Homeસાહિત્યવેરઝેર: વાંચતા વાંચતા કાતિલને તમે પકડી શકશો પણ કેમ થયું એનો જવાબ...

વેરઝેર: વાંચતા વાંચતા કાતિલને તમે પકડી શકશો પણ કેમ થયું એનો જવાબ તો તમને અંતમાં જ મળશે

Team Chabuk– Literature Desk: શ્રી ગુણવંતરાય આચાર્ય એટલે દરિયાઈ નવલકથાઓ માટે ગુજરાતી સાહિત્યમાં ઓળખાય. આ સિવાયની પણ એમની એક ઓળખ જે વીસરાઈ ગઈ પણ યાદ કરાવવી આવશ્યક માનું છું. કિશોરો માટેનાં સાહસ અને રોમાંચના વિષયોને લઈ લખેલી તેમની સદાબહાર રહસ્ય-સાહસકથા શ્રેણીઓ. એ પુસ્તકો પુન:ઉપલબ્ધ બન્યા હોવાનો આનંદ છે.

વેરઝેર એવી જ એમની એક કૃતિ. જોકે આ કથા કંઈ કિશોરો માટેની જ હોય એવું તેના કથાવસ્તુથી લાગતું નથી. કથાના કેટલાક અંશો કિશોરો માટેના મટી જઈ મોટેરા વાચકોની નવલકથા હોય એવી સાષ્ટાંગ અનુભૂતિ કરાવે છે. વાંચી તો કોઈ પણ શકે. આપણે ત્યાં કિશોરો માટેનું સાહિત્ય એટલે જ્યાં કિશોર એક પાત્ર તરીકે આવતું હોય. કથાના કથી જ્ઞ સુધી એ છવાયેલો હોય. આવું આ કથામાં કંઈ છે નહીં. એમ તો શેરલોક હોમ્સમાં ક્યાં કોઈ કિશોરવયનું પાત્ર છે, છતાં નાનાથી લઈ મોટા સુધીના વાંચકોને આનંદ પમાડે જ તો છે.

વેરઝેર રહસ્ય-સાહસકથાની શૈલી કિશોરો માટે આકરી થઈ પડે એવી છે. તેનું શબ્દકર્મ કિશોરમાનસ સુધીનો નિગ્રહ નથી રાખી શકતો. એટલે સાહિત્યના એવા કોઈ ક્લિષ્ટ શબ્દોને શ્રી ગુણવંતરાય આચાર્ય સ્પર્શતા નથી. એથી અલગ ગુજરાતી ભાષાના તમામ વાચકને ગળે ઉતરી જાય એવી ભાષાનો અહીં તેઓ વિનિયોગ કરે છે. પરંતુ તેનું વાક્યકર્મ અને કથાવસ્તુની રહસ્યજંજાળ કિશોરોને મુશ્કેલીમાં મુકી દે એવી ખરી. જેથી પુસ્તકની ઉપર લખેલા “સદાબહાર કિશોર રહસ્ય-સાહસકથા”ની ટેગ લાઇન સામે કેટલાક પ્રશ્નો તો ઉદ્દભવે જ છે. કથાને રહસ્ય અને રોમાંચ પ્રેરતી નવલકથા પણ કહી શકીએ અને સાહસકથા પણ કહી શકીએ. અંગ્રેજીમાં પ્રગટ થાય તો તેને “મિસ્ટ્રી” એવું નામ મળી શકે. આ બધું તો કથામાં છે જ, પણ એથી આગળ આ કથાને તેનું “ડિટેક્ટિવ” સ્વરૂપ મળે છે. સ્વયં કથાસર્જક પણ તેને એ નામે જ ઓળખાવે છે. અને એવું જ તત્વ તો તેની અંદર ઠાંસીઠાંસીને ભર્યું છે.

અહીં કોણે કર્યું? એ પ્રશ્નની આ જાસૂસી કથા છે. કથામાં એક વકીલ અને તેનો સહાયક જાસૂસી કાર્યને અંજામ આપે છે. કથામાં કોણ હત્યારું? એનો પણ એક પ્રશ્ન અદ્ધર લટકી રહ્યો છે. કથામાં કેટલાક સવાલો છે જેનાં ઉત્તરો ડિટેક્ટિવ તો ખોળશે જ પણ આપણેય વિચાર કરતાં કરતાં શોધવાના છે. અર્થાત્ આ બધું એકઠું થતાં, માત્ર કોઈ એક સ્વરૂપની નહીં, પરંતુ રહસ્ય-રોમાંચ-સાહસ-મર્ડર-જાસૂસી જેવા તમામ સાહિત્યિક સ્વરૂપોની આ કથા બની રહે છે.

કથાવસ્તુ અત્યંત રોચક છે. પાત્રોમાં કલાંતર બની જવાની શક્યતાઓ સેવાઈ છે. એનાં સંવાદો લાંબાં નથી પણ કથા વાંચતી વેળાએ અગાઉનો તંતુ મગજમાં ઝાલીને રાખવો પડે છે. એટલે કે આ કથા એક બેઠકે જ વાંચવી સંભવ બને. જો આવું નથી થતું અને અગાઉના કેટલાક ઘટિત પ્રસંગોથી આપણી યાદશક્તિ ફારગતિ લઈ લે તો કથાને એકડે એકથી પુન: વાંચવી પડે. ક્વચિતે જ એવો પુરુષાર્થ કરવો પડી શકે. કથા એટલી રસનિષ્પતિ કરે છે કે તે એક જ બેઠકે પૂર્ણ થઈ જાય.

શ્રી ગુણવંતરાય આચાર્યએ પાત્રોને ઘડી તેને એક લાંબો શ્વાસ લેવાની તક આપી છે. કોઈ પાત્રનું આગમન થાય તો એ આવવા ખાતર જ આવતું નથી. અને આ રીતે શ્રી આચાર્યની એક જવાબદાર લેખક તરીકેની આભાના આપણને દર્શન થાય છે. આમ તો પૃષ્ઠો પુસ્તકના આકારના કારણે લાંબા પણ વાંચીએ તો ઓછાં જ છે. આ પ્રકારનું સાહિત્યિકકર્મ ખૂબ ઓછા કરી જાણે. ઓછામાં ઘણું! મજબૂત વાચકને અધવચ્ચે જ કાતિલનો ખ્યાલ આવી જવાનો, પરંતુ એ કાતિલ શા માટે છે? તેણે આ બધું કેવી રીતે પાર પાડ્યું? તેનો આમ કરવાનો હેતુ શો? એ વિષે આપણે આપણી જાતને પ્રશ્નો પૂછીએ છીએ. એટલે કે કથા કેટલાક વિચારને જન્મ આપે છે. કોઈ કથા જો ભારે વિચાર કરવા માટે મજબૂર કરતી હોય અને કથારસની આગળ જતાં અટકાવતી હોય, તો અચૂક તેની અંદરનો આત્મા કિશોરથી લઈને મોટેરા સુધીનો હોવાનો. એટલે આ રીતે પણ શ્રી આચાર્ય બાજી મારી જાય છે. અને પેલું સદાબહાર કિશોર… લખેલું આમ નહીં તો આમ ફલિત થાય.

આ એક કોર્ટરૂમ ડ્રામા છે. જેનો ગુજરાતી લેખનજગતમાં અન્ય પેટા સ્વરૂપની તુલનાએ ખાસ્સો અભાવ રહ્યો. નાટકીય રીતે આખો ખેલ ખેલાયેલો છે. એ સમયના પરિવેશને શ્રી આચાર્યએ આબેહૂબ કંડાર્યો છે. એ તો સ્વયં કથાના આરંભમાં જ કહી દે છે. “તમે મુંબઈ જોયું હોય તોય ઠીક. ન જોયું હોય તોય વાંધો નહીં.” એટલે પરિવેશ દ્વારા જ્ઞાત-અજ્ઞાત હોવાપણાથી તેનો ભાવક સ્વતંત્ર બને છે.

પરન્તુ લેખક શ્રી આચાર્ય બુદ્ધિના બાદશાહ કહેવાય. એક સમયે જ્યારે ગુનેગાર ઉઘાડો પડી જાય છે ત્યારે કથા પૂર્ણ એવું આપણે માની બેસીએ. એવું થતું નથી. એ પછીના પણ બે પ્રકરણો રહસ્યની અંદરનું રહસ્ય જણાવે છે. આટલું ઝીણું કાતવું એ કોઈ સર્જક માટે સરળ નથી હોતું. પુસ્તકની અંદર તેનું પ્રથમ પ્રકાશન વર્ષ 1956 લખેલ છે. કહેવાનો હેતુ એ કે અશ્વિની ભટ્ટની કથામાં આવતા કેટલાક ઐતિહાસિક પ્રસંગો જેવો અહીં પણ એક પ્રસંગ દટાયેલો છે. જે કથાબીજને વધારે હુષ્ટપુષ્ટ બનાવે છે. અને આમ કલકત્તાથી બોમ્બે સુધી લંબાયેલો આ પરિવેશ નિરર્થક નિવડતો નથી.

આચાર્ય અહીં મનુષ્યની સાથે પ્રાણીજગતની વાત માંડે છે. આરંભથી અંત સુધી પેલું પ્રાણી કેવી રીતે રહસ્યતાંતણામાં ગૂંથાયેલું છે એનો તેઓ અંદેશો કળવા દેતાં નથી. આચાર્ય એક લેખક તરીકે અહીં ફાવી ગયા છે. એમણે મૂંગા જીવની મનુષ્ય પ્રત્યેની સંવેદનશીલતા અને વફાદારી દર્શાવી. આ બે અત્યાર સુધી શબ્દ તરીકે સાંભળ્યા, વાંચ્યા અને જોયા હતા, પણ રહસ્યમાં એ કંઈક આવો ભાગ ભજવે એવો તો વહેમ જ ન પડ્યો.

રહસ્યકથાઓના વિષયવસ્તુમાં લાલસા અને વાસના ધરબાયેલા હોય. આ બે હોય તો જ કંઈક અજુગતુ થયું હોય. અહીં એ બંને છે. એ બંનેની ઉપસ્થિતિના કારણે વેરઝેરનું વિષયવસ્તુ સુદૃઢ બની જાય છે. લાલસાથી કથાના આરંભનો પીંડ બંધાય છે, એને હવા મળે છે અને અંતમાં વાસનાની નદી પણ ભળી જતાં આ “જાસૂસીકથા” ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નરૂપ બની જાય છે.

verzer

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments