્વ હતી. 1922માં સ્કોટે લખેલી ધ ક્યૂરિયસ કેસ ઓફ બેન્જામીન બટન નામની વાર્તા પરથી ડેવિડ ફિન્ચર જેવા ડાયરેક્ટરે એ જ નામેરી ફિલ્મ બનાવી હતી. જેમાં બ્રાડ પીટ અભિનેતા તરીકે હતો. ખરી વાત તો એ કે સ્કોટને તમામ જગ્યાએ સફળતા મેળવવી હતી અને તે સંભવ ન હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments