Homeદે ઘુમા કેકેપટાઉન ટેસ્ટ: આજે બધો આધાર ભારતીય બોલર્સ પર

કેપટાઉન ટેસ્ટ: આજે બધો આધાર ભારતીય બોલર્સ પર

Team Chabuk-Sports Desk: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો અંતિમ મુકાબલો ચાલી રહ્યો છે. ભારતીય ટીમ અહીં વિજય પ્રાપ્ત કરી આફ્રિકાના ઘરમાં સીરીઝ જીતવાનું સ્વપ્ન પૂર્ણ કરવા ઈચ્છશે. જોકે પ્રથમ ઈનિંગ બાદ ભારતીય ટીમ માટે આ માર્ગ સમસ્યાપ્રધાન બની ગયો છે. આંકડાઓ ભારતના પક્ષમાં નથી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 223 રન બનાવ્યા. એ પૂર્વે 74 વખત ભારતીય ટીમ 225 કે તેનાથી ઓછા સ્કોર પર ઓલ આઉટ થઈ છે. જેમાંથી 14 મેચ જ એવી છે જેમાં ભારતીય ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકી છે અને જીત મેળવી શકી છે. 47 મેચમાં ટીમને નામોશીભર્યાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય 13 ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે.

છેલ્લી જીત ઈંગ્લેન્ડમાં

ભારતને પ્રથમ બેટીંગ કરતા 225 રનથી ઓછા સ્કોરમાં છેલ્લી જીત સપ્ટેમ્બર 2021માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મળી હતી. ઓવલમાં રમાયેલા મેચમાં ભારતે પ્રથમ ઈનિંગમાં 191 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ઈનિંગ 290માં આટોપાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં રોહિત શર્માના 127 રનની સહાયતાથી ભારત 466નો વિશાળ સ્કોર ઈંગ્લેન્ડની સામે રાખી શકી હતી અને વિરોધી ટીમને 368નું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં ઈંગ્લિશ ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે આ મેચ 157 રનથી જીતી લીધો હતો.

ડરબનમાં પ્રથમ વખત

જો દક્ષિણ આફ્રિકાની સામે 225 રનથી ઓછો સ્કોર કરી જીત મેળવ્યાના ભૂતકાળને વાગોડીએ તો ટીમ ઈન્ડિયા આ પરાક્રમ અગાઉ બે વખત કરી ચૂકી છે. પ્રથમ વખત 2010માં ડરબનમાં રમાયેલી ટેસ્ટ મેચ સમયે ટીમે કર્યું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટીંગ કરતા 205 રન બનાવ્યા હતા અને આફ્રિકાની ટીમને 131 રન પર પવેલિયન ભેગી કરી દીધી હતી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 228 રન બનાવ્યા અને 302 રનનું લક્ષ્યાંક આપ્યું. દક્ષિણ આફ્રિકાની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતીય ટીમ 87 રનથી મેચ જીતી ગઈ.

જોહાનિસબર્ગમાં બીજી વખત

2018માં જોહાનિસબર્ગની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બીજી અને અંતિમ વખત આ પરાક્રમ દાખવ્યું હતું. પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 187 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાનું 194 રન પર ફિંડલું વાળી દીધું. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ ફરી 247નો સામાન્ય સ્કોર સ્કોરબોર્ડ પર લટકાવ્યો અને આફ્રિકાની ટીમને 241નું લક્ષ્યાંક આપ્યું. જવાબમાં આફ્રિકાની ટીમ 177 રન પર પવેલિયન પરત ફરી ગઈ અને ભારતે જોહાનિસબર્ગ ટેસ્ટ 63 રનથી જીતી લીધી.

બોલર પર આધાર

એવામાં કેપટાઉનમાં રમાય રહેલી ટેસ્ટમાં ભારતીય બોલરોએ પોતાના પ્રદર્શનના સહારે આફ્રિકાના બેટ્સમેનોને ફટાફટ આઉટ કરવાના રહેશે. ભારતના 223 રનના જવાબમાં આફ્રિકાની ટીમે એક વિકેટના નુકસાન પર 17 રન બનાવ્યા છે. એડમ માર્કરમ અને કીગન પીટરસન ક્રિઝ પર ઉપસ્થિત છે. કેપ્ટન ડીન એલ્ગર પવેલિયન પરત ફરી ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતથી 206 રન પાછળ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments