Team Chabuk– Literature Desk: બકુલેશ એટલે કે રામજી અર્જુન ગજકંધ. એમની વાર્તાઓ વિશે ઓછું ચર્ચાયું છે. શ્રી શરીફાબહેન વીજળીવાળા સંપાદિત બકુલેશની વાર્તાઓ એટલે એમનું અથાગ પરિશ્રમ બાદ મળી ગયેલું એક માત્ર પુસ્તક. પુસ્તકના શ્વેત-શ્યામ રંગી મુખપૃષ્ઠ પર બકુલેશની તસ્વીર ઝળહળે છે. બકુલેશ નામ શા માટે? તેના ઉત્તરની પ્રાપ્તિ પુસ્તકમાંથી થાય છે. પુસ્તક બોલે છે કે પિતાશ્રીના ડરથી તેમણે આ નામ ધારણ કર્યું હતું.
પિતાશ્રીએ લેખક બનવાના ગેરફાયદાઓ અંગે તેમને લાંબુંલચ અને કેટલેક અંશે યથાર્થ એવું ભાષણ આપ્યું હતું અને જણાવેલું કે લેખક બનીશ તો ભીખ માંગીશ. પિતાશ્રીની ભીતિને પરિણામે વચ્ચે કશું લખાયું નહીં. મહિનાઓ સુધી લેખનને લઈ બેરોજગાર રહ્યા પણ અચાનક અખબારો અને સામાયિકોમાં બકુલેશ નામ પ્રગટ્યું. ખરેખર તો રામજીએ પિતાજી અર્જુનની વિરુદ્ધ જઈ બંડ પોકાર્યો હતો અને કહી શકાય કે સાહિત્યિક પોત પ્રકાશ્યું હતું! જોકે આ વાત પણ છૂપી નથી રહેતી અને પિતાશ્રીને બકુલેશ એટલે આપણો રામજી જ છે એવી ખબર પડી જાય છે. પરંતુ ત્યાં સુધીમાં ઘણો વિલંબ થઈ ચૂક્યો હોય છે અને બકુલેશ લેખક તરીકેની કારકિર્દી અપનાવી સાહિત્યમાં ઘણાં આગળ નીકળી ચૂક્યા હોય છે.
બકુલેશ નામ એમનું પોતાનું જ હતું અને પછી તો બધાએ આ છદ્મધારી લેખકને સ્વીકારી લીધા. પણ આ જનતા શું બકુલેશને રામજી અર્જુન ગજકંધ જેવું લાંબું નામ હોત તો સ્વીકારત? કે બકુલેશ જેવા આધુનિક નામથી એમને પ્રીતિ થઈ ગઈ હતી. આ પ્રશ્ન બકુલેશના વાચકોને થવો જ જોઈએ.
અર્જુન ગજકંધને કુલ દસ સંતાનો હતા એમાંથી એક માત્ર બકુલેશ જ જીવિત રહ્યા. આટલો હોશિયાર વાર્તાકાર પણ મેટ્રીકમાં નાપાસ થયા. મૂળ કચ્છના પરંતુ બ્રિટીશ બોમ્બેમાં જન્મેલા હાજી અલારખિયા શિવજી સ્થાપિત વીસમી સદી નામના સામાયિકમાં જોડાઈ ગયા અને પત્રકાર બની ગયા. વીસમી સદી એટલે ગુજરાતી ભાષાનું પ્રથમ લોકપ્રિય અને ચિત્રાત્મક સામાયિક. આ એ જ સામાયિક હતું જેમાં ગુજરાતી સાહિત્યની પ્રથમ વાર્તા કંચનલાલ મહેતા “મલયાનીલ” કૃત ગોવાલણી પ્રગટ થઈ હતી. અને ગુજરાતી વાર્તા સાહિત્યના શ્રી ગણેશ થયેલા.
પછી તો વિવિધ સામાયિકો અને અખબારોમાં લખવાનું થયું. એમાં ફિલ્મ ઉદ્યોગની જાહેરખબરો પણ તૈયાર કરી. ગુલાબી ઉપનામે ફિલ્મોનું વિવેચન લખતા. શરીફા બહેને કરેલા સંશોધનમાંથી આટલી કામની માહિતી તારવીને અહીં મૂકી છે. આમ તો બકુલેશ વિશેનું અને એમની વાર્તાઓ વિશેનું એ અવલોકન ખાસ્સું લાંબું અને રસપ્રદ છે. અહીં એ સઘળું સમાવી ન શકાય. પરંતુ પુસ્તકના અંતમાં બકુલેશનું મૂળરાજ અંજારિયાએ લીધેલું ઇન્ટરવ્યૂ ધ્યાનમાં આવ્યું. એથી બકુલેશને નજીકથી જાણવાનો અવસર મળશે. એ સાક્ષાત્કારમાંથી કેટલીક વસ્તુઓ તારવીને અહીં મૂકવાની જૂર્રત કરું છું.
“હું કેમ લખું છું!” આ નામની એક લેખમાળા શ્રી અંજારિયાએ શરુ કરી હતી. પોતે કેમ અને કેવી રીતે લખે છે? કયા પરિબળોએ રામજી અર્જુન ગજકંધને બકુલેશ બનાવ્યા અને ખાસ તો લેખક બનાવ્યા? નવોદિતોને શું બોધ આપવા ઇચ્છે છે? એ માટે શ્રી બકુલેશને પણ આમંત્રણ પાઠવાયું હતું. એ ખૂદને વિદ્વાન નથી ગણતા. મહાન સાહિત્યકાર પણ નથી. એ તો હજુય પોતાને લેખનના વિદ્યાર્થી જ ગણતા આવ્યા. પોતે શા માટે લખે છે એનો એ કંઈક આવો જવાબ આપે છે: “કારણ કે મ્હને જીંદગી જીવવા માટે લખવાની ટેવ, લખવાની આદત અને કલમ ચલાવવાનું દર્દ જીંદગી જીવવાની એક મજા આપી જાય છે. એ થડકાથી જીંદગીને હું રંગીન બનાવી દઈ, આજની સમાજરચના સ્હામે મ્હારી કલમથી જે કૈં મુક્કાઓ ઉગામી શકાય અને મ્હારી સાથે જ, પસીનાથી પોતાની જીંદગી ઉજળી રાખનારા આદમીઓની, ઈન્સાનોની કતારોની સાથે જ ખભા મીલાવી, તેમના મન અને મિજાજને કલમથી કાગળ ઉપર ઉતારી શકાય. એવી મ્હારા મનની રાગિણીનાં સૂરને મનની મુરલી પરથી કલમ દ્વારા છેડી દઉં છું – એમાં મ્હને મઝા આવે છે. – એટલું જ નહિ પણ મ્હને મારી કલમ “રોટી” આપે છે. ખરું પૂછતાં તો આવી રીતે કલમ ચલાવીને “રોટી” કમાતાં મ્હને એક પ્રકારના લુત્ફની થરથરાટી મળે છે.”
બકુલેશ જ્યારે સ્ફુરે ત્યારે જ વાર્તાઓ અને લેખો લખતા હતા. વાત રહી ફિલ્મોની સમીક્ષા અને જાહેરખબરની તો એ એમને ઘરની અર્થવ્યવસ્થા ચલાવવા માટે પરાણે કરવું પડતું કાર્ય હતું. અહીં તેઓ ગુજરાતી સાહિત્યમાં પોતાની વાર્તાઓની થયેલી ઉપેક્ષાને લઈ સમકાલીન તદ્વિદો અને સાહિત્યકારો વિરુદ્ધ રોષ વ્યક્ત કરે છે. ગુજરાતી સાહિત્યકારોની ઉજળી વાર્તાઓ લખવા ઉપર શબ્દવેધી બાણ ચલાવે છે. એક જગ્યાએ તેઓ વ્યંગમાં ટાંકે છે, “ગુજરાતી સાહિત્યે મ્હારા પર એટલો બધો મહાન ઉપકાર કર્યો છે કે હું જાહેરખબરો જ લખું છું…”
હું કોના માટે લખું છું? આ પ્રશ્નના ઉત્તરમાં તેમની અંદરનો લેખક કશુંક મેળવવા માટે તો સર્જન નહોતો જ કરતો તેનું પ્રમાણ મળી આવે છે. તેમને કોઈ પુરસ્કારની આશા નહોતી. કોઈ વિદ્વાનને રાજીરાજી કરવાના મનસૂબા સાથે નહોતું લખવું. એમને બસ લખવું હતું. લખવું એ એમને મન ગમતી પ્રવૃત્તિ હતી અને એટલે જ તેઓ લખતા રહ્યા. “હું લખું છું – એક રીતે તો… બસ લખું છું! નોબલ પારિતોષિક મેળવવા માટે નહિ, સાક્ષરોમાં ખપવા માટે નહીં. સ્વ. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવવા માટે નહિ; કે કોઈ મહાન પદ્વી પ્રાપ્ત કરવા માટે નહિ.”
બકુલેશ લખતા. એક જ વખત લખતા. લખ્યા પછી એમને ક્યારેય સુધારવાનો અવસર મળ્યો નહીં. કોઈક વખત સુધારવાનો ટાઇમ મળી જતો તો તેઓ શબ્દો ફેરવતા કે કેટલાક વાક્યોમાં ચેકભૂંસ કરતાં. ભેજાને એવી તાલીમ આપી હતી કે ક્યારેય પણ અને કોઈ પણ જગ્યાએ બેસીને, દિવસ હોય કે રાત તેઓ લખી શકતા હતા. તેઓ લેખનને એક સજારૂપે ગણાવતા. એમણે કલા અને જિંદગી વિશે એવું લખેલું કે ઘણાં સાક્ષરોની લાગણીઓ દુભાઈ હતી. આથી કેટલાક વિદ્વાનોએ તેમના પર થપ્પો મારેલો કે તેઓ જ્યોર્જ બર્નાડ શૉની માફક નકલ કરીને આક્રમક બનાવનો પ્રયાસ કરી રહ્યા છે, પણ એનાં જેટલો એનામાં અભ્યાસ નથી.
આ ઈન્ટરવ્યૂનો અંતિમ પ્રશ્ન નવોદિતો માટે છે કે તેઓ ઉગતા લેખકોને શું શીખામણ આપવા માગે છે. બકુલેશ કહે છે, “અને ઉગતા લેખકો માટે…. તેઓ લખે… લખતા જ રહે. ગમે તે લખે. પણ દિલમાં ઉઠતા ભાવોને દબાવે નહિ. જીંદગી જેવી છે તેવી ને તેવી પોતાની જ ખાસ દૃષ્ટીએ એને વળાંક આપીને કલમના રૂપકો આપ્યાં જ કરે. બીજા કોઈ પણ લેખકનું અનુકરણ તેઓ કદિ જ ન કરે. કારણ કે અનુકરણની શૈલી ઘણા સારા કલાકારોને માટે ખરાબ છે.”
આ લેખનો અંત તો જયંત ખત્રીએ બકુલેશની પ્રશસ્તિ માટે વાપરેલા શબ્દોથી જ કરવો એવું યથોચ્ચિત માનું છું, “બકુલેશ નવલિકાકાર હતો તેથીયે વિશેષ ચડિયાતો કલાવિવેચક હતો. પ્રાચીન, અર્વાચીન પશ્ચિમના ચિત્રકારોની કૃતિઓનાં મૂલ્યાંકન એની પાસેથી સાંભળવા જેવાં હતાં. બહુ ઓછા માણસો જાણતા હશે કે બકુલેશ ચિત્રકાર પણ હતો. ‘લેઆઉટ’ની કળા જે એની પાસે હતી તે ભાગ્યે જ કોઈ પાસે જોવા મળે છે.”

તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે