Team Chabuk-Literature Desk: દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે અપાતા યુવા પુરસ્કારની જાહેરાત આજ રોજ કરવામાં આવી છે. આજે 18 જૂનના રોજ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની વિવિધ ભાષાના યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષાના યુવા પુરસ્કાર તરીકે યુવા લેખક મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીની પસંદગી કરવામાં આવી છે. મયૂર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ માટે વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.
આ વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 23 ભાષાના યુવા લેખકોને યુવા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીને આપવાની જાહેરાત કરાઈ છે. મહત્વનું છે કે, ગુજરાતી ભાષામાંથી ચાર પુસ્તકો નોમિનેટ થયા હતા. જેમાં બાદલ પંચાલની ટૂંકી વાર્તાનું પુસ્તક છાપરા પર પાંખો, હિરેન દેસાઈની નવલકથા રંભાસૂર, જીતેશ દોંગાની નવલકથા રામબાઈ અને મયૂર ખાવડુના નિબંધ સંગ્રહનું પુસ્તક નરસિંહ ટેકરી હતા. જેમાંથી મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીએ બાજી મારીને વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર જીતી લીધો છે.
મહત્વનું છે કે, ગુજરાત સાહિત્ય અકાદમી વર્ષ 2023 માટે બાળ વિભાગના બાળ વાર્તા કેટેગરીમાં યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈના પુસ્તક ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા)ને પ્રથમ ક્રમે પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર માટે અલગ અલગ ભાષાના જાણકારોની જ્યુરી મેમ્બરની પેનલ બનાવવામાં આવી હતી. જેમાં ગુજરાતી ભાષા માટે જ્યુરી મેમ્બર તરીકે ડો. દર્શના ધોળકિયા, વર્ષા અડાલજા અને પ્રો. ભરત પંડ્યા હતા. આ જ્યુરી મેમ્બરો દ્વારા યુવા પુરસ્કારની પસંદગી કરવામાં આવી હતી.
કોણ છે મયૂર ખાવડુ ?
યુવા લેખક મયૂર ખાવડુ મૂળ જૂનાગઢના વતની છે. તેઓ લેખક ઉપરાંત વ્યવસાયે પત્રકાર છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાંથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી અને M.phil સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે ટીવી નાઈન ગુજરાતી ન્યૂઝ ચેનલ, જીએસટીવી ન્યૂઝ ચેનલ સહિતના મીડિયા હાઉસમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારમાં કટાર લેખનનું કામ કર્યું છે. તેમણે વર્ષ 2023માં યુવા લેખક પરમ દેસાઈ સાથે મળીને ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા) લખી હતી. જેનો વાચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારબાદ 2024માં તેમનું બીજું પુસ્તક નિબંધ સંગ્રહ ‘નરસિંહ ટેકરી’ પ્રકાશિત થયું હતું અને 2025માં મયૂર ખાવડુનું ત્રીજું પુસ્તક હાસ્ય નિબંધ સંગ્રહ ‘સફેદ કાગડો’ પ્રકાશિત થયું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત