Homeસિનેમાવાદ13 Year‘s Of No Country For Old Man : ભયંકર ફિલ્મની ભયંકર...

13 Year‘s Of No Country For Old Man : ભયંકર ફિલ્મની ભયંકર વાતો

ઝાલાવાડથી જલજીરા : વિશ્વની કેટલીક ભયાનક વસ્તુઓમાં પણ સૌથી વધારે ભયાનક હોય તો એ No Country For Old Man ફિલ્મ છે. એ હોરર ફિલ્મ નથી છતાં ડરાવે છે. તેમાં આકાશી કરતબો બતાવી સ્પેશિયલ ઈફેક્ટ દ્રારા શ્વાસ અદ્ધર કરવામાં નથી આવતા છતાં એ ફિલ્મ ડરાવે છે. એ ફિલ્મ ડરાવે છે જેવિયેર બાર્ડેમ દ્રારા ભજવવામાં આવેલા સાઈકો કિલર Anton Chigurhના રોલ માટે. ભાગ્યે જ કોઈ એવો અભિનેતા હશે જે અભિનયની આ કક્ષાએ પહોંચી શકે.

સાઈક્રિઆટીસ્ટના એક ગ્રુપે હોલિવુડની 400 સાઈકો ક્રાઈમ થ્રીલર ફિલ્મ જોઈ હતી. જેમાંથી તેમને પસંદ કરવાનું હતું કે કયા અભિનેતા દ્રારા ભજવવામાં આવેલું પાત્ર તેમના મનોવૈજ્ઞાનિક અભ્યાસના ચોગઠામાં ફિટ બેસે છે. ફિલ્મો જોયા પછી નો કન્ટ્રી ફોર ઓલ્ડ મેનનો એન્ટોન પ્રથમ નંબર પર હતો. બીજા નંબર પર હેનિબલ લેક્ટર અને ત્રીજા નંબર પર બટીમન હતો. બેટમેન નહીં.

જોકર જેવા સાઈકોના પાત્રને ભજવવામાં એક મદદ મળી રહે છે. એ પાત્ર કાર્ટુનમાં આવી ચૂક્યું છે. તેના પર કોમિક બની ચૂકી છે. નવો જ સાઈકો કિલર ઊભો કરવો એ અડચણરૂપ થઈ જાય છે. જેવિયરે એ કામ ભયાનક રીતે કરી બતાવ્યું છે.

પોલીસ તેને પકડીને લઈ જાય છે તો પોલીસે હાથમાં પહેરાવેલી હાથકડી તે તેના ગળામાં મંગલસૂત્રની જેમ પહેરાવી તેને મારી નાખે છે. પોલીસ તરફડતો રહે છે અને તે દાંત અને આંખો કાઢી તેને મારી નાખે છે. સીન પૂરો થાય છે ત્યારે મર્ડરની ભયાનકતા પોલીસમેને બચવા મારેલા તરફડિયા અને જમીન પર ઘસાયેલા બૂટની લાઈનથી ખ્યાલ આવે. એ કારમાં જાય છે. કારણ વિના કોઈની કારને આંતરે છે. એક વ્યક્તિને કારમાંથી ઉતરવાનું કહે છે. એક્સક્યુઝ મી બોલે છે અને ગેસના બાટલાની નળી તેના માથા પર રાખી કહે છે, ‘ડોન્ટ મૂવ સર.’ સામેના માણસને મારી નાખે છે.

એક ગેંગવોરમાં જોશ બ્રોલીન (થેનોસ) ને એક બેગ મળે છે. જેમાં રૂપિયા છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ છે Llewelyn Moss. જે પૈસા લઈ રફુચક્કર થઈ જાય છે. એન્ટોન તેની પાછળ પડ્યો છે. હવે ભાગાભાગીમાં હ્રદયના ધબકારા વધારી દેતી ચેઝ સિક્વન્સ માટે આ ફિલ્મ મશહૂર છે. આ ફિલ્મની વાત અત્યારે શા માટે ? ફિલ્મને આજે 13 વર્ષ પૂરા થયા છે. 9 નવેમ્બર 2007ના દિવસે રિલીઝ થઈ હતી. ફિલ્મની પાછળની વાર્તા પણ જે નવલકથા પરથી ફિલ્મ બની તેના જેટલી જ મશહુર છે.

સફળતાનો હકદાર કોણ ?

ફિલ્મની સફળતા કોની કહેવાય? નવલકથાના લેખક કોર્મેક મેકકાર્થિની કે જેણે નવલકથા પરથી ફિલ્મ બનાવી એવા જોઈલ અને ઈથન કોઈન્સ બ્રધર્સની ? કોઈની પણ નહીં. એક ઈન્ટરવ્યૂમાં કોઈન્સ બ્રધર્સ કહે છે કે, ‘સાચી સફળતા તો પ્રોડ્યુસર સ્કોટ રૂડીનની કહેવાય. એક દિવસ સ્કોટ અમારી પાસે આવ્યા અને અમને કહ્યું કે આ નવલકથા પરથી ફિલ્મ બનાવવી છે. અમને પુસ્તક વાંચવા આપ્યું. પુસ્તકનું કામ અમને ખૂબ જ ગમ્યું. અમે રોકાયા નહીં. કોર્મેકના બીજા પુસ્તકો પણ વાંચ્યા, પણ આમા જેટલી મજા હતી એ એક પણ પુસ્તકમાં નહોતી. અમે ફાઈનલ કરી નાખ્યું કે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવીશું. જેથી સ્કોટને જ ફિલ્મનો રિયલ હીરો કહેવાય.’

તો હિથ લિજર હોત

જોશ બ્રોલીન ફિલ્મમાં Llewelyn Mossનો રોલ પ્લે કરે છે. બ્રોલીન આ રોલ માટેની પ્રથમ પસંદગી નહોતો. પ્રથમ પસંદગી હિથ લિજર હતો. જે આગામી વર્ષે જ જોકરનું પાત્ર પણ ભજવવાનો હતો. હિથે થોડો સમય માગ્યો. દિગ્દર્શકે એમને સમય આપ્યો પણ ખરો પણ છેલ્લે હિથે ના પાડી દીધી કે હું આ ફિલ્મ નહીં કરું. આ રોલ માટે પછી અભિનેતા Garret Dillahunt પણ ઓડિશન આપ્યું હતું. તેણે કહેલું, ‘મને લોસ એન્જેલસ અને ન્યૂયોર્કમાં ઓડિશન માટે બોલાવવામાં આવેલો હતો. મેં ઓડિશન આપ્યું. હું એ રોલ પ્લે કરવા માટે ઈચ્છુક હતો પણ વાત બની નહીં. મારે ખસી જવું પડ્યું. એમણે મારા મોઢા સામે વાત કહી દીધી કે, અમને તારા કરતાં પણ સશક્ત કલાકાર જોઈએ છીએ.’

તમને ખ્યાલ નથી કે તમે શું ગુમાવી રહ્યા છો?

નો કન્ટ્રી ફોર ઓલ્ડ મેન ફિલ્મનો કોણ દિગ્દર્શક છે? તેની પૂછતાછ કર્યા વિના જોવામાં આવે તો અચૂક તમને દિગ્દર્શક ટેરેન્ટીનો જ હશે એ લાગ્યા વિના ન રહે. જોશ બ્રોલિનનું ઓડિશન પણ ટેરેન્ટીનોએ જ લીધું હતું. તેમની સાથે રોબર્ટ રોડરિગર્ઝ હતો. બ્રોલિન ગ્રીન્ડહાઉસ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. એણે જ ટેરેન્ટીનો અને તેના કો-સ્ટાર રોબર્ટને કહ્યું કે, એક કેમેરામાં મારું ઓડિશન લઈ લેવામાં આવે. બ્રોલિને આ વાતને યાદ કરતાં કહેલું કે, ‘ટેરેન્ટીનો અને રોબર્ટે લંચ સમયે 1 મિલિયન ડોલરના મોંઘા કેમેરામાં મારું ઓડિશન લીધું હતું.’ વીડિયો મોકલ્યા પછી શું થયું તેના વિશે બ્રોલિને કહ્યું, ‘મારા ઓડિશનને તે લોકોએ પાટું મારી ફગાવી દીધું. એ નહોતા ઈચ્છતા કે હું ફિલ્મનો હિસ્સો બનું કારણ કે એ પાત્ર પ્રમાણે મારી ઉંમર ઘણી જ મોટી હતી. એમને ખબર નહોતી કે મારી પાસે એક એજન્ટ છે. એ એજન્ટ તેમની પાસે ગયો અને મારા ખૂબ વખાણ કરતાં બોલ્યો કે તમને ખ્યાલ નથી કે તમે શું ગુમાવી રહ્યા છો. આ તમારી મોટી ભુલ હશે.’

વાત ન કહી

ફિલ્મ સાઈન કર્યા બાદ બ્રોલિન ટુ વ્હિલ ચલાવતો જઈ રહ્યો હતો. એક કાર સામેથી આવી અને તેને ઉડાવી દીધો. એ હવામાં હતો. તેનો ખભ્ભો ભાંગી ગયો અને તે બસ એટલું જ બોલ્યો કે,‘F…. S મારે કોલિન્સ બ્રધર્સ સાથે કામ કરવાનું છે.’ આ વાત તેણે કોલિન્સ બ્રધર્સને ન કહી અને શૂટિંગ શરૂ કરી દીધું. ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે એમાં બ્રોલિનનું કેરેક્ટર કેવી રીતે લડે છે. જેનું મોટર સાઈકલ સાથે એક્સિડેન્ટ થયું હોય તે બે દિવસ પણ શૂટિંગ ન કરી શકે. અરે બે દિવસ શું બીજા સીનમાં જ નહીં. આ વાત બ્રોલિને ન કહી અને કોલિન બ્રધર્સ તેની પાસેથી ગુસ્સામાં કામ કઢાવતા રહ્યા.

તમે ખોટા એક્ટર પાસે આવ્યા છો

જેવિયર બાર્ડેમ જ વિલન તરીકે શું કામ ? બાર્ડેમ તો ઈચ્છતો જ નહોતો કે આ રોલ હું પ્લે કરું. તેણે કોલિન્સ બ્રધર્સને સાફ શબ્દોમાં કહી દીધેલું, ‘મારી વાત સાંભળો. મેં સ્ક્રિપ્ટ વાંચી છે. પણ હું આ રોલ માટે બિલકુલ પરફેક્ટ નથી. તમે એક ખોટા એક્ટર પાસે આવી ગયા છો. નથી મને કાર ચલાવતા આવડતી, મારું અંગ્રેજી ખૂબ જ ભયંકર છે, હું હિંસામાં નથી માનતો.’ હસતા હસતા કોઈન્સ બ્રધર્સે કહ્યું, ‘અમને ખ્યાલ છે અને એટલા માટે જ તો તારી પાસે આવ્યા છીએ.’

નસીબની બલિહારી

માર્ક સ્ટ્રોંગ. ખૂબ ખતરનાક એક્ટર છે. એ નસીબનો નબળો નીકળ્યો. બાર્ડેમે કોઈન્સ બ્રધરને કહ્યું કે, મારું શેડ્યુલ ટાઈટ છે હું આ રોલ પ્લે નહીં કરી શકું. બ્રધર્સ સીધા સ્ટ્રોંગ પાસે ગયા. સ્ટ્રોંગ ખુશ થઈ ગયો. તેણે હા પાડી અને કહ્યું આપણે થોડા દિવસોમાં બધુ ફાઈનલ કરી નાખીએ. એ ફાઈનલ કરવાનો જ હતો ત્યાં કોઈન્સ બ્રધર્સને ફોન આવી ગયો, ‘મારું શેડ્યુલ ક્લિયર છે બોલો ક્યારથી શૂટિંગ શરૂ કરીએ?’ આ બાર્ડેમનો ફોન હતો. ટૂંક સમયમાં જ બાર્ડેમે શૂટિંગનો આરંભ કરી દીધો. આજે પણ માર્ક સ્ટ્રોંગ કહે છે, ‘હું પડદા પર એ પાત્રને તેનાથી પણ સારી રીતે જીવંત કરી શકેત.’

હેરસ્ટાઈલ સાચી છે

જેવિયર બાર્ડેમે જે હેર સ્ટાઈલ કરી છે તેનું આર્ટ ડિપાર્ટમેન્ટ દ્રારા ખૂબ રિસર્ચ કરવામાં આવ્યું હતું. 1980ની સાલમાં જેવી હેર સ્ટાઈલ હોય તેવી જ હેરસ્ટાઈલ કરવી તેના કરતાં મહત્વનું એ હતું કે વાળ પણ ડરાવતા હોવા જોઈએ. ખૂબ સંશોધન કર્યા પછી એક તસવીર હાથમાં આવી. 1979ની એ તસવીર હતી. જેમાં એક યુવાન વેસ્ટ ટેક્સાસના બારમાં આ પ્રકારની હેરસ્ટાઈલ સાથે ઊભો હતો. એ ખૂબ જ ડરાવી રહ્યો હતો. બાર્ડેમ આ વિશે કહે છે, ‘તમારી પાસે આવા વાળ હોય તેનો અર્થ એ થયો કે તમારે સાઈકો કિલરનો રોલ પ્લે કરવા માટે અભિનયની પુષ્કળ તૈયારી કરવાની જરૂર નથી. હેરસ્ટાઈલ ખૂદ અભિનય કરશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments